Gandhinagar News : ગાંધીનગરમાં 18મી ફેબ્રુઆરીએ વિધાનસભા પરિસર ખાતે US થી પરત આવેલા ગેરકાયદે ભારતીયોની સાથે આતંકવાદી હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા તે મામલે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના નેતાઓ દ્વારા વિધાનસભા પરિસર ખાતે હાથમાં હથકડી પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો.
અમિત ચાવડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી વિશ્વગુરુ બનવાના જે બણગા ફૂંકે છે એની સામે ગુજરાત અને દેશનો યુવાન જેને રોજગારી નથી મળતી, દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું, એના સ્વપ્ન જે આ દેશમાં પુરા નહિ થાય એવા ડર સાથે 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની રકમો આપીને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે.
દેશના અને એમાં પણ વધુ ગુજરાતના યુવાઓ જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને અમેરિકાની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે, રોકાયા છે એવી રીતે એમની ધરપકડ કરી, જાણે આતંકવાદી હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવ્યું અને એથી પણ ખરાબ અને સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમના હાથમા અને પગમાં હાથકડી અને બેડીઓ પહેરાવી, આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ન હોય, સેનિટેશન માટેની વ્યવસ્થા ન હોય એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા હતા.બીજી બાજુ કોલંબિયાના પ્રમુખે પોતાના દેશના લોકો જે ભલે ગેરકાયદેસર રીતે ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી. પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી પ્રજાના ટેક્ષના પૈસા બરબાદ કર્યા હતા એ વડાપ્રધાન જયારે અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.
નીચે મુજબના સુત્રો સાથે વિધાનસભા પરિસર ખાતે હાથમાં હથકડી પહેરી વિરોધ કરવામાં આવ્યો.
“વિદેશમાં ગુજરાતીઓ પર અત્યાચારોની ભરમાર, કેમ ચૂપ છે ડબલ એન્જિન સરકાર”
“ટ્રમ્પ કરે ગુજરાતીઓ પર અત્યાચારોની ભરમાર, કેમ ચૂપ છે ડબલ એન્જિન સરકાર”
“દેશની તિજોરીના પૈસે ટ્રમ્પ માટે માંગ્યા વોટ,
બદલામાં આપી ગુજરાતીઓને સ્વાભિમાનને ચોટ.”
“હાઉડી અને નમસ્તેના નામે તો ઘણી કરી ભાટાઇ,
હથકડી અને સાંકળમાં ગુજરાતની આબરૂ લજવાઈ”
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે જયારે દેશનો યુવાન પોતાના સ્વપ્ન અહીં પુરા થતા ન હોવાથી, રોજગાર ન મળવાથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયા આપીને અમેરિકા ગયા પણ તેમની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડીપોર્ટ કરવામાં આવ્યા એ ગેરકાયદેસર રીતે ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે. આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે એમના પણ ભવિષ્ય માટે ખુબ ચિંતા એમના પરિવારો કરી રહ્યા છે તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી.
અમિત ચાવડાએ કહ્યું કે, દેશના વડાપ્રધાન પણ ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી એ એમની નબળાઈ બતાવે છે. આખો ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે. અમેરિકા દ્વારા ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે હથકડીઓ પહેરાવી અપમાન કર્યું છે એનો જવાબ હિન્દુસ્તાનની જનતા, ગુજરાતની જનતા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગી રહી છે.
આ પણ વાંચો: હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા પહોંચતા જ કસ્ટડીમાં લેવામાં આવશે
આ પણ વાંચો: 7 લાખ ભારતીયો માટે ખતરો? ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે ગુરુદ્વારાઓમાં સર્ચ ઓપરેશન
