Ahmedabad : ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આગામી શૈક્ષણિક વર્ષ એક નવો અધ્યાય લઈને આવી રહ્યું છે. ધો. 1, 6થી8 અને 12ના પુસ્તકોને બદલવામાં આવશે. ગુજરાતી, અંગ્રેજી, ગણિત સહિતના વિષયોમાં નવાં પ્રકરણ ઉમેરાવામાં આવશે. રાજ્યના પાઠ્યપુસ્તકોમાં થનારા નોંધપાત્ર ફેરફારો વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ સમૃદ્ધ અને સમકાલીન બનાવશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણયોનો હેતુ વિદ્યાર્થીઓને આજના ઝડપથી બદલાતા વિશ્વ માટે તૈયાર કરવાનો છે.
આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો. 1, 6થી 8 અને 12નાં પુસ્તકો નવાં તૈયાર કરવામાં આવ્યાં છે કે એમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ધો. 1માં ગુજરાતી, ધો. 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે. ધો. 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનાં પુસ્તક બદલાશે. ધો. 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકો બદલાશે. ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે.

NEP 2020 ના અમલીકરણ માટે પાઠ્યપુસ્તકોમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. શિક્ષણ પદ્ધતિમાં સતત થતા ફેરફારો અને નવી ટેક્નોલોજીના સમાવેશને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તકોમાં સુધારા કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન ન મેળવે, પરંતુ તેઓમાં વિશ્લેષણાત્મક વિચારસરણી, તર્કશક્તિ અને સર્જનાત્મકતાનો પણ વિકાસ થાય તે માટે પાઠ્યક્રમમાં ફેરફારો કરાયા છે. જૂના પાઠ્યપુસ્તકોમાં કેટલાક વિષયો સમયાનુસાર ન હતા, તેથી તેને અપડેટ કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બદલાયેલા પાઠ્યપુસ્તકોની યાદી અને વિગતો જાહેર કરવામાં આવશે. શાળાઓ દ્વારા પણ નવા પાઠ્યક્રમ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટની મુલાકાત લઈને વધુ માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચો: અમને ભણવું છે અને ભણવા માટે પુસ્તકો જોઈએ છે : પાઠ્યપુસ્તકની ઘટથી પરેશાન વિદ્યાર્થીઓ
આ પણ વાંચો: ધોરણ-૯ થી ૧૨ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને સમાવવામાં આવશે : જીતુ વાઘાણી
આ પણ વાંચો: કોરોના કાળમાં બાળકોનું ભાવિ અંધકાર મય : હજુ સુધી શાળાના બાળકોને નથી મળ્યા પાઠ્યપુસ્તકો !
