Jamnagar News : જામનગર જિલ્લાના વિવિધ ધોરીમાર્ગો પર ગેરકાયદેસર ખનન અને ખનીજ વહનની પ્રવૃત્તિઓ વધી રહી હોવાની વારંવાર ફરિયાદો મળતી હતી. ખાસ કરીને રેતીના ગેરકાયદેસર વહન અંગેની માહિતી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સુધી પહોંચતા તેમણે તાત્કાલિક ધોરણે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. આ આદેશના પગલે, SOGના PI બી.એન. ચૌધરીના નેતૃત્વ હેઠળની ટીમે જોડિયાથી જામનગર અને લાલપુર સહિતના મુખ્ય માર્ગો પર સઘન વોચ ગોઠવી હતી.

Dy.Sp. જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, પોલીસ ટીમે સવારથી જ શંકાસ્પદ વાહનોની તપાસ શરૂ કરી હતી. બપોર સુધીમાં, તેમણે અંદાજે 2 કરોડ રૂપિયાની કિંમતના 13થી વધુ ટ્રકને જપ્ત કર્યા હતા. આ ટ્રકોમાં ગેરકાયદેસર રીતે ખનન કરાયેલ રેતીનો જથ્થો ભરેલો હતો. જપ્ત કરાયેલા વાહનોને જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત, SOG ની ટીમે ધ્રાંગડા નજીકથી 350 ટન બિનવારસુ રેતીનો જથ્થો પણ શોધી કાઢ્યો હતો. આ જથ્થાને પણ જપ્ત કરવામાં આવ્યો છે, અને તેની માલિકી અંગે તપાસ ચાલી રહી છે.પોલીસની આ કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવી જ વોચ ગોઠવવામાં આવશે, અને ગેરકાયદેસર ખનન અને વહન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ પોલીસે જણાવ્યું હતું.
@ સાગર સંઘાણી
