Ahmedabad News : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવી પોલીસ કમિશનર કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 7 માળની હાઈટેક પોલીસ કમિશનર કચેરી 3 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે. આ પોલીસ કમિશનર ઓફિસમાં શહેરના મોનિટરિંગ માટે 180ની સિટિંગ કેપેસિટી સાથે ખાસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ બનાવાયો છે. જેમાંથી શહેરમાં લગાવવામાં આવેલા 700 કેમેરાનું મોનિટરિંગ કરાશે. આમ ગુજરાત પોલીસ હવે આધુનિક ટેક્નોલોજી સાથે આગળ વધી રહી છે. જે સમગ્ર રાજ્યના પોલીસ વિભાગ માટે એક મોડલરૂપ સાબિત થવાની છે.હાઈફાઈ સુવિધા સાથે સજ્જ આ બિલ્ડિંગમાં સાતમા માળે પોલીસ કમિશનર બેસશે. બિલ્ડિંગમાં બે માળના બેઝમેન્ટ પાર્કિંગમાં 3 હજાર કાર સહિતનાં વાહનો પાર્ક કરી શકાશે. બિલ્ડિંગમાં કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન પણ છે. અલગ-અલગ માળ પર વિવિધ સુવિધા સાથે સજ્જ છે. મુલાકાતીઓને એરપોર્ટની માફક અહીં સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે.
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા પરેડ ગ્રાઉન્ડમાં નવી પોલીસ કમિશનર કચેરી બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગની ખાસ વાત કરવામાં આવે તો બિલ્ડિંગમાં એન્ટ્રેન્સમાં સિક્યોરિટી ચેકિંગ રાખવામાં આવી છે, જેમાં મેટલ ડિટેક્ટરથી લઈને તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. જે રીતે એરપોર્ટ પર સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળે છે, તે રીતે જ અહીંયાં બે ગેટ પર એન્ટ્રીની વ્યવસ્થા છે. આ સમગ્ર પોલીસ કમિશનર કચેરીમાં કુલ 5 કોન્ફરન્સ રૂમ હશે.
નવી પોલીસ કમિશનર કચેરીમાં પાંચ કોન્ફરન્સ રૂમ તેમજ 5 ઓડિટોરિયમ, જેસીપી હેડક્વાર્ટરની કચેરી, એડીસીપી, ટ્રાફિક જેસીપી, સેક્ટર 1 અને સેક્ટર 2ની કચેરીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે અલાયદો રાખવામાં આવ્યો છે. આ પોલીસ કમિશનર કચેરીમાં અમદાવાદનો સૌથી મોટો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ તેમજ સુરક્ષા સેતુ અને ઇ-ગુજકોપ માટેની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સિનિયર અધિકારીઓને જણાવવા પ્રમાણે, આ બિલ્ડિંગમાં દરેક માળ ઉપર પોલીસ કમિશનર કચેરીમાં બે પ્રકારની વ્યવસ્થા છે. તેમાં લોકોને મદદરૂપ થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ કે, સામાન્ય રીતે લોકોને સ્પેશિયલ બ્રાન્ચની જરૂર પડતી હોય છે, જેમાં ખાસ કરીને મંજૂરી અને અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. તે માટે પ્રથમ માળ પર આખી વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારબાદ પ્રથમ માળ પર ડીસીપી કન્ટ્રોલની કચેરી એડમિનિસ્ટ્રેશન અને સ્પેશિયલ બ્રાન્ચની કચેરી પણ પ્રથમ માળ પર રાખવામાં આવી છે.અહીંયાં બનાવવામાં આવેલો કમાન્ડ એન્ડ કન્ટ્રોલરૂમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં શહેરના અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા 700 જેટલા કેમેરાનું મોનિટરિંગ થશે. તેની સાથે મહિલાઓને એમની મદદ માટેના શરૂ કરાવેલા પ્રોજેક્ટની તમામ દેખરેખ પણ અહીંયાં રાખવામાં આવશે. એક જ જગ્યાએથી મોનિટરિંગ કરીને જે તે ઝોનના ડીસીપી તેમજ સ્થાનિક અધિકારીઓ જાણ કરવામાં આવશે. આ બધાની વચ્ચે આર્કિટેક્ચરની દૃષ્ટિએ વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશનરના પ્રાંગણમાં લેન્ડસ્કેપ ગાર્ડનની બાજુમાં જ શહીદો માટેની યાદગીરીના જગ્યા રાખવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસમાં અત્યાર સુધી ફરજ દરમિયાન સહીદ થયેલા લોકોની યાદી છે. જેમાં કયા વર્ષમાં કોણ શહીદ થયું તેના નામની પણ યાદી રાખવામાં આવી છે. શહીદ સ્મારકની યાદ આવે અને પોલીસ માટેની એક ભાવના સતત ઊભી રહે તે માટેની ખાસ વ્યવસ્થા છે. અહીંયાં પાર્કિંગ અને સુરક્ષાની સાથે ફાયર સેફ્ટી તેમજ અલગ તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે.આ બિલ્ડિંગમાં 3000 કારનું બેઝમેન્ટ પાર્કિંગ છે. જેમાં લેન્ડસ્કેપ ગાર્ડન, સિક્યોરિટી સિસ્ટમ, વધારાનો કંટ્રોલ રૂમ, સીસીટીવીની સુવિધા છે. અહીં મુકાનારા સીસીટીવી કેમેરા ઉત્તમ દરજ્જાના છે અને તેનાથી આખું બિલ્ડિંગ કવર થશે. આ બિલ્ડિંગને ગ્રીન ગોલ્ડન રેટિંગ આપવામાં આવશે, જેમાં ટેરેસ ગાર્ડન પણ સામેલ છે. આ હાઇરાઇસ બિલ્ડિંગમાં ઓર્ગેઇન ગેસ ગ્લાસ રાખવામાં આવશે. આખા બિલ્ડિંગમાં નેચરલ સ્ટોન નાખવામાં આવશે, તેમજ પાવર બેકઅપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બિલ્ડિંગના ટોપ પર સોલર પેનલ નાખવામાં આવી છે.
બિલ્ડિંગમાં બે કાફેટેરિયા મૂકવામાં આવ્યા છે, જેમાં એક પબ્લિક માટે, જ્યારે એક સ્ટાફ માટે. એમા ખાસ કરીને એક શહીદ સ્મારક, એક પોલીસ મ્યુઝિયમ અને પોલીસ કમિશનર કચેરીમાં જવા માટે ત્રણ એન્ટ્રેન્સ પણ હશે. આ સમગ્ર બિલ્ડિંગને સર્વિસ સિક્યોરિટી અને પીસની થીમ પર બનાવવામાં આવી છે.
આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી
આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી
આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ
