Rajasthan News : માઉન્ટ આબુ (Maunt Abu)થી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓને રવિવારે (21 ડિસેમ્બર) વહેલી સવારે ગંભીર અકસ્માત નડ્યો હતો. માઉન્ટ આબુ(Mount Abu)ના જોખમી પહાડી વળાંકો પરથી ઉતરતી વખતે એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 24થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બ્રેક ફેઈલ થવાની આશંકા
અહેવાલો મુજબ, બસ ઢાળવાળા રસ્તા પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક ચાલકનો કાબૂ ગુમાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સંભવિત રીતે બસની બ્રેક ફેઈલ થતાં ચાલક બસને નિયંત્રિત કરી શક્યો નહોતો અને બસ રસ્તા પર જ પલટી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં અફરાતફરી મચી ગઈ હતી અને અનેક મુસાફરો જીવ બચાવવા બારીઓમાંથી બહાર કૂદી ગયા હતા.

સ્થાનિકો અને પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક માઉન્ટ આબુ (Maunt Abu)તથા આબુ રોડની નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક મુસાફરોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદના પરિવારોમાં ચિંતા
બસમાં સવાર મોટાભાગના મુસાફરો અમદાવાદ અને આસપાસના વિસ્તારોના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના સમાચાર મળતા જ અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનોની સ્થિતિ જાણવા માઉન્ટ આબુ (Maunt Abu)તરફ દોડ ધરી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બસમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત થયો, તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ કરવામાં આવી રહી છે.

