Anand News : આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. ખાસ કરીને, કમળાના કેસોમાં અસાધારણ વધારો નોંધાયો છે, જેના પરિણામે સમગ્ર ગામમાં આરોગ્ય સંબંધી ચિંતાનું વાતાવરણ ફેલાયું છે. સ્થાનિક આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લેતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી છે.
અત્યાર સુધીમાં કમળાના કુલ 52 કેસો પ્રકાશમાં આવ્યા છે, જેમાંથી 31 કેસો તાજેતરમાં જ નોંધાયા છે. આ આંકડો આરોગ્ય વિભાગ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં 10 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય દર્દીઓની સારવાર તેમના ઘરે જ ચાલી રહી છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગની 18 ટીમોએ ધર્મજમાં ઘરે-ઘરે સર્વેક્ષણ શરૂ કર્યું છે. આ ટીમોએ 1692 ઘરોમાં તપાસ પૂર્ણ કરી છે. સર્વે દરમિયાન, પીવાના પાણીની પાઇપલાઇનમાં 18 જેટલા લીકેજ મળી આવ્યા છે, જે કદાચ રોગચાળાનું મુખ્ય કારણ હોઈ શકે છે. આરોગ્ય ટીમોએ આ લીકેજ અંગે ગ્રામ પંચાયતને તાત્કાલિક જાણ કરી છે, જેથી જરૂરી પગલાં લઈ શકાય.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ પટેલે આ પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પ્રયત્નો ચાલુ છે. તેમણે લોકોને સ્વચ્છતા જાળવવા અને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી છે.
@SAPAN PATEL
આ પણ વાંચો:સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા
આ પણ વાંચો:ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ
આ પણ વાંચો:મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર
