Surat News/ સુરતમાં ઇન્સ્ટાગ્રામથી પકડાઈ મહારાષ્ટ્રની કુખ્યાત ‘પારધી ગેંગ’: સગીર દીકરીઓ દ્વારા 15 લાખની ચોરી

કુખ્યાત પારધી ગેંગ (pardhi gang) નો પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સુરત રેલવે પોલીસ (GRP)એ સફળ પર્દાફાશ કર્યો છે

Gujarat Surat
Pardhi Gang

Surat News : સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખો રૂપિયાનાં દાગીનાની ચોરી કરતી મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગ (pardhi gang) નો પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સુરત રેલવે પોલીસ (GRP)એ સફળ પર્દાફાશ કર્યો છે. આ ગેંગની ખાસ મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ પોતાની જ સગીર દીકરીઓનો ઉપયોગ કરીને ચોરી કરાવતા હતા, જેથી કોઈને શંકા ન જાય. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને એક શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે આરોપીઓને દબોચી લઈ 15.30 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે.

પારધી ગેંગ (pardhi gang)દ્વારા લિફ્ટમાં ભીડનો લાભ લઈ દાગીનાની ચોરી

ગત 16 નવેમ્બર, 2025ના રોજ રાજસ્થાનના સમદડીથી ગંગાનગર–દાદર એક્સપ્રેસમાં મુસાફરી કરીને વૃદ્ધ દંપતી નેમીચંદ જૈન અને ઉમરાવદેવી સુરત પહોંચ્યા હતા. પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેનમાંથી ઉતરી લિફ્ટમાં ચડતાં સમયે ભીડનો લાભ લઈ બે સગીર બાળકીઓએ ઉમરાવદેવીના પર્સમાંથી સોનાના દાગીનાં ભરેલું નાનું પર્સ ચોરી લીધું હતું. આ પર્સમાં મંગળસૂત્ર, ચેઇન, બંગડીઓ અને વીંટી સહિત કુલ 15,60,700 રૂપિયાનાં દાગીનાં હતા.

CCTV અને ઇન્સ્ટાગ્રામ ID પરથી આરોપીઓ સુધી પહોંચી

CCTV અને ઇન્સ્ટાગ્રામ ID પરથી આરોપીઓ સુધી પહોંચી

ચોરીની ફરિયાદ મળતાં જ રેલવે LCB અને સુરત GRPએ તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં બે બાળકીઓ ચોરી કરતી અને ત્યારબાદ એક પુરુષ તથા એક સ્ત્રી સાથે સ્ટેશનની બહાર જતી દેખાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પરિવાર પાંડેસરા વિસ્તારમાં ઝૂંપડામાં રહેતો હતો, પરંતુ ગુનાના દિવસે જ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.

પોલીસને તપાસ દરમિયાન એક શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ આઈડી મળી આવ્યું. ટેકનિકલ સેલના ASI દ્વારા આ આઈડીના IP એડ્રેસ ટ્રેક કરતા આરોપીનો નવો મોબાઈલ નંબર મળી આવ્યો. આ ટેકનિકલ માહિતીના આધારે પોલીસને ખબર પડી કે પારધી ગેંગ (pardhi gang) હાલ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં છુપાઈ છે.

સુરત રેલવે સ્ટેશન પરથી કરી ધરપકડ

ટેકનિકલ સર્વેલન્સ હેઠળ રહેલા પારધી ગેંગ (pardhi gang) નાં આરોપીઓ ફરી સુરત પહોંચતાં જ એલસીબીની ટીમે વોચ ગોઠવી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના પાર્કિંગ વિસ્તારમાંથી એક દંપતી અને ચાર બાળકીઓને ઝડપી લીધા હતા. ધરપકડ કરાયેલા પારધી ગેંગ (pardhi gang) નાં આરોપીઓમાં ટીના ઉર્ફે અંજુ સુમિત શિંદે (ઉંમર 30 વર્ષ) અને તેના પતિ સુમિત શત્રુઘ્ન કાલે (ઉંમર 30 વર્ષ), બંને રહેવાસી અમરાવતી, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

રમકડાં અને ફુગ્ગા વેચવાનો ઢોંગ કરી ચોરી

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ ભીડભાડવાળા સ્થળોએ ફુગ્ગા કે રમકડાં વેચવાનો ઢોંગ કરતા હતા. સાથે જ પોતાની 9 અને 7.5 વર્ષની દીકરીઓ પાસે ભીખ મંગાવતાં અને મોકો મળતાં જ મુસાફરોના પર્સ અથવા દાગીનાં ચોરી લેતા હતા. આરોપીઓ માનતા હતા કે નાની બાળકીઓ પર કોઈ શંકા નહીં કરે અને પકડાય તો પણ પોલીસ તેમને છોડીને દેશે.

સુરત અને ભોપાલમાં અન્ય ચોરીની કબૂલાત

આરોપીઓએ સુરત રેલવે સ્ટેશન પર અગાઉ કરેલી અન્ય બે ચોરીઓ તેમજ ભોપાલ રેલવે સ્ટેશન પર એક ચોરી કર્યાની પણ કબૂલાત કરી છે. સુરતમાં તેમણે લિફ્ટમાં 50 હજાર રૂપિયાની રોકડ ચોરી, સોનાની બુટ્ટી અને પેન્ડલની ચોરી કરી હતી, જ્યારે ભોપાલમાં રોકડ ભરેલો પર્સ ચોર્યો હતો.

દાગીનાં ઓગાળી સોનાની લગડી બનાવી

પારધી ગેંગ (pardhi gang) દ્વારા ચોરાયેલા દાગીનાં અમરાવતીના વેપારી પવન મહેશજી ભિંડાને વેચી દીધા હતા. પોલીસે અમરાવતી જઈ વેપારીની ધરપકડ કરી હતી. વેપારીએ દાગીનાં ઓગાળી નાખ્યા હતા, જેમાંથી તૈયાર કરેલી 109.800 ગ્રામ વજનની સોનાની લગડી (કિંમત અંદાજે 15.30 લાખ રૂપિયા) પોલીસે કબજે કરી છે.

6 દિવસના રિમાન્ડ મંજૂર

હાલ કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ પારધી ગેંગે (pardhi gang) અન્ય કેટલા શહેરો અને રાજ્યોમાં આ રીતે સગીર બાળકોનો ઉપયોગ કરીને ચોરીના ગુનાઓ આચર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રિક્ષામાં બેસતા રાખજો થોડુ ધ્યાન, પેસેન્જરને બેસાડી રોકડ અને દાગીનાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો: જો તમારા પાસે ઈકો કાર છે, તો સાચવજો, શહેર બાદ ગ્રામ્યમાં સાઈલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો: ભાવનગરમાં સૌર પ્લાન્ટ કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત