Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર તા. 25 જુલાઈના રોજ બપોરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ 2024નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨પમી જુલાઈએ યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે જણાવ્યું હતું કે સીએમ એટલે કે કોમન મેન, હું કોમન મેનનો સેવક છે. પ્રજાસેવક એટલે કે જાહેરસેવક છું. તેમની આ જ વાતને ચરિતાર્થ કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ બીજા સીએમ એટલે કે કોમનમેનને સાંભળશે.
CM ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે 25મી જુલાઈના રોજ બપોરે 3-30 વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૫મી જુલાઈના રોજ સવારે 8 થી 11 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ બપોરે 3-30 કલાકે મુખ્યમંત્રીશ્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.
