Surat News: સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું છે. 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચેકડેમો અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. લોકોના ઘરો તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખેતરોમાં પાકનો વિનાશ થયો છે.
સુરતમાં વરસાદી વાતાવરણ
સુરત ગ્રામ્યમાં મેઘો મહેરબાન થયો છે. બે દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જવા મળી રહ્યો છે. માંગરોળ, બારડોલી, પલસાણા, ઉમરપાડા, મહુવા, માંડવીમાં વરસાદ પડ્યો છે. ઓલપાડ સહિત અન્ય તાલુકામાં ત્રણ દિવસનાં વિરામ બાદ ઓલપાડમાં વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઇંચ, કેવડી, શરદા, પીનપુર સહિતમાં બે દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ઘાણાવડથી લીમરવાણ પર આવતી ખાડી બે કાંઠે થઈ છે.
નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ
વહેલી સવારથી નર્મદાના ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. ગરુડેશ્વરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજપીપળાના સ્ટેશનરોડ, કાછીયાવાડ, સત્યમનગર કોલોનીમાં પાણી ભરાયા છે. સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
ભરૂચમાં પાંચ ઇંચ વરસાદ
ભરૂચ જિલ્લામાં વાલિયા અને નેત્રંગના સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. નેત્રંગમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે. વરસાદના પગલે અમરાવતી નદી બે કાંઠે થઈ છે. ભરૂચમાં જિલ્લામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો થયો છે. ભારે વરસાદને પગલે નેત્રંગ પોલીસ અને મામલતદાર કોઈપણ અઘટિત ઘટના ન ઘટે તે માટે એલર્ટ થયા છે.
અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા અને માલપુર તાલુકામાં ગાજવીજ સાથે મોડાસામાં વરસાદ પડ્યો છે. માલપુરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
સાબરકાંઠામાં સોયાબીનના પાકને જીવતદાન
સાબરકાંઠાના ઈડર, વડાલીમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. રાત્રિના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને જીવનદાન મળ્યું છે
લુણાવાડામાં ભારે વરસાદ
લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગત મધ્ય રાત્રિએ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાત્રિના 2 વાગ્યા બાદ વરસેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, હાટડીયા બજાર, મધવાસ દરવાજા, વરધારી રોડ સહિતના વિસ્તારોમાંથી ઘૂંટણસમા પાણી વહ્યા હતા. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Gujarat Rain Live 15 July: ગુજરાતમાં આજે કેવો અને કેટલો રહેશે વરસાદ…..
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના
આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ
