સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સુરત (Surat) શહેરમાં ચેઇન-સ્નેચિંગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ઉધના અને અડાજણ વિસ્તારમાં ગૃહિણીઓને નિશાન બનાવી સોનાની ચેઇન તોડી ફરાર થનારા શાતિર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ઉધના પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ બાદ શાહિલ ઉર્ફે શાહુ શેખની ધરપકડ કરી છે અને તેની પાસેથી બે લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Surat: પોણા કલાકમાં બે સ્થળે ચેઇન-સ્નેચિંગની ઘટના
31 જાન્યુઆરીના રોજ બપોરે અડાજણ વિસ્તારમાં પ્રથમ ઘટના બની હતી. શંખેશ્વર હાઈટ્સમાં રહેતા જ્યોત્સ્નાબેન પટેલ નિશાલ આર્કેડ નજીક ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે એક મોપેડસવાર શખસે તેમના ગળામાંથી આશરે 14 હજાર રૂપિયાનો અછોડો ઝૂંટવી લીધો હતો.
તે જ દિવસે થોડા સમય બાદ આરોપી ઉધના પહોંચી ગયો હતો. ઉધના ગામ વિસ્તારમાં સોનમબેન દવે પોતાના પુત્ર સાથે મોપેડ પર જતા હતા ત્યારે તેરાપંથ ભવન પાસે આરોપીએ તેમના ગળામાંથી આશરે એક લાખ રૂપિયાની સોનાની ચેઇન આંચકી ફરાર થઈ ગયો હતો.
Surat: 200થી વધુ CCTV ફૂટેજની તપાસ
બન્ને ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. ઉધના થી લિંબાયત સુધીના 200થી વધુ કેમેરાની તપાસમાં જાણવા મળ્યું કે બંને ગુનામાં એક જ મોપેડનો ઉપયોગ થયો હતો. આરોપીની છેલ્લી લોકેશન લિંબાયત વિસ્તારમાં મળી આવી હતી.
Surat:આરોપીની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત
ચોક્કસ બાતમીના આધારે પોલીસે શાહિલ ઉર્ફે શાહુ શેખને ઝડપી લીધો. તેની પાસેથી ચોરી કરેલી સોનાની ચેઇન, ગુનામાં વપરાયેલું વાહન સહિત બે લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે હવે તપાસ શરૂ કરી છે કે આરોપી અન્ય વિસ્તારોમાં પણ આવી ઘટનાઓમાં સંડોવાયેલો છે કે નહીં.
આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામથી પકડાઈ મહારાષ્ટ્રની કુખ્યાત ‘પારધી ગેંગ’: સગીર દીકરીઓ દ્વારા 15 લાખની ચોરી
આ પણ વાંચો:સુરતના અડાજણમાં બંધ ઘરમાં ચોરી કરતી નેપાળી ગેંગની ધરપકડ
આ પણ વાંચો:સુરતમાં ડાયમંડ કંપનીમાં કટરથી તિજોરી કાપી 25 કરોડથી વધુ કિંમતના હીરાની ચોરી
