Amreli News: અમરેલી જિલ્લામાં ભાજપ(BJP) ના નેતા પર જીવલેણ હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે. તેના પગલે કાયદો અને વ્યવસ્થા પર પણ અનેક સવાલ સર્જાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હવે જો રાજકીય આગેવાનો પર જ આ પ્રકારના હુમલા થતાં હોય તો પછી સામાન્ય લોકોની તો શું સ્થિતિ થાય તેવા સવાલ લોકો ચોરેને ચૌટે પૂછી રહ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ભાજપના નેતા પર જીવલેણ હુમલો થયો છે. ખડસલી ગામમાં સરકારી જગ્યામાં પાણીનો સંપ બનાવવા મુદ્દે ભાજપના નેતા ચેતન માલાણી (Chetan Malani) પર હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
જીવલેણ હુમલો થતા ચેતન માલાણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ તાત્કાલિક તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આના પગલે પૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિતના રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ દોડી ગયા છે.
ભાજપ નેતા ચેતન મલાણી પર હુમલો કોણે કર્યો છે ક્યા કારણે કરવામાં આવ્યો છે તે પોલીસ તપાસ બાદ સામે આવે છે. હાલ ભાજપ નેતા સારવાર હેઠળ છે. ચેતન માલાણી સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને સાવરકુંડલા માર્કેટયાર્ડના ડિરેક્ટર છે. તેમને નારણ કાછડીયાના નજીકના નેતા પણ માનવામાં આવે છે.
હાલમાં તો ચેતન માલાણીની સારવાર ચાલી રહી છે અને તેમના પર હુમલાના સમાચાર મળતાં જ ભાજપના કાર્યકરો મોટાપાયા પર હોસ્પિટલ પર એકત્રિત થવા લાગ્યા છે. તેની સાથે પોલીસ પણ મામલો વધુ ન બીચકે તે માટે ઘટના સ્થળે અને હોસ્પિટલ પર પહોંચી ગઈ છે. તેની સાથે આ ઘટનામાં રાજકીય બાબત છે કે અંગત અદાવત છે તે બંને બાબત પર પોલીસે હાલમાં તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ઓઢવ પોલીસે જાણીતા લોકગાયક અને ભાજપના આગેવાન વિજય સુવાળાની કરી ધરપકડ
આ પણ વાંચો: સંસદમાં હિંદુઓ અંગેના નિવેદનને લઈ રાહુલ સામે કેસ, પાંચ કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ
