Usa News : H-1B અને H-4 વિઝા માટેની પ્રક્રિયામાં ટ્રમ્પ વહીવટીતંત્રએ મોટા ફેરફાર કર્યા છે. જેમાં H-1B વિઝા અરજદારો અને તેમના H-4 આશ્રિતો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશન ફરજિયાત બનાવવામાંઆવ્યું છે. 15 ડિસેમ્બરના રોજથી આ નિયમ અમલમાં આવશે. અરજદારોએ નવા નિયમ પ્રમાણે ચકાસણીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે તેમના તમામ સોશિયલ મીડિયા પ્રોફાઈલના સેટિંગ્સને “પબ્લિક” માં બદલવા પડશે.
આ તપાસને સરળ બનાવવા H-1B વિઝા માટેના તમામ અરજદારો અને H-4, F, M અને J નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે તેમના આશ્રિતોને તેમના બધાજ સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સને ખાનગી સેટિંગ્સ ‘પબ્લિક’ પર સેટ કરવાનો નિર્દેશ અપાયો હોવાનું બુધવારે બહાર પાડેલા એક આદેશમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.
યુએસ વિઝા અધિકાર નથી, એક વિશેષાધિકાર છે. એ બાબત પર વિજેશ વિભાગે ભાર મુક્યો હતો. ઉપરાંત દરેક વિઝા નિર્ણય એ રાષ્ટ્રીય સુરક્ષાનો નિર્ણય છે, એમ કહ્યું હતું.અધિકારીઓ યુનાઇટેડ સ્ટેટ્સ માટે કોઈ વ્યક્તિ ખતરો છે કે કેમ તે નક્કી કરવા માટે બધી ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરે છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
સ્વાભાવિક રીતે ભારતીય વ્યવસાયિકોમાંઆ નિર્ણયને લઈને ચિંતા પ્રસરી છે.H-1B વિઝા માટે મોટાભાગના ભારતીય આઇટી વ્યાવસાયિકો અરજી કરે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં H-1B વિઝામાં થયેલા ફેરફારો પર બોલતા કહ્યું કે વિઝા અરજદારોની ચકાસણી કરવી એ યજમાન દેશનો અધિકાર છે. તેમણે કહ્યું કે, વિઝા આપવા એ કોઈપણ સરકારનો સાર્વભૌમ અધિકાર છે.
તેમણે કહ્યું કે અમેરિકાનું વલણ સ્પષ્ટ છે. વિઝા અંગેનો દરેક નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાનો નિર્ણય છે,એવો યુએસ સરકારનો મત છે. યુએસ સરકાર અરજદારોની ઓનલાઈન પ્રવૃત્તિઓની તપાસ કરવાનો ઇરાદો ધરાવે છે, એમ જયશંકરે કહ્યું હતું.
અધિકારીઓ સામે ભારતે આ મામલો ઉઠાવ્યો છે. ભારતીય કોન્સ્યુલેટ અને દુતાવાસે જ્યાં શક્ય છે ત્યાં હસ્તક્ષેપ કર્યા છે તે સિવાય નાના ઉલ્લંઘનો માટે કડક કાર્યવાહી ન કરવા અમેરિકાને વિનંતી કરી છે, એમ જયશંકરે કહ્યું હતું.
