Mount Abu Cold Wave News : રાજસ્થાનમાં હિમાળાના તીવ્ર પવનોએ દસ્તક આપી છે અને તેની સીધી અસર માઉન્ટ આબુ પર જોવા મળી રહી છે. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ (Mount Abu) હાલ જાણે ‘મિની કાશ્મીર’માં રૂપાંતરિત થઈ ગયું હોય તેવા મનમોહક દ્રશ્યો સામે આવી રહ્યા છે.
માઉન્ટ આબુમાં સતત ચોથા દિવસે હાડ થીજવતી ઠંડીનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા પારો ગગડીને માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. કડકડતી ઠંડીના કારણે અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો હોય તેવો નજારો સર્જાયો છે.
માઉન્ટ આબુ (Mount Abu) પ્રવાસીઓથી છલકાયું
હાડ થીજવતી ઠંડી હોવા છતાં ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. શિયાળુ માહોલ, બરફની ચાદરથી ઢંકાયેલા દ્રશ્યો અને નવા વર્ષની ઉજવણીના માહોલે માઉન્ટ આબુ (Mount Abu)ને પ્રવાસીઓથી ખચાખચ ભરાઈ જવાનું દૃશ્ય સર્જ્યું છે. માત્ર છેલ્લા બે દિવસમાં જ 30 હજારથી વધુ પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચ્યા હોવાનું અનુમાન છે. ઠંડીની તીવ્રતા છતાં પ્રવાસીઓ બરફીલા માહોલ અને ન્યૂ યર સેલિબ્રેશનનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે, જેથી માઉન્ટ આબુ હાલ પ્રવાસન હબ બની ગયું છે.
નકી લેકે પ્રવાસીઓ ઉમટ્યા
માઉન્ટ આબુ (Mount Abu)ના હિતમજી, મઝગાંવ અને સાલગાંવ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. ઘરોના આંગણાં, બગીચાઓ, ખુલ્લા મેદાનો તેમજ પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી જતા સમગ્ર વિસ્તાર જાણે શિયાળાની પરીકથામાં ફેરવાઈ ગયો હોય તેવો નજારો સર્જાયો હતો. સૂર્યોદય થતાં જ પ્રવાસીઓ નકી લેક અને આસપાસના પર્યટન સ્થળોએ ઉમટી પડ્યા. કડકડતી ઠંડી વચ્ચે બરફીલા દ્રશ્યોનો આનંદ માણતા પ્રવાસીઓના ચહેરા પર ઉત્સાહ અને રોમાંચ સ્પષ્ટ નજરે પડ્યા.

આબુમાં સ્કૂલ વેકેશન
કડકડતી ઠંડીની તીવ્રતા જોતા માઉન્ટ આબુ (Mount Abu)ની મોટાભાગની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 15 ફેબ્રુઆરી સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સામે સરકારી શાળાઓ 1 જાન્યુઆરીથી ફરી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હાલની ઠંડીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા યેલો અથવા રેડ એલર્ટ મુજબ શાળાઓના સમયપત્રક કે રજાઓ અંગે આગળનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
શરદ મહોત્સવ અને ન્યૂ યરની ભવ્ય ઉજવણી
પ્રવાસીઓના આકર્ષણને વધુ મજબૂત બનાવવા રાજસ્થાન પ્રવાસન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત આયોજન હેઠળ ‘શરદ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સોમવારથી બુધવાર સુધી ચાલનાર આ ઉત્સવ દરમિયાન 29 અને 30 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જ્યારે 31 ડિસેમ્બરે, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, બોલિવૂડ તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના શાનદાર શો સાથે વર્ષ 2025ને ભવ્ય રીતે વિદાય આપવામાં આવશે. આ વિશેષ આયોજનને કારણે આગામી દિવસોમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: માઉન્ટ આબુને આંટી જાય એવો માહોલ :ગિરનાર સાથે વાતો કરતા વાદળો અને સુસવાટા મારતા પવનો
આ પણ વાંચો: માઉન્ટ આબુમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત, લૂંટના ઈરાદે યુવકની હત્યા
આ પણ વાંચો: માઉન્ટ આબુમાં સ્થાનિકોએ માનવ સાંકળ બની બકરીઓને બચાવી
