Rajkot News : રાજકોટના કિશાનપરા ચોક ખાતે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કાળા કાચ અને નંબરપ્લેટ વગરની ત્રણ કાર લઈને નીકળ્યા હતા. આ કારને અટકાવી ડિટેઇન કરતાં ભાજપ કાર્યકરોએ ખેસ પહેરી ટ્રાફિક ડીસીપી સાથે રસ્તા વચ્ચે બોલાચાલી કરી હતી. જોકે ટ્રાફિક ડીસીપી ટસના મસ ન થયાં અને ત્રણેય કાર ડિટેઇન કરી હતી.ત્રણેય કાર રાજકોટનાં મહિલા ધારાસભ્ય ડો.દર્શિતાની ભલામણથી જવા દીધીની વાત પણ સામે આવી હતી. જોકે આ મામલે ડો. દર્શિતાએ જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તાઓની કાર ગઈકાલે ડિટેઇન કરાઇ હતી. મેં પોલીસ વિભાગનું માર્ગદર્શન માગવા માટે ડીસીપીને ફોન કર્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે જ અમે આરસી બુક જમા કરાવીને કારને છોડાવી છે. નિયમો બધા માટે સરખા છે. ભાજપના કાર્યકર્તાઓ દંડ ભરવા માટે બંધાયેલા છે. ભવિષ્યમાં આવું ન બને એ માટે કાર્યકર્તાઓને સૂચના આપી છે. મારા સહિત દરેક કાર્યકર્તા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે.
રાજકોટ શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા ગઈકાલે સમગ્ર શહેરમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને એસીપી જયવીર ગઢવી સહિત પોલીસ સ્ટાફ કિશાનપરા ચોક ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. દરમિયાન કાળા કાચવાળી અલગ અલગ 3 ગાડી નંબરપ્લેટ વગર પસાર થતાં તેમને અટકાવી ડિટેઇન કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે આ ત્રણેય ગાડીઓમાં શહેર ભાજપના યુવા મોરચાના હોદેદારોની પ્લેટ લગાવવામાં આવી હતી. કાર ડિટેઇન કરવાનું કહેતાં ભાજપનો ખેસ પહેરી 10 જેટલા લોકો આવી રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને ટ્રાફિક એસીપી જયવીર ગઢવી સાહેબ સાથે બોલાચાલી કરી ડિટેઇન ન કરવા અને હાજર દંડ મેળવી લેવા ભલામણ કરતા હતા. દરમિયામ ઉગ્ર બોલાચાલી અધિકારીઓ સાથે થતી હતી.
પરંતુ ડીસીપીએ સ્પષ્ટ સૂચના આપી સ્ટાફને તમામ ત્રણેય કાર ડિટેઇન કરવા સૂચના આપી હતી, જે પૈકી એક કારમાં ભાજપ ઉપાધ્યક્ષ વોર્ડ રાજકોટ શહેર યુવા મોરચા તેમજ હાયરાઇડર કારમાં પ્રમુખ બક્ષીપંચ મોરચા રાજકોટ શહેર
રાજકોટ ટ્રાફિક એસીપી જયવીર ગઢવીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં આજે ડીસીપી ટ્રાફિક સાહેબની સૂચનાથી ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી અને આ દરમિયાન કિશાનપરા ચોક ખાતે 3 કાળા કાચવાળી નંબરપ્લેટ વગરની કાર આવી હતી, જેમને ડિટેઇન કરવામાં આવી છે. કાર કોની છે એનાથી કોઈ મતલબ નથી. કાયદા મુજબ ડિટેઇન કરવામાં આવી છે. જે મિત્રો હતા તે હાજર દંડ લેવા માટે ડીસીપી સાહેબ સાથે ચર્ચા કરતા હતા, પરંતુ ડીસીપી સાહેબની સૂચનાથી કાર ડિટેઇન કરવામાં આવી છે. ડીસીપી યાદવનું આકરું વલણ જોઈ ભાજપના બે આગેવાન કાર છોડીને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને ત્યાંથી ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલિત વાડોલિયા, મહામંત્રી બાબુ માટિયા સહિતના આગેવાનોને લઈને પહોંચ્યા હતા, ભાજપના આગેવાનોએ સ્થળ પર દંડ વસૂલી કાર છોડી દેવા કહ્યું હતું. પરંતુ ડીસીપી યાદવે કાયદો તમામ માટે એકસમાન છે એમ કહી બંનેની કાર ડિટેઇન થશે તેવું કહી દેતાં આગેવાનો વિલા મોઢે ત્યાંથી રવાના થઈ ગયા હતા.
ત્રણેય કાર ત્યાંથી શિતલપાર્ક ડેપો ખાતે મોકલવાની કાર્યવાહી કરી દેવામાં આવી હતી, અહીં RTOનો મેમો આપવામાં આવ્યો હતો અને આરસી બુક કબજે કરી કારો આપી દેવાઈ હતી. આરટીઓનો મેમો ભરેલી પહોંચ રજૂ કર્યા બાદ ત્રણેય કારની આરસી બુક પરત કરવામાં આવશે. એક કાર વોર્ડ નં.2ના યુવા ભાજપના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ મનુ કિહોર અને બીજી કાર વોર્ડ નં.12ના બક્ષીપંચ મોરચાનો પ્રમુખ મહેશ દેવદાન અવાડિયા ચલાવતો હતો. હર્ષવર્ધનસિંહ મનુ કિહોરે પોલીસે આપેલા મેમોમાં સહી પણ કરી નહોતી. ડીસીપી પૂજા યાદવે નિર્ભીકપણે કામગીરી કરી પ્રજા અને નેતા માટે કાયદો એક સરખો હોવાનું સાબિત કર્યું હતું.
