Gandhinagar News: વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. 7,689.84 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ ચર્ચામાં સહભાગી થતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલે (Dr. Manisha Vakil) વિભાગની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જેઓ ‘શું બદલાયું’ તેમ પૂછે છે તેમને જણાવીએ કે કોંગ્રેસના શાસનમાં આંગણવાડીના ચોપડા ઉધઈ ખાતી હતી અને રાશન ક્યાં જતું તેની કોઈને ખબર નહોતી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)ના નેતૃત્વમાં આંગણવાડી બહેનોના હાથમાં સ્માર્ટફોન અને ‘પોષણ ટ્રેકર’ છે, જેનાથી છેવાડાના બાળક સુધી મળતી સુવિધાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. આજે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતા છેવાડાના નાગરિકો સુધી પહોંચી છે.
મંત્રીએ કોંગ્રેસના શાસનકાળની ટીકા કરતા જણાવ્યું કે, એક સમયે આંગણવાડી એટલે અંધારું ઓરડું અને યોજનાઓ માત્ર કાગળ પર રહી ભ્રષ્ટાચારના કૂવામાં હોમાઈ જતી હતી. પરંતુ આજે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની આંગણવાડીઓ ‘સ્માર્ટ’ બની છે, જ્યાં બાળકો સ્માર્ટ ટીવી અને નવીનતમ પદ્ધતિઓથી શિક્ષણ મેળવી રહ્યા છે.
ડિજિટલ કવચ અને ટેકનોલોજી દ્વારા પારદર્શિતા
મંત્રી (Dr. Manisha Vakil)એ જણાવ્યું હતું કે, ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશન દ્વારા આજે છેવાડાના આદિવાસી ગામના બાળકનું વજન અને તેને મળતા દૂધની વિગત મુખ્યમંત્રી ગાંધીનગર બેઠા એક ક્લિક પર જાણી શકે છે. રાજ્યની 53,000 થી વધુ આંગણવાડીઓમાં ૪૮ લાખ લાભાર્થીઓ માટે AI આધારિત એટેન્ડન્સ સિસ્ટમ માટે રૂ. ૫ કરોડની જોગવાઈ કરાઈ છે. ટેક હોમ રાશન (THR) વિતરણમાં QR કોડ ટેકનોલોજીનો ઉપયોગ કરી ‘ડિજિટલ કવચ’ પૂરું પાડવામાં આવ્યું છે.
કુપોષણ સામે ‘જંગ’ અને પોષણ સંગમ
નાગરિકોના સ્વાસ્થ્ય સ્તરમાં સકારાત્મક પરિવર્તન લાવવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ કહેતાં મંત્રી (Dr. Manisha Vakil)એ જણાવ્યું હતું કે કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે NFHS-5 (2019-20) ની સરખામણીમાં જાન્યુઆરી-2026 સુધીમાં અભૂતપૂર્વ પરિણામો મેળવ્યા છે. આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેમાં ઓછું વજન ધરાવતા નાગરિકોના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ આ આંકડો 39.7% હતો, જે હવે ઘટીને માત્ર 11.4% પર આવી ગયો છે. આમ, કુલ 28.30% નો માતબર ઘટાડો આવ્યો છે.
રાજ્યની આંગણવાડીઓ બની ‘સ્માર્ટ’
જાન્યુઆરી-2025 થી અત્યાર સુધીમાં કુલ 1000 થી વધુ નવી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું છે. વર્ષ 2026-27 માં નવા આંગણવાડી ભવનો માટે રૂ. 360 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ આંગણવાડીઓ હવે માત્ર કેન્દ્રો નથી, પણ સ્માર્ટ ટીવી અને નવીનતમ શૈક્ષણિક સાધનોથી સજ્જ ‘સ્માર્ટ લર્નિંગ સેન્ટર’ બન્યા છે.
મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય: Dr. Manisha Vakil
મંત્રી (Dr. Manisha Vakil)એ કહ્યું હતું કે ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી રહી છે જેનો સ્પષ્ટ ચિતાર બજેટના આંકડાઓમાં જોવા મળે છે. વર્ષ 2025-26ના કુલ બજેટમાં ગુજરાત 39 ટકા ‘જેન્ડર બજેટ’ હિસ્સા સાથે સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે, જે અંતર્ગત અંદાજે 770 જેટલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ કાર્યરત છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્યને સુધારી રક્ષણ પૂરું પાડવા માટે 5.22 લાખ માતાઓ માટે રૂ. 284 કરોડ ફાળવવામાં આવ્યા છે.
