Ahmedabad News : અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલમાં આજે સાંજે એક ગંભીર ઘટના બની હતી. એક સ્કોર્પિયો કાર અચાનક કેનાલમાં ખાબકી હતી, જેના કારણે ત્રણ લોકો લાપતા બન્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ દોરડાની મદદથી કારમાં સવાર લોકોને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી મુશ્કેલી પડી હતી. આથી, પાણીનો પ્રવાહ બંધ કરવાની ફરજ પડી હતી.ફાયર બ્રિગેડ અને પોલીસને ઘટનાની જાણ થતાં જ જમાલપુર, પ્રહલાદનગર અને અસલાલી ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.
અમદાવાદના ફતેહવાડી કેનાલમાં સ્કોર્પિઓ ખાબકી હતી, રીલ્સ બનાવવાની લ્હાયમાં યુવાઓ કેનાલ પર આવ્યા હતા. એક યુવક બચી ગયો, 3 યુવાનો હજુ લાપતા છે. નર્મદા કેનાલમાં પાણી બંધ કરી શોધખોળ શરુ કરવામાં આવી છે. યક્ષ ભાંખોડિયા , યશ દેલવાડિયા અને ક્રિશ વિશાલ દવે નામના યુવાનો લાપતા છે. ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું છે.
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, કારમાં 3 લોકો સવાર હતા. કારને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ હજુ સુધી કારમાં સવાર લોકોની કોઈ ભાળ મળી નથી. ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસ કેનાલના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ખાસ કરીને સાઇફન તરફ જ્યાં પાણીનો પ્રવાહ જાય છે ત્યાં સર્ચ ઓપરેશન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત પ્રયાસો ચાલુ છે, અને તેઓ લાપતા લોકોની શોધ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે.
@ Mehul
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા
આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ
