Rajkot news : સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ એવી 71 વર્ષ પહેલા તા. 5-10-1953ના માત્ર રૂ।. 5,000 કરતા ઓછી રકમ અને 59 સભ્યોથી શરૂ થયેલી અને સંઘ,જનસંઘ અને ભાજપના સ્વ.કેશુભાઈ પટેલ, સ્વ.અરવિંદ મણિયાર, વજુભાઈ વાળા સહિતના નેતાઓ તેના વડા રહી ચૂક્યા છે તે રાજકોટ નાગરિક સહકારી બેન્ક આજે વર્ષે રૂ।.10 હજાર કરોડનો બીઝનેસ અને ૩ લાખથી વધુ શેર હોલ્ડર્સ ધરાવે છે. આ બેન્ક પર સત્તા ટકાવવા,મેળવવાનો ભાજપ-સંઘ સાથે જોડાયેલા નેતાઓ વચ્ચે જ જંગ શરૂ થયો છે. નિયમને ચાતરીને આજે કલ્પક મણિયારે સંસ્કાર પેનલના નામે ઉમેદવારી નોંધાવતા ચકચાર જાગી છે.
આમ, તો નાગરિક બેન્કના ડિરેક્ટરોની પસંદગી અઢી દાયકાથી ઘરમેળે થતી રહી છે, આ વર્ષે પણ ભાજપ અને સંઘના નેતાઓએ સમાધાન માટે પ્રયાસો કર્યા પણ બન્ને જૂથો મક્કમ છે અને 1996-97 પછી 27 વર્ષ બાદ ચૂંટણી યોજાવા જઈ રહી છે.ભાજપના માર્ગદર્શનમાં ‘સહકાર પેનલ ‘ના નામથી 21 ઉમેદવારોએ નામાંકન ભરાયા છે તેમાં રાજકોટ આરએસએસના જિલ્લા કાર્યવાહ દિનેશ પાઠકથી માંડીને અમદાવાદ ઓડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ છે. તેમની સામે બેન્કમાં પચીસ વર્ષ કરતા વધુ સમયથી ડિરેક્ટર, બે ટર્મ ચેરમેન પદે રહેલા અને સંઘ સાથે પેઢી દર પેઢીથી જોડાયેલા મણિયાર પરિવારના કલ્પક મણિયાર અને તેમની સાથે અન્ય 13 સહિત 14 આગેવાનોએ સંસ્કાર પેનલના નામથી આજે ઉમેદવારી નોંધાવી છે.
બેન્કના વર્તમાન ચેરમેન સહિતના સિનિયર હોદ્દેદારોએ જણાવ્યું કે બેન્કમાં સતત 8 વર્ષ સુધી ડિરેક્ટર પદે રહ્યા હોય તેઓ ચૂંટણી લડી શકતા નથી અને તે કારણે વર્તમાન ડિરેક્ટરોમાં આવા કોઈ હોદ્દેદારે ચૂંટણીમાં ઝુકાવ્યું નથી. ખુદ કલ્પક મણિયારે એક વિડીયોમાં કહ્યું હતું કે નાગરિક બેન્કમાં કોઈ અનુભવી આગેવાનો ચૂંટણી લડી શકવાના નથી. આમ છતાં ખુદ તેણે જ ઉમેદવારી નોંધાવી છે જે સામે વિરોધ નોંધાવવા તૈયારીઓ થઈ રહી છે. જો કે આ અંગે કલેક્ટર દ્વારા નિર્ણય લેવાશે. અત્યારે તો બન્ને જુથો એક બીજા પર સીધા કે આડકતરા ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો અને તેનું ખંડન કરીને દાવો તો એવો કરે છે કે શુધ્ધ વહીવટ માટે તેઓ ચૂંટણી લડી રહ્યા છે પરંતુ, વાસ્તવિકતા એ પણ જણાય છે કે આ બેન્કના વિશાળ આર્થિક નેટવર્ક ઉપરનો અંકુશ કોઈ જવા દેવા માંગતું નથી અને મેળવવા તલપાપડ છે.
આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ
આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી
