Ahmedabad News : અમદાવાદના સિવિલ સંકુલમાં આવેલી IKDRC કિડની હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલા ભરતી કૌભાંડનો પર્દાફાશ સામે આવ્યો છે. કોંગ્રેસે CAGના અહેવાલને ટાંકીને આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં વર્ષ 2004 થી 2023 દરમિયાન 297 લોકોની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ તમામ ભરતીઓ કોઈપણ જાહેરાત આપ્યા વગર જ ગુપચુપ રીતે કરવામાં આવી હતી.
કોંગ્રેસે જણાવ્યું કે, CAGના અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સિવિલ કિડની હોસ્પિટલના 58 ડોક્ટરો અને અધ્યાપકોમાંથી 34ને કોઈપણ જાહેરાત વગર જ પાછલા બારણેથી નોકરી આપવામાં આવી. નિવૃત્ત અધિકારીઓને નોકરી પર રાખવા માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી હોવા છતાં 12 નિવૃત્ત અધિકારીઓને ઊંચા પગારે નોકરી પર રાખવામાં આવ્યા.

કોંગ્રેસે RMO બાબતે આક્ષેપ કરતા કહ્યું કે, 1978માં MBBSમાં પ્રવેશ આપવામાં આવે છે. 1993માં તેને ફરજીયાત RMO કરવામાં આવે છે. 2002 થી 2003 રજા લઈને તેણે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. 20 વર્ષ સુધી વીરેન ત્રિવેદી MBBSનો અભ્યાસ જ કર્યા કરે છે. 24 કલાકમાં જ વીરેન ત્રિવેદીને RMO બનાવી દેવામાં આવ્યા હતા. ડો. વિરેન ત્રિવેદીને પ્રોફેસર ન હોવા છતાં રિસર્ચના નામે 9 લાખ રૂપિયા આપવામાં આવ્યા. હોસ્પિટલના ડાયરેક્ટરના PA અને RMOના સગા-સંબંધીઓને પણ નોકરી આપવામાં આવી. ડો. પ્રાંજલ મોદી સહિત અન્ય ડોક્ટરોને નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમો વિરુદ્ધ બઢતી આપવામાં આવી. ડો. ઉમંગ ઠક્કરને અનુસ્નાતક ડિગ્રી ન હોવા છતાં એસોસિયેટ પ્રોફેસર બનાવવામાં આવ્યા.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં લાગતા વળગતા લોકોને જ નોકરીઓ આપવામાં આવી છે, જ્યારે ગુજરાતના લાખો યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસે આરોગ્યમંત્રી પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે અને વિધાનસભામાં ચર્ચાની માંગ કરી છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ ભરતી કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ કૌભાંડને કારણે ગુજરાતના રોષના માહોલ જોવા મળ્યો છે. અને ગુજરાતના નાગરિકો સરકાર પાસે પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે. આગામી સમયમાં આ મુદ્દો વિધાનસભા પહોંચે તો નવાઈ નહી હોય.
@Mehul
આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી
આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ
