Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાળાઓના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. 313 કરોડની સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અન્વયેની રકમ સિંગલ ક્લિક દ્વારા DBT થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી. તદ્દઅનુસાર મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ સહાય અર્પણ કરી હતી.
નમો લક્ષ્મી યોજના
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકારે ધો.9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુંથી કાર્યરત કરી છે. આ અંતર્ગત ધો. 9-10 માટે વિદ્યાર્થિની દીઠ વાર્ષિક રૂ. 10 હજાર તથા ધો.11-12 માટે વાર્ષિક રૂ. 15 હજારની સહાય આપવામાં આવે છે. આ યોજના અન્વયે મુખ્યમંત્રીના હસ્તે ગુરૂવારે 10.70 લાખ કન્યા છાત્રાઓને રૂ.203 કરોડ સિંગલ ક્લિક દ્વારા DBT થી સીધા ખાતામાં ચૂકવવામાં આવ્યા છે.
આ યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીના કરવામાં આવતાં મોનિટરિંગ અનુસાર જૂન-2024માં શૈક્ષણિક સત્ર શરૂ થયા પછીના ફક્ત 6 મહિનામાં જ વર્ગખંડોમાં 80-100% હાજરી આપનારી કન્યાઓની સંખ્યા 23%થી વધીને 48% થઈ છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
ધોરણ 10 પાસ કર્યા પછી રાજ્યના વધુ ને વધુ વિદ્યાર્થીઓને ધોરણ 11-12 માટે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ધો. 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને 2 વર્ષ દરમિયાન કુલ રૂ.25 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના પણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.
મુખ્યમંત્રીએ ગુરૂવારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો વિજ્ઞાન પ્રવાહના 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને રૂ. 51 કરોડની સહાય સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છે. જૂન-2024માં શૈક્ષણિક સત્ર શરૂ થયા પછીના ફક્ત 6 જ મહિનામાં, એટલે કે ડિસેમ્બર 2024 સુધીમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગખંડોમાં 80થી 100% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 18%થી વધીને 44% થઈ છે. એટલે કે, શાળાઓમાં વધુ હાજરી આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 25%નો વધારો નોંધાયો છે.
ગુજરાત સેમિકંડક્ટર, ગ્રીન એનર્જી અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રો માટે ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળની મોટા પાયે માંગ ઊભી થશે. આ માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ધો.11 અને 12માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવશે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના
આ યોજના અન્વયે ધો.1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા અને RTE અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા રાજ્યના 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અન્વયે ગુરૂવાર તા.27 ફેબ્રુઆરીના 50 હજાર વિદ્યાર્થીઓને કુલ રૂ. 33 કરોડથી વધુની સ્કોલરશીપ ચૂકવવામાં આવી છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
ધો. 1 થી 5 માં સળંગ અભ્યાસ કરી ધો.5 નો અભ્યાસ પૂર્ણ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત શાળાઓમાં ધોરણ-6 માં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 30 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત 60 હજાર વિદ્યાર્થીઓને રૂ. 26 કરોડથી વધુની સ્કોલરશીપ ગુરૂવારે ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમથી એનાયત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સાથે એક જ દિવસમાં એકસાથે રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 313 કરોડથી વધુની સહાય DBTથી ચૂકવી હતી. આ અવસરે શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમાર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ અને શિક્ષણ વિભાગના વરિષ્ટ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: વડાપ્રધાને ખોલ્યો દલિત બાળકો માટે ખુશીઓનો પટારો, પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મળશે
