Rajkot News: રાજકોટમાં TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડની કરુણાતિકાની અસર રાજકોટના લોકમેળા પર પણ વર્તાઈ છે. આ ઘટના પછી પહેલી વખત જન્માષ્ટમીનો મેળો યોજાઈ રહ્યો છે. શહેરના રેસકોર્સના મેદાનમાં 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં યોજાતા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળામાં રોજના પાંચથી છ લાખ લોકો આવે છે. કેટલીક વખત તો આંકડો રોજના દસ લાખ લોકોને પણ વટાવી જાય છે. તેથી પાંચ દિવસ દરમિયાન કમસેકમ 25થી 30 લાખ લોકો મેળાને માણે છે. જો કે ઘણી વખત લોકોના ધસારાને ટાળવા માટે આ મેળાને બીજા બેએક દિવસનું એક્સ્ટેન્શન પણ આપવામાં આવે છે.
આ વખતે લોકમેળામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય એ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પ્લોટધારકો માટે વહીવટી તંત્રએ 44 નિયમ બનાવ્યા છે અને નિયમોનું પાલન કરવા સોગંદનામું કરવું ફરજિયાત છે.
પ્લોટધારકોએ શું-શું કરવાનું રહેશે?
લોકમેળા સમિતિ દ્વારા આપવામાં આવેલા ફોર્મમાં કુલ 1થી 44 શરત રાખવામાં આવી છે. આ તમામ શરતો-સૂચનાઓ મેં વાંચી છે. એનો ચુસ્તપણે અમલ કરવા હું બાંયધરી આપું છું તેમજ ભવિષ્યમાં આ બાબતે કોઈપણ બનાવ બનશે તો તેની બધી જ જવાબદારી અમારી રહેશે.
આ બાબતે હું આ સોગંદનામું કરી આપું છું તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તથા હવે પછી કોઈ એસઓપી જાહેર કરવામાં આવે તો એ મુજબની શરતોનું પાલન કરવાની આથી હું બાંયધરી આપું છું. આ સોગંદનામું રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ કરાવી ફોર્મ સાથે ફરજિયાત જમા કરાવવાનું રહેશે, અન્યથા આપની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
આ પણ વાંચો: સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024, રામ-શબરીના મિલન સ્થળ પર બનશે ‘શબરી ધામ’
આ પણ વાંચો: વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા
આ પણ વાંચો:અંબાજી પોલીસે 9.5 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