રાજ્યમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે વહાલી દીકરી યોજના અમલી બનાવાઇ છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 3,35,607 દીકરીઓની સહાય મંજૂર કરવામાં આવી છે. વહાલી દીકરી યોજના જેવી યોજનાઓ માટે ઓનલાઈન અરજી અને રિયલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
મહિલા સુરક્ષા અને સ્માર્ટ આંગણવાડી શિક્ષણ: ગુજરાતનું નવું સોપાન
ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા અને બાળકોના પાયાના શિક્ષણ માટે અત્યંત ગંભીર છે તેમ જણાવતા મંત્રી (Dr. Manisha Vakil)એ કહ્યું કે 181 અભયમ હેલ્પલાઈન દ્વારા અત્યાર સુધીમાં 17.96 લાખ મહિલાઓએ સહાય મેળવી છે, જેમાંથી 3.58 લાખ કિસ્સાઓમાં ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે જ, પારિવારિક પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે રાજ્યમાં 270 નારી અદાલતો કાર્યરત છે.
શિક્ષણ અને પોષણના ક્ષેત્રમાં થયેલા બદલાવ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, હવે આંગણવાડીઓ માત્ર પોષણ કેન્દ્રો મટીને ‘સ્માર્ટ લર્નિંગ સેન્ટર’ બની રહી છે. નવી આંગણવાડીઓના નિર્માણ માટે રૂ. 360 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રી-સ્કૂલ પ્રવૃત્તિઓને વેગ આપવા ‘પા પા પગલી’ પ્રોજેક્ટ હેઠળ રૂ. 14.85 કરોડ ફાળવાયા છે. દૂધ સંજીવની યોજના દ્વારા 13.50 લાખ લાભાર્થીઓ માટે રૂ. 205 કરોડની જોગવાઈ કરાઈ છે.
દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટે કચ્છથી શરૂ થયેલું ‘બાલિકા પંચાયત’ અભિયાન હવે સમગ્ર રાજ્યમાં વ્યાપક બન્યું છે તેમ જણાવતા મંત્રી (Dr. Manisha Vakil)એ ગર્વભેર કહું કે કચ્છના કુંનરિયા ગામથી શરૂ થયેલી ‘બાલિકા પંચાયત’ આજે સમગ્ર રાજ્ય માટે પ્રેરણા બની છે. 11 થી 21 વર્ષની કિશોરીઓ દ્વારા સંચાલિત આ પંચાયત બાળ લગ્ન અટકાવવા અને કિશોરીઓના સ્વાસ્થ્ય જેવા ગંભીર સામાજિક પ્રશ્નો પર નિર્ણય લેતા શીખી રહી છે. હવે 18 વર્ષની દીકરીઓ ગામનો વહીવટ નક્કી કરે છે, જે લોકશાહીના મૂલ્યોને પાયાના સ્તર સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ બની છે.
મંત્રી ડૉ. મનીષા વકીલે (Dr. Manisha Vakil) વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની નારી હવે ‘અબળા’ માંથી ‘સબળા’ બનીને અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહી છે. આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક બાળકને સ્વસ્થ રાખવાનો, દીકરીઓને શિક્ષિત અને સુરક્ષિત તથા દરેક મહિલાને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે.
મંત્રી (Dr. Manisha Vakil)એ અંતમાં વિપક્ષને વિનંતી કરતા જણાવ્યું હતું કે, બાળકોનું સ્વાસ્થ્ય એ કોઈ પક્ષનો નહીં પણ સમગ્ર સમાજનો વિષય છે. ‘સુપોષિત ગુજરાત’ થી ‘મજબૂત ભારત’ ના નિર્માણમાં સૌને સાથે મળીને કામ કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ.7,689.84 કરોડની અંદાજપત્રિય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
આ પણ વાંચો:વિશ્વ બાલિકા દિવસ: મનીષાબેન વકીલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની કરી ઉજવણી
