Ahmedabad News: કોલકાતામાં થયેલા બળાત્કારના કેસના પડઘા છેક ગુજરાતમાં પડ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રતિનિધિઓની ઓનલાઇન બેઠકમાં 24 કલાકની હડતાળનો નિર્ણય લેવાયો છે. તેના લીધે દેશભરના ડોક્ટરો શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે છ વાગ્યા સુધી હડતાળ કરશે.
ડોક્ટરોની હડતાળના પગલે ઇમરજન્સી સેવાઓ અને કેઝ્યુલિટી સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે. આ સાથે જ દર્દીઓને હાલાકી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ હડતાળ મામલે ગુજરાતના પ્રતિનિધિઓની પણ આજે રાત્રે 10 વાગ્યે ઓનલાઇન બેઠક મળી હતી.
હજી કોલકાતાના રેપનો મામલો ગરમ છે ત્યાં જ જૂનાગઢમાં સિવિલમાં ડોક્ટરને માર મારવાની ઘટના બની છે. આ બનાવમાં આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે. મૃતકના કુટુંબીજનોએ ડોક્ટરને માર માર્યો હતો. આ હુમલામાં ડોક્ટર સહિત નર્સિંગ સ્ટાફના બે લોકો ઇજા પામ્યા હતા. આરોપીઓને પકડવા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી છે. આને લઈને ખાનગી ડોક્ટરો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. ડોક્ટરની હડતાળના સમર્થનમાં ખાનગી ડોક્ટરો પણ જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે કોલકતાની આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોકટર પર ગેંગરેપનો બનાવ બન્યો હતો, જેના પગલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. આર.જી. મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે રાતે હજારો લોકોનું ટોળુ આવ્યું હતું. ટોળાએ હોસ્પિટલમાં ઘૂસીને તોડફોડ કરીને વિરોધ કરી રહેલા ડોકટરોને મારમાર્યો હતો. ડોકટરો પર થયેલા હુમલા અને ટ્રેની ડોકટર પર દુષ્કર્મ અને હત્યા મામલે આજે વિરોધ કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટર અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને PG હોસ્ટેલની કેન્ટીન પાસેથી એકઠા થઈને ચાલતા જઈને રેલી યોજી હતી. બીજે મેડિકલ કોલેજ સુધી રેલી યોજવામાં આવી હતી. ડોકટરોએ સૂત્રોચાર સાથે ન્યાયની માગ કરી હતી. ડોકટરો પર થયેલા હુમલા મામલે પણ સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. બેનર સાથે મહિલા ડોકટર પણ મળતી સંખ્યામાં રેલીમાં જોડાઈ હતી.
કોલકતાની બનાવના પગલે આવતીકાલે સવારે ફરીથી જુનિયર ડોકટર બીજે મેડિકલ કોલેજમાં એકઠા થશે અને ધરણાં કરશે. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આવતીકાલથી અનિશ્ચિત સમય સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે તેવી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઈમરજન્સીમાં આવતા દર્દીઓ માટેની ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદના DE0ની શાંતિ એશિયાટિક સામે આકરાં પગલાંની ભલામણ
આ પણ વાંચો: આગામી 12 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની આગાહી
આ પણ વાંચો: દારૂની હોમ ડિલિવરી કરતો હતો સગીર, તસ્કરો આપતા હતા પગાર અને કમિશન
