તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવાની માંગ કરતુ આવેદન સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા કલેક્ટરને પાઠવામાં આવ્યુ છે. આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે સોનગઢ તાલુકો એ તાપીનો સૌથી મોટો તાલુકો છે. સોનગઢ તાલુકામાં 179 ગામો અને 1 નગરપાલિકા આવેલી છે.સોનગઢ તાલુકામાં કોરોના મહામારીમાં પણ કોઈ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ ન હતી. સોનગઢ તાલુકામાં એક પણ ફિજીશીયન ડોક્ટર નથી , વેન્ટિલેટરની કોઈ સુવિધા નથી, કોઈ પણ ઈમરજન્સી વખતે દર્દીને સુવિધા ના હોવાને કારણે વ્યારા રિફર કરવા પડે છે. ઘણી વાર આકસ્મિક ઘટનામાં સુવિધા ન હોવાના કારણે દર્દીઓના જીવ પણ જતાં રહે છે. જે અતિ ગંભીર બાબત છે.
સોનગઢમાં તાલુકામાં-શહેર સોનગઢમાં જ નાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. સૈાથી મોટો તાલુકા હોવા છેતા પણ સરકારી હોસ્પિટલ નથી જેના લીધે આ વિસ્તારના લોકોને ભારે હાલાકી પડી રહી છે. તાલુકામાં 179 ગામો આવેલા છે. આ તમામ ગામોમાં 90 % વસ્તી આદિવાસીઓની છે, આ આદિવાસીઓએ આરોગ્ય સારવાર માટે તાલુકા મથકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર જ આધાર રાખવો પડે છે. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સોનગઢનું આરોગ્ય કેન્દ્ર નાનું પડે છે.
આરોગ્ય કેન્દ્રમાં અત્યારે 50 બેડની વ્યવસ્થા છે, જેને કારણે તે નાનું પડે છે. અંતરિયાળ વિસ્તારમાંથી આવતા આદિવાસીઓને પુરતી સારવાર મળી રહે અને તમામ રોગોની સારવાર મળી રહે એ જરૂરી છે. તમામ રોગો માટેના તબીબોની પણ સોનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિમણૂક થવી જોઇએ, આધુનિક સુવિધાથી સજ્જ એવું સામુહિક આરોગ્ય કેન્દ્ર મોટું હોવું જોઇએ.
