Gujarat News: ઉત્તર ગુજરાત અને રાજ્યના અન્ય વિસ્તારોમાંથી માઉન્ટ આબુ (Mount Abu Road Closed) જતાં પ્રવાસીઓ તેમજ અંબાજી મંદિરના દર્શનાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકાર્યોને કારણે અંબાજી-આબુ રોડનો મહત્વપૂર્ણ માર્ગ આગામી 9 મહિના સુધી વિવિધ તબક્કામાં બંધ રાખવામાં આવશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી ખાતે મોટા પાયે વિકાસકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
Mount Abu Road Closed:કયો રસ્તો કેટલા સમય માટે બંધ રહેશે?
સ્થાનિક પોલીસ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર ડી.કે. ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ સુધીનો માર્ગ 25 મે 2026થી 28 ફેબ્રુઆરી 2027 સુધી સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો માટે બંધ રહેશે.આ પ્રતિબંધ ખાસ કરીને 12 મીટરથી વધુ લંબાઈ ધરાવતા ભારે વાહનો (HGV) તેમજ 15 મીટરથી વધુ લંબાઈ ધરાવતા આર્ટીક્યુલેટેડ વાહનો માટે લાગુ રહેશે.
અંબાજીથી આબુ રોડ જોડતો માર્ગ પણ બંધ
જૂના નાકા અંબાજીથી અંબાજી-આબુ રોડ (Mount Abu Road Closed)ને જોડતો માર્ગ 25 મે 2026થી 15 સપ્ટેમ્બર 2026 સુધી તમામ પ્રકારના વાહનો, પદયાત્રીઓ અને જાહેર અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને અંબાજી શહેરના અન્ય આંતરિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે.
ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ
1. આબુરોડ (Mount Abu Road Closed)થી અંબાજી તરફ આવતા વાહનો
આબુરોડ તરફથી અંબાજી આવતાં ભારે વાહનોને સીધા પાલનપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
2. હિંમતનગર તરફથી આવતા વાહનો
હિંમતનગર તરફથી અંબાજી આવતાં ભારે વાહનોને ડી.કે. ત્રિવેદી સર્કલ (ખોડીવલી)થી દાંતા થઈને પાલનપુર તરફ મોકલવામાં આવશે.
3. ભાદરવી પૂનમ મેળા દરમિયાન ખાસ રૂટ
ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન ભારે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે હડાદ – પોશીના – દાણબોરા (રાજસ્થાન) – નીચલાગઢ – આબુરોડ રૂટનો ઉપયોગ કરવામાં આવશે.
પ્રવાસીઓ પર શું અસર પડશે?
માઉન્ટ આબુ (Mount Abu Road Closed) જવા માટે અંબાજી માર્ગનો ઉપયોગ કરતા પ્રવાસીઓને હવે લાંબો ડાયવર્ઝન રૂટ અપનાવવો પડશે. જેના કારણે મુસાફરીનો સમય અને અંતર બંને વધી શકે છે.ખાસ કરીને વીકએન્ડ, વેકેશન અને ધાર્મિક પ્રવાસ દરમિયાન ટ્રાફિકનું દબાણ વધવાની શક્યતા હોવાથી પ્રવાસીઓએ અગાઉથી રૂટ પ્લાનિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.
અંબાજી બાયપાસ તૈયાર ન થાય ત્યાં સુધી રાહત નહીં
જાહેરનામામાં જણાવાયું છે કે હાલ નિર્માણાધીન અંબાજી બાયપાસ રોડ (RTOથી કોટેશ્વર ત્રણ રસ્તા) પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો માટે અન્ય કોઈ સીધો વિકલ્પ ઉપલબ્ધ નથી.તેથી આગામી કેટલાક મહિનાઓ સુધી જાહેર કરાયેલા ડાયવર્ઝન રૂટનો જ ઉપયોગ કરવો પડશે.પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પ્રવાસ પહેલા ટ્રાફિક અપડેટ અને સ્થાનિક તંત્રની સૂચનાઓ અવશ્ય ચકાસી લે.
આ પણ વાંચો:માઉન્ટ આબુમાં ન્યૂ યર પાર્ટીના નામે અમદાવાદની સગીરા સાથે દુષ્કર્મ, વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો:માઉન્ટ આબુ બન્યું ‘મિની કાશ્મીર’, શૂન્યથી પણ નીચેના તાપમાનમાં ગુજરાતીઓની મોજ
આ પણ વાંચો:માઉન્ટ આબુ : અમદાવાદની લક્ઝરી બસ પલટી, 24થી વધુ મુસાફરો ઘાયલ
