Porbandar News: પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડતા 14 ઇંચ વરસાદથી આખુ શહેર જળબંબાકાર થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં ચોતરફ પાણી જ પાણી છે. ક્યાંય રસ્તો જ દેખાતો નથી. પોરબંદરમાં દિવસ દરમિયાન આઠ અને રાત્રિ દરમિયાન છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. પોરબંદરમાં ભારે વરસાદના લીધે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. કેટલીય ઓફિસો અને દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. ભારે વરસાદના લીધે સમગ્ર શહેરમાં વરસાદી વેકેશન સર્જાયું હોય તેવી સ્થિતિ છે. રેલ્વે ટ્રેક ધોવાઈ જવાના લીધે આઠ ટ્રેન રદ કરવામાં આવી છે.
મેઘરાજાએ ભારે પવન અને વીજ ગર્જના સાથે પોરબંદરમાં રીતસરનું તાંડવ નૃત્ય કર્યુ હતુ. શહેરના બિરલા રોડ, છાયા ચોકી રોડ, રાણીબાગ, એમ.જી. રોડ, એસવીપી રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. ક્યાંય સુધી રસ્તો જ દેખાતો ન હતો. શહેરના કેટલાય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. રેલ્વે સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થતાં રેલ્વે વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. પોરબંદર આવતી અને જતી તથા પોરબંદર થઈને જતી આઠ ટ્રેનો રદ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત જુનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. કાળા ડીબાંગ વાદળો વચ્ચે કેશોદ અને વંથલીમાં 3.5 ઇંચ, મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. માળીયા, માંગરોળ, વિસાવદરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જુનાગઢમાં 0.5 ઈંચ, વંથલીમાં 3.5 ઇંચ, ભેંસાણમાં 0.5 ઇંચ, મેંદરડામાં 2.5ઇંચ, કેશોદમાં 3.5 ઇંચ પડ્યો છે. માંગરોળની નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ચાર ગામો તાલુકાથી સંપર્ક વિહોણા થયા છે. સેખપુર, લંબોરા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. નોળી નદીમાં પુરની સ્થિતિ સર્જાતા ગામોમાં તંત્ર દ્વારા ટેલીફોનિક સંપર્ક કરાયો છે.
માંગરોળથી કામનાથ જવાનો રસ્તો બંધ થયો છે. રોડ ઉપર વડલાઓની ડાળીઓ પડતાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તંત્રએ વડલાઓની ડાળી હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા ખંભાળિયા અને ભાણવડમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આકાશી વીજળીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. ભાણવડના ઉમિયાજીમાં રહેણાંક મકાન પર વીજળી પડી છે. સદનસીબે ઘરમાં રહેતા પરિવારનો ચમત્કારી બચાવ થયો છે. અમરેલીના વડીયામાં મેઘ મહેર યથાવત જોવા મળી છે. મેઘાપીપળીયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વડીયા સહિત આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ છે જીવલેણઃ 2023માં 870નાં મોત
આ પણ વાંચો: ગુજરાતને મળશે નવા રાજ્યપાલ, આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ પૂરો
આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ છે જીવલેણઃ 2023માં 870નાં મોત
