ગુજરાતનો સુતરાઉ, ઊની અને રેશમી વસ્ત્રવણાટ ઉદ્યોગો હજારો વર્ષ જૂના છે. ગુજરાતમાં પ્રાચીન પરંપરાને લીધે ઘણાં વસ્ત્રોના નામો આજે પણ યથાવત જોવા મળે છે. ત્યારે આજે 21 ડિસેમ્બરના વિશ્વ સાડી દિવસ નિમિત્તે વાત ગુજરાતના પટોળા અને બાંધણી વિશે જાણીએ.
ગુજરાતની નારીઓનું પ્રિય ઓઢણું વિશ્વ વિખ્યાત એવું પટોળું છે. પટોળાં માટે એક કહેવત છે કે, “પડી પટોળે ફાટે પણ ફીટે નહીં”. ઐતિહાસિક નગર પાટણની ઓળખ પટોળું છે. પટોળું કલાત્મક કૌશલ્ય અને ધૈર્યનું પ્રતિક છે. પટોળા વણાંટની કળાનો સમૃદ્ધ ઈતિહાસ છે, જે સોલંકી વંશના સમયથી 900 વર્ષ પહેલાંનો હોવાનું માનવામાં આવે છે.તેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાણાંવાણાંને વણતા પહેલાં અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે. એક પટોળું બનાવતા ચાર માણસો સાથે કામ કરે તો ચાર થી છ મહિના જેટલો સમય લાગી જાય છે. જોકે આ પટોળાંમાં જે ડીઝાઇન બનાવવામાં આવે છે તે રેસમનાં તારથી બનાવવામાં આવે છે. આ પટોળું બંને બાજુએ પહેરી શકાય છે. પટોળાં ગુજરાત અને ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણું લોકપ્રિય છે. પટોળું ગુજરાતની સદીઓ જૂની વણાટ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.
ગુજરાતની બાંધણી સમગ્ર દેશનું ગૌરવ છે. કચ્છ અને જામનગરની પ્રખ્યાત બાંધણીની દેશ વિદેશમાં ખૂબ ચાહના છે. વિવિધ જુદી-જુદી કલાત્મક ડિઝાઇન બાંધણીઓ જોવા મળે છે. બાંધણી પર મનમોહક રંગો આંખે ઊડીને વળગે તેવા હોય છે. બાંધણીએ સદીઓથી વિશ્વભરના લોકોને મોહિત કર્યા છે. કચ્છના વાઇબ્રન્ટ પ્રદેશ અને ઐતિહાસિક શહેર જામનગરમાંથી ઉદ્દભવેલી ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત હસ્તકલા તરીકે વિકસિત થઈ છે. બાંધણીઓમાં જુદી-જુદી કલાત્મક ડિઝાઇન ટપકાની, ફૂલની, ફળની, ભૌમિતિક, પાંદડાની ભાત, કે હાથી ઘોડા જેવા પ્રાણીની ભાત પણ જોવા મળે છે. આ ઉપરાંત રેશમી સોનેરી અને ઝરીવાળી પટ્ટીઓની કિનારી બનાવી બાંધણી અને સુંદરતામાં ભવ્યતા લાવવામાં આવે છે. મલમલ (ફાઇન મલમલ), હેન્ડલૂમ અથવા રેશમી કાપડ પરંપરાગત પસંદગીઓ હતી, પરંતુ હવે શિફોન, જ્યોર્જેટ અને ક્રેપનો પણ બાંધણી માટેના બેઝ ફેબ્રિક્સ તરીકે ઉપયોગ થાય છે. બાંધણીમાં વપરાતા રંગો આકર્ષક હોય છે. બાંધણીના વાઇબ્રન્ટ રંગો અને ડિઝાઇનની માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધુ માંગ રહે છે.
પટોળા અને બાંધણી ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. આ હસ્તકલાઓ પાછળના કારીગરો એક પ્રાચીન પરંપરાના રક્ષક છે. આજે વિશ્વ સાડી દિવસ નિમિત્તે આ કારીગરોનું સન્માન કરવું જરૂરી છે. પટોળા અને બાંધણી જેવી હસ્તકલાઓ ગુજરાતની કારીગરીનું સાચું પ્રતિબિંબ છે. આ કલા, સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખીને વિશ્વભરના લોકોને સતત પ્રેરણા આપે છે.
આ પણ વાંચો: આ નવરાત્રિમાં સાડીના આ આઈડિયા ચોક્કસ અજમાવો, દરેકની નજર તમારા પર રહેશે
આ પણ વાંચો: કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ, પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ
આ પણ વાંચો: રાજકોટમાં બનતા ‘ઇકત પટોળા’ને મળ્યો ‘GI’ ટેગ
