Gujarat News : ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિલોમીટર છે અને આખા દેશમાં એ સૌથી વધારે લાંબો છે એ વાત આપણે જાણીએ છીએ. હવે જોકે એ વાત જૂની થઈ. સર્વે ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ, ગુજરાતનો સમુદ્રકિનારો 2340.62 કિલોમીટર લાંબો છે. 1970માં જાહેર થયા મુજબ તો ગુજરાતનો સમુદ્રકાંઠો 1200 કિલોમીટર જેટલો હતો, જેમાં લગભગ ડબલ કહી શકાય એવો વધારો થયો છે. જ્યારે થોડાં વર્ષો પહેલાં ગુજરાત સરકારે 1600 કિલોમીટરનો આંકડો જાહેર કર્યો હતો. એમાં હવે 700 કિલોમીટર જેવો વધારો થયો છે.
દેશનો નકશો, સમુદ્રકાંઠાની લંબાઈ, ટાપુની સંખ્યા વગેરે ભૌગોલિક બાબતોની માપણી કરવાનું કામ સર્વે ઓફ ઈન્ડિયા કરે છે. 1767માં સ્થપાયેલી આ સંસ્થાએ 2022-23 દરમિયાન નવી ટેક્નોલોજી સાથે દેશના સમુદ્રકાંઠાની લંબાઈ માપી હતી. અગાઉના આંકડા મુજબ સમગ્ર ભારતનો દરિયાકાંઠો 7516 કિલોમીટર લાંબો હતો, જ્યારે હવે 11,098 કિલોમીટર છે. અડધી સદીમાં દરિયાકાંઠો 47 ટકા વધ્યો છે.
1970માં ભારતે આંકડો જાહેર કર્યો ત્યારે એ વખતની ટેક્નોલોજી વપરાઈ હતી. હવે જિયો સ્પેશિયલ ટૂલ્સ, સેટેલાઈટ ઇમેજીસ અને અન્ય સાધનોને કારણે દરિયાકાંઠો વધારે ચોક્સાઈપૂર્વક માપી શકાયો છે. અગાઉ નદીમુખ, નદી સમુદ્રને મળતી હોય એ ખાડીનો વિસ્તાર અંદરથી મપાતો ન હતો. આ વખતે મપાયો છે, એટલે બંગાળનો દરિયાકાંઠો 157 કિલોમીટર હતો એમાંથી સીધો સાડાત્રણ ગણો વધીને 721 કિલોમીટરે પહોંચ્યો છે! નવા આંકડામાં સમગ્ર દેશનો દરિયાકાંઠો તો વધ્યો છે, પણ પુડુચેરી એવું સ્થળ છે, જ્યાં ઘટાડોય નોંધાયો છે
એનો સમુદ્રકાંઠો જમીનના ખવાણને કારણે 4.9 ટકા (10.4 ટકા) ઘટ્યો છે.100 કિલોમીટર લાંબી ફૂટપટ્ટી છે, એમ ધારી લો. 100 કિલોમીટરના ટુકડા પાડીને ગ્રેટ બ્રિટનનો દરિયાકાંઠો મપાયો તો જવાબ આવ્યો 2800 કિલોમીટર, પરંતુ 50 કિલોમીટર લાંબી ફૂટપટ્ટી વડે માપતાં એ જ દરિયાકાંઠો 3400 કિલોમીટરનો જણાયો. એક કિલોમીટર લાંબી ફૂટપટ્ટી વડે આંકડો 8000 કિલોમીટર આવ્યો. જેમ ફૂટપટ્ટી નાની એમ નાના-નાના ખાંચા, કાંઠાના વળાંકો વગેરે માપી શકાય, પરંતુ ફૂટપટ્ટી જેમ નાની હોય એમ માપણીનું કામ મુશ્કેલ થતું જાય. આ સ્થિતિ કોસ્ટલાઈન પેરાડોક્સ નામે ઓળખાય છે.
ગુજરાતના કાંઠે કુલ મળીને 144 ટાપુ છે. એ ટાપુના વળી બે મુખ્ય અને એના બે એમ ચાર પ્રકાર છે. ઓફશોર અને ઇનશોર, એટલે કે કાંઠાથી નજીકના અને દૂરના ટાપુઓ. એમાં વળી આઈલેન્ડ એટલે ટાપુ અને આઈલિટ એટલે નાના ટાપુ. એ બધા મળીને ગુજરાત પાસે 144 ટાપુ છે. સૌથી વધુ 836 ટાપુ આંદામાન અને નિકોબાર પાસે છે.
આ પણ વાંચો: ગીર સોમનાથ : જિલ્લાના 40 ગામના ખેડૂતો રેલ્વે લાઈનના વિરોધમાં થયા એકઠા
આ પણ વાંચો: ગીરમાં ઉતરાયણે ઈકોઝોન સામેનો વિરોધ: પ્રવીણ રામનું એલાન
આ પણ વાંચો: અમરેલીમાં બન્યો ચોંકાવનારો બનાવ, સગીરે રીલ બનાવવા ઝેરી દવા ગટગટાવી
