Ahmedabad : ગુજરાતના શિક્ષણ જગતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. CBSE બોર્ડે રાજ્યની 14 શાળાઓની માન્યતા રદ્દ કરી દીધી છે. આ શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ ચાલતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રાજ્ય સરકાર અને જિલ્લા શિક્ષણ અધિકારીઓની નિષ્ક્રિયતા વચ્ચે CBSE બોર્ડે અજમેરથી આવીને આ કાર્યવાહી કરી હતી.
અમદાવાદની 4 પ્રતિષ્ઠિત શાળાઓ પણ લપેટમાં
માન્યતા રદ્દ થયેલી શાળાઓમાં અમદાવાદની ચાર પ્રતિષ્ઠિત શાળાઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ન્યૂ તુલીપ સ્કૂલ, નિર્માણ સ્કૂલ, DPS હીરાપુર અને DLA એકેડમી ઓફ લિટલ પીપલ સ્કૂલનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં ગેરહાજર વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે રાજ્ય સરકારને વારંવાર ડમી શાળાઓમાં દરોડા પાડવા માટે રજૂઆત કરી હતી, પરંતુ તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. CBSE બોર્ડે બહારથી આવીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં હજુ પણ અનેક શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેના પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને DEO ઊંઘમાં રહ્યા અને બહારથી આવી CBSE બોર્ડે સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓનો ભાંડો ફોડ્યો હતો. ગુજરાતમાં હજુ અનેક સ્કૂલો ધમધમી રહી છે, જેમાં રેડ કરવા સંચાલક મંડળની માંગ કરી રહ્યા છે.
આ ઘટનાથી વાલીઓ અને શિક્ષણવિદોમાં રોષ વ્યાપી ગયો છે. તેઓ રાજ્ય સરકાર પાસે આ મામલે સખત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે, આવી ઘટનાઓથી શિક્ષણ પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આ ઘટનાએ રાજ્ય સરકારની ભૂમિકા પર પણ સવાલો ઉભા કર્યા છે. શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતાને કારણે જ આ કૌભાંડ આટલા લાંબા સમય સુધી ચાલ્યું હોવાનું માનવામાં આવે છે.
CBSE બોર્ડે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. માન્યતા રદ્દ થયેલી શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર પણ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાએ ગુજરાતના શિક્ષણ જગતમાં બદલાવની જરૂરિયાતને ઉજાગર કરી છે. શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાની જરૂર છે.
આ પણ વાંચો: 2026 થી CBSE બોર્ડ પરીક્ષા પદ્ધતિ બદલાશે, 10મા ધોરણની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવામાં આવશે
આ પણ વાંચો: CBSE ના બોર્ડ પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફારો : ધોરણ 10ની બોર્ડ પરીક્ષા હવે વર્ષમાં બે વાર લેવાશે
આ પણ વાંચો: વડોદરાની નામાંકિત શાળા ટ્રી હાઉસને CBSEએ આપી નોટિસ
