Navasari News: નવસારી નગરપાલિકાએ 1971માં બનાવેલું જવાહરલાલ નેહરુ શોપિંગ સેન્ટર હવે ‘અંતિમ શ્વાસો’ ગણી રહ્યું છે. આજે શોપિંગ સેન્ટરની હાલત એટલી ખરાબ છે કે ઠેક-ઠેકાણે સ્લેબ, પિલર, બીમના સળિયાઓ દેખાઇ રહ્યાં છે છતાં પાલિકાના અધિકારીઓને આ શોપિંગ સેન્ટરની અત્યંત ભયજનક હાલત દેખાતી નથી. વેપારીઓનું કહેવું છે કે બે વર્ષ પહેલાં પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જોવા આવતું નથી. જીવના જોખમે વેપાર કરીએ છીએ. કાલે શું થશે એની ખબર નથી.
નવસારી નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ડો.ઠાકોરભાઇ રાણાએ 1971માં દૂધિયા તળાવ પૈકીની જગ્યામાં પાલિકાની આવક વધારવા જવાહરલાલ નેહર શોપિંગ સેન્ટરનું નિર્માણ કરાવ્યું હતું. 356 જેટલી દુકાનો અને ઓફિસોનો સમાવેશ કરતા આ શોપિંગ સેન્ટરને 53 વર્ષે થવા આવ્યાં, અડધી સદીના આ સમયગાળા દરમિયાન અનેક પ્રકારનાં ગેરકાયદે બાંધકામો શાસકોની મૂકસંમતિ અને ભષ્ટ્રાચારને કારણે થયાં છે. એટલું જ નહીં, શોપિંગ સેન્ટરની અંદર આવેલી ખુલ્લી જગ્યાઓ પર દુકાનો પણ બનાવી દેવાઇ છે. શોપિંગ સેન્ટરમાં થયેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને 50 વર્ષ દરમિયાન આવેલા શાસકોની બેદરકારીને કારણે આ શોપિંગ સેન્ટર શહેરની સૌથી ભયજનક ઇમારત બની ગઈ છે.
જૂની કલેકટર કચેરીના બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ આવતાં આ બિલ્ડિંગમાં કાર્યરત તમામ સરકારી ઓફિસોને 1 જુલાઇ સુધીમાં ખસેડી લેવાની નોટિસ આપવામાં આવી હતી. 34 વર્ષ જૂની આ સરકારી ઇમારત જો ભયજનક બની રહેતી હોય તો પાલિકા શોપિંગ સેન્ટરને 53 વર્ષે થયાં એની હાલત કેવી થઇ હશે? દૂધિયા તળાવ પૈકીની જગ્યામાં બનેલા શોપિંગ સેન્ટરમાં અડધી સદી દરમિયાન વારંવાર પાણી ભરાવાની ઘટના બની છે.
દૂધિયા તળાવ નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં અવરનવર સ્લેબ પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી જ રહે છે. બુધવારના રોજ શોપિંગ સેન્ટરમાં આવેલી એક ઓફિસમાં છત પરનો સ્લેબ પડ્યો હતો. પેઢીના સંચાલક બુધવારે બપોરે જમવા ગયા હતા એ દરમિયાન બપોરે 4 વાગ્યાના સુમારે સ્લેબ પરથી મોટો ટુકડો નીચે પડ્યો હતો. સદનસીબે ઓફિસમાં કોઇ ન હોવાને કારણે કોઇ દુર્ઘટના બની ન હતી, પરંતુ તેમનાં સાધનોને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા
