Rajkot News: રાજકોટના સિટી બસચાલકે (City Busdriver) અનેક વાહનોને અડફેટે લીધા છે. આ બનાવમાં ચારના મોત થયા છે અને ચારને ઇજા થઈ છે. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બનેલા આ બનાવના પગલે લોકોમાં આક્રોશની લાગણી છે. મૃતકોની ઓળખ થઈ છે, તેમા રાજુભાઈ, સંગીતાબેન નેપાળી કિરણબેન ઠક્કર, દિનેશભાઈનું મોત થયું છે.
અકસ્માતના (Accident) પગલે લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા હતા. અકસ્માત સર્જયા પછી ડ્રાઇવર ભાગી ગયો હતો અને કંડક્ટર પણ અદ્રશ્ય થઈ ગયો હતો. સિટી બસ ચાલકે એક સાથે પાંચ વાહનોને હડફેટે લીધા હતા. બસમાં સવાર મુસાફરોએ પણ લોકોના ગુસ્સાથી બચવા દોટ લગાવી હતી.
હાલમાં 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે, તેની સાથે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવી રહી છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને સ્થિતિને અંકુશમાં લઈને રસ્તો ક્લિયર કરાવી રહી છે. અકસ્માત સર્જનાર બસ ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા નામનો વ્યક્તિ છે. આ અંગે સિટી ઇજનેર પી.ડી. અઢિયાએ જણાવ્યું હતું કે સિગ્નલ ખૂલતા જ બસ ચાલુ થઈ હતી અને તેની બ્રેક ફેઇલ થઈ ગઈ હતી અને તેના કારણે આ અકસ્માત થયો હતો. ઘટનાના સ્થળે એફએસએલની ટીમ પણ પહોંચી ગઈ છે.
આ બસનો કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર આ બનાવના પગલે ફરાર થઈ ગયો છે. તે રાજકોટમાં વોર્ડ-4નો ભાજપનો મહામંત્રી હતો. તેણે ફરાર થતાં પહેલા ગ્રુપના ડ્રાઇવરોને મેસેજ કર્યો હતો કે જે ડ્રાઇવર પાસે લાઇસન્સ ન હોય તે તાત્કાલિક બસ મૂકીને રવાના થઈ જાય. આ અંગે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેદની લાગણી વ્યક્ત કરી હતી.
રાજકોટ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને 15-15 લાખની સહાયની સરકારે જાહેરાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને બે લાખની સહાય જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર તુષારે આ જાહેરાત કરી છે. આ બસનું સંચાલન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (આરએમસી) દ્વારા રાજપથ સિટીબસ લિમિટેડના નામથી સંચાલન થાય છે. તેમા ડ્રાઇવર અને કંડકટરોની એજન્સી દ્વારા ભરતી કરવામાં આવે છે. દર્શિતા શાહે જણાવ્યું હતું કે આ કેસમાં કોઈને છોડવામાં નહીં આવે.અકસ્માતના કેસમાં ડ્રાઇવર શિશુપાલ રાણા હવે ડ્રાઇવિંગ વખતે નશામાં હતો કે નહીં તેની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમરાએ આ પ્રકારના આદેશ આપ્યા છે.
રાજકોટમાં રફતારના રાક્ષસોએ રીતસરનો કહેર વર્તાવ્યો છે. જાન્યુઆરીથી છેલ્લા ત્રણ મહિનામાં થયેલા કુલ 217 અકસ્માતમાં 36નો જીવ ગયો છે. જાન્યુઆરીમાં 85 અકસ્માતમાં 11ના જીવ ગયા, ફેબ્રુઆરીમાં 64 અકસ્માતમાં 19ના જીવ ગયા, માર્ચમાં 68 અકસ્માતમાં 17 લોકો મોતને ભેટ્યા.
આ પણ વાંચો: રાજકોટ કાર અકસ્માતમાં ‘ડ્રાઈવર’ની આખરે ધરપકડ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
આ પણ વાંચો: રાજકોટમાં નબીરા દ્વારા અકસ્માત કરવા મામલે હ્યુમન રાઇટ્સ વિભાગના આસિ.પ્રોફેસરનું નિવેદન આવ્યું સામે
આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં જામનગરના વાંઝા પરિવારના ત્રણ લોકોના મોત : પરિવારજનોનું હૈયાફાટ રૂદન
