Ahmedabad News/ T20 વર્લ્ડ કપ મેચના દિવસે આ રસ્તાઓ પર એન્ટ્રી બંધ, વાહનચાલકોએ આ નવો રૂટ અપનાવવો પડશે

અમદાવાદમાં T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2026ની મેચોને લઈને ટ્રાફિક પોલીસનું જાહેરનામું. જનપથથી મોટેરા સુધીના રસ્તા બંધ રહેશે. મેટ્રો સેવા રાત્રે 12:50 સુધી ચાલુ રહેશે.

Ahmedabad Top Stories Gujarat
Ahmedabad T20 World Cup Traffic Notification

Ahmedabad T20 World Cup Traffic Notification: ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે T20 વર્લ્ડ કપ 2026ની મેચો હવે અમદાવાદના આંગણે રમાવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચો દરમિયાન પ્રેક્ષકોની ભારે ભીડને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે સ્ટેડિયમ (Motera Stadium) આસપાસના મુખ્ય રસ્તાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મેચના દિવસો અને પ્રતિબંધનો સમય

વર્લ્ડ કપની મેચો દરમિયાન ટ્રાફિકની સ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 9, 11, 14, 18, 22 અને 26 ફેબ્રુઆરીના રોજ મેચના દિવસોએ બપોરે 3:00 વાગ્યાથી મોડી રાત્રિ સુધી ટ્રાફિક પર પ્રતિબંધ અને નિયમો અમલી રહેશે. વધુમાં, જો 8 માર્ચ, 2026 ના રોજ અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે, તો તે દિવસે પણ આ જ મુજબ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું રહેશે.

Ahmedabad T20 World Cup Traffic Notification

T20 World Cupના દિવસે કયા રસ્તાઓ રહેશે સંપૂર્ણ બંધ?

મેચ દરમિયાન જનપથ ટી-જંકશનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ સુધીનો માર્ગ તમામ સામાન્ય વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત, કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી મોટેરા ગામ ટી-જંકશન સુધીના માર્ગ પર પણ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. જોકે, આ પ્રતિબંધો વચ્ચે ઇમરજન્સી સેવાઓ, સ્થાનિક રહીશો અને યોગ્ય પરવાનગી ધરાવતા વાહનોને અવર-જવર માટે મુક્તિ આપવામાં આવશે.

વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ

જો તમારે મેચ દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થવાનું હોય, તો પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાય છે. જે અંતર્ગત તપોવન સર્કલ તરફથી આવતા વાહનચાલકો ONGC ચાર રસ્તા, વિસત ટી-જંકશન અને જનપથ ટી-જંકશન થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ તરફ જઈ શકશે. તેવી જ રીતે, કોટેશ્વર અથવા ભાટ તરફથી આવતા લોકો કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફના માર્ગનો ઉપયોગ કરી શકશે.

Ahmedabad T20 World Cup Traffic Notification

રાત્રે 12:50 સુધી દોડશે ટ્રેન

ક્રિકેટ ફેન્સની સુવિધા માટે મેટ્રો રેલ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત મેચના દિવસે મેટ્રો સેવા મોડી રાત્રે 12:50 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ટિકિટ બારી પર થતી ભીડને ટાળવા માટે મુસાફરો ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ ફ્લેટ રેટ પર અગાઉથી ખરીદી શકશે. આ ઉપરાંત, ભીડને પહોંચી વળવા માટે મોટેરાથી APMC અને વસ્ત્રાલથી થલતેજ વચ્ચે મેટ્રોની વધારાની ફેરીઓ દોડાવવામાં આવશે. ટ્રાફિક પોલીસે પણ નાગરિકોને અપીલ કરી છે કે ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે વ્યક્તિગત વાહનોના બદલે મેટ્રો કે BRTS જેવી જાહેર પરિવહન સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરે.


આ પણ વાંચો:હાર્દિક પંડ્યાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ, કહ્યું“આ તો ફક્ત શરૂઆત છે”

આ પણ વાંચો:ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં મોટો ફેરફાર, બેટ્સમેન-વિકેટકીપરને મળી રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ લગાવાયો

આ પણ વાંચો:ક્રિકેટના ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ! એક જ દિવસમાં 3 વાર આઉટ થયો આ પાકિસ્તાની ખેલાડી