Vadodara News/ વડોદરા કોંગ્રેસનો મોટો આરોપ, ભાજપે 47 હજાર મતદારોના નામ કાઢવાનું ષડયંત્ર રચ્યું

વડોદરા શહેર કોંગ્રેસે ‘ઓપરેશન સરકાર ચોરી’ નામ હેઠળ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર મતદારોના નામ કાઢવાની ષડયંત્રનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આ મામલે પુરાવા રજૂ કરી રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની માંગ પણ કરી છે.

Gujarat Top Stories Vadodara
Vadodara

વડોદરા (vadodara) શહેર કોંગ્રેસ દ્વારા આજે ‘ઓપરેશન સરકાર ચોરી’ શીર્ષક હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે ભાજપના નેતાઓ અને કોર્પોરેટરો પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયામાં ફોર્મ-7 ભરવામાં આવીને મોટા પ્રમાણમાં સાચા મતદારોના નામ કાઢવાનું કાવતરુ કરવામાં આવ્યું છે.

47,000 મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, વડોદરા (vadodara) શહેરમાં અંદાજે 47,000 મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. આ વાંધાઓમાં ભાજપના કોર્પોરેટરો અને નેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી હોવાનો આરોપ છે. ખાસ કરીને ભાજપના કોર્પોરેટર અજીત દધીચે 122 વાંધા ઉઠાવ્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલે 30 વાંધા ઉઠાવ્યા હોવાના પણ પુરાવા રજૂ કરાયા છે.

કેટલાક લોકો પાસે વધારે ચૂંટણી કાર્ડ

કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વ્યક્તિઓ પાસે એકથી વધુ EPIC (મતદાર ઓળખ કાર્ડ) હોવાનો મામલો પણ સામે આવ્યો છે. દેવેશ પટેલ નામના વ્યક્તિ પાસે 25 EPIC આઈડી અને સીએન માછી નામના વ્યક્તિ પાસે 20 EPIC આઈડી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. એક વ્યક્તિ પાસે એટલા બધા મતદાર કાર્ડ કેવી રીતે હોઈ શકે તે બાબત તપાસનો વિષય હોવાનું કોંગ્રેસે કહ્યું છે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીનો દાવો

વડોદરા (vadodara) શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે સત્તાધારી ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચે મિલાભગત કરીને સાચા મતદારોના નામ કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમનો આરોપ છે કે આ પ્રકારની કાર્યવાહી દ્વારા કોંગ્રેસના મતદારોને મતદાનથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ચૂંટણી અધિકારી અને કલેક્ટરને રજૂઆત

કોંગ્રેસે આ મામલે વડોદરા (vadodara) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને અનેક વખત રજૂઆત કરી હોવાની પણ માહિતી આપી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેવી ફરિયાદ પણ કોંગ્રેસે કરી છે. તેમણે કલેક્ટરને ચેલેન્જ આપી કહ્યું કે અમે આપેલા પુરાવા ખોટા સાબિત કરીને બતાવે.

વડોદરાની 5 વિધાનસભા બેઠકમાં ગેરરીતિનો આરોપ

કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે વડોદરાની (vadodara) પાંચ વિધાનસભા બેઠકમાં આ પ્રકારની ગેરરીતિ થઈ છે, જેમાં મહિલા મંત્રીના વિસ્તારમાં પણ ખોટા વાંધા લેવામાં આવ્યા છે. કોંગ્રેસે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવા માટેના ફોર્મ ભર્યા હોવાની પણ વાત કરી છે અને રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે.

આ સમગ્ર ઘટનાએ વડોદરાના (vadodara) રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. હવે ચૂંટણી પંચ અને સરકાર આ મામલે શું પગલાં લે છે તે જોવાનું રહેશે.


આ પણ વાંચો:ગુજરાતમાં ‘મત ચોરી’નો આરોપ લગાવતી કોગ્રેસ, મત ચોરીની 5 રીતોના પુરાવા આપ્યા

આ પણ વાંચો:વડોદરામાં કોંગ્રેસ કાર્યકરે રાહુલ ગાંધી સામે બળાપો ઠાલવ્યો, ગુજરાતમાં કોગ્રેસની સરકાર લાવવા ડીવ આપવા તૈયાર છું : મિતેશ પરમાર

આ પણ વાંચો: વસ્તીના અહેવાલને લઈને રાજકીય હંગામો થતા ભાજપ અને કોગ્રેસની પ્રતિક્રિયા