Surat Palod School Gutter Incident: સુરતના પાલોદ ગામમાં તંત્રની ગંભીર બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. કીમ-માંડવી રોડ પર આવેલી નવી પ્રાથમિક શાળા પાસે ગટરની એક ખુલ્લી કુંડીમાં માસૂમ બાળકી ખાબકતા ચકચાર મચી ગઈ છે. સદનસીબે સ્થાનિકોની નજર પડતા બાળકીને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવી હતી, પરંતુ આ ઘટનાએ સ્ટેટ હાઈવે વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
Surat: ત્રણ દિવસમાં બીજી દુર્ઘટના
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ કોઈ પહેલી ઘટના નથી. માત્ર ત્રણ દિવસ પહેલા જ એક વિદ્યાર્થી પણ આ જ રીતે ખુલ્લી કુંડીમાં ખાબક્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં સ્ટેટ હાઈવેનું તંત્ર હજુ સુધી જાગ્યું નથી. સ્ટેટ હાઈવેની સાઈડમાં બનાવવામાં આવેલી ગટરની કુંડીઓ ખુલ્લી હાલતમાં છોડી દેવામાં આવી છે, જે રાહદારીઓ અને ખાસ કરીને શાળાએ જતા બાળકો માટે ‘ડેથ ટ્રેપ’ સમાન બની ગઈ છે.
“શું કોઈના મોતની રાહ જોવાય છે?”
પાલોદ ગામની નવી પ્રાથમિક શાળા પાસે બનેલી આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. શાળા પાસે જ આવી જોખમી કુંડીઓ ખુલ્લી હોવા છતાં તેને પેક કરવાની તસ્દી લેવામાં આવતી નથી. જો આજે સ્થાનિકોએ બાળકીને જોઈ ન હોત, તો પરિણામ અત્યંત ગંભીર આવી શક્યું હોત.
તાત્કાલિક પગલાં ભરવા માંગ
વાલીઓ અને ગ્રામજનોએ માંગ કરી છે કે સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ ખુલ્લી કુંડીઓ પર ઢાંકણા લગાવવામાં આવે. જો વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોઈ બાળકનો જીવ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: સુરત : અમરોલીમાં બાળક ગટરમાં પડતા મોત નીપજવાના બનાવમાં ગુનો નોંધાયો
આ પણ વાંચો: સુરત : બાળક ગટરમાં પડ્યા બાદ મોત નીપજતા પરિવાર ઉશ્કેરાયો
આ પણ વાંચો: મકરબા રોડ પાસે ટોરેન્ટ પાવર નજીક વૃધ્ધ ગટરમાં પડ્યા
