Rajkot News: ગુજરાતમાં ભાજપની 161 બેઠક આવી ગઈ એટલે તેના કાર્યકરોમાં પણ એટલું જોર આવી ગયું છે કે તે કાયદાને કે પોલીસને કશું સમજતા નથી. પણ રાજકોટ પોલીસે ભાજપના કાર્યકરને કાયદાનો અહેસાસ કરાવ્યો હતો. રાજકોટ પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની યુવા ભાજપના ઉપપ્રમુખ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખની બે કાર ઝડપાઇ હતી. જોકે, ભાજપના કાર્યકર્તાઓએ કાર છોડાવવા માટે ધમપછાડા કર્યા હતા પણ IPS પૂજા યાદવ કાયદાનું ભાન કરાવ્યું હતું.
રાજકોટમાં ટ્રાફિક પોલીસના ચેકિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાની કાર પકડી તો ભાજપના કાર્યકર્તા અન્ય લોકોને લઇને પોલીસ સ્ટેશને ભલામણ કરવા માટે પહોંચી ગયા હતા. રાજકોટમાં કિશાનપરા ચોકમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં ખુદ DCP પૂજા યાદવ સહિતના અધિકારીઓ હાજર હતા.
પોલીસે કાળા કલરના કાચ તેમજ નંબર પ્લેટ વગરની ભાજપના કાર્યકર્તાની કાર રોકી હતી. તો કાર્યકર્તાએ રોફ જમાવી કારની ચાવી કાઢી લીધી હતી અને પોલીસને આપી નહતી. તે બાદ ભાજપનો કાર્યકર્તા DCP પૂજા યાદવ પાસે અન્ય કાર્યકર્તાઓને લઇને કાર છોડાવવા માટે ભલામણ લઇને પહોંચ્યો હતો. ભાજપના કાર્યકર્તા IPS અધિકારી ઉપર દબાણ કરતા પણ જોવા મળ્યા હતા. જોકે, પોલીસ ભાજપના કાર્યકર્તા સામે ટસની મસ થઇ નહતી અને કારને કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભાજપના કાર્યકર્તાની કારને ઝડપીને સાબિત કરી દીધુ કે કાયદો બધા માટે એક સમાન જ છે. આ બે કાર રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના યુવા ભાજપના ઉપ પ્રમુખ હર્ષવર્ધન સિંહ કિહોર અને વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયા ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં
આ પણ વાંચો: ગુજરાતના નિવૃત્ત આઇએએસ અધિકારીનું અમેરિકામાં નિધન
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર
આ પણ વાંચો: અગ્નિવીરને લઈને ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
