MANTAVYA Vishesh/ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલને બચાવવાનો તખ્તો તૈયાર

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અત્યાર સુધીમાં કુલ 54 લોકોનો ભોગ લઈ ચૂકેલા અને સરકારને આયુષ્યમાન યોજનામાં કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ચૂકનારા કાર્તિક પટેલને બચાવવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે.

Mantavya Vishesh

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અત્યાર સુધીમાં કુલ 54 લોકોનો ભોગ લઈ ચૂકેલા અને સરકારને આયુષ્યમાન યોજનામાં કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ચૂકનારા કાર્તિક પટેલને બચાવવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. પોલીસે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઘડેલા 6,070 પાનાના તહોમતનામામાં કાર્તિક પટેલ સામે કોઈ જ નવા સાક્ષી દર્શાવ્યા નથી. આમ કાર્તિક પટેલના ઇશારે જ આખો કાંડ થયો હોવા છતાં પણ તેનો ગાળિયો બીજાના ગળામાં ભરાવી દેવાનો કારસો ઘડાઈ ચૂક્યો છે.

સરકારે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોગ્ય કમિશ્નર ઓફિસના ડેપ્યુટી ડાયરેક્ટર યુ.બી. ગાંધીના અધ્યક્ષ પદ હેઠળ સાત સભ્યોની સમિતિ રચી હતી. આ સમિતિએ આપેલા રિપોર્ટના આધારે કાર્તિક પટેલની સામે ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દળદાર ચાર્જશીટ ફાઇલ તો કરી જ છે, આ દળદાર ચાર્જશીટ જોઈને તો એમ જ લાગે કે કાર્તિક પટેલને હવે કોઈ બચાવી નહી શકે, પીડિતોને ન્યાય મળશે, પણ વાસ્તવિકતા સાવ વિપરીત છે. આખી ચાર્જશીટમાં તે વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે કે કાર્તિક પટેલ પર વધારે આકરી જોગવાઈઓ ન લાગે.

આ જોતાં તેવી સંભાવના પ્રબળ બની છે કે કાર્તિક પટેલે ખ્યાતિ કૌભાંડનો પર્દાફાશ થયા પછી દુબઈમાં રહેવા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ સાથે સેટિંગ પાડી દીધુ હોવાનું મનાય છે. ખ્યાતિ કાંડનું આખુ તહોમતનામુ એ રીતે કરવામાં આવ્યું છે કે કાર્તિક પટેલ જાણે આ ઘટના માટે જવાબદાર નથી, પણ તેમની હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના બની છે. આમ આ બનાવને કૌભાંડ નહીં પણ એક ઘટનાનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. તેના પગલે કાર્તિક પટેલ સામે આગામી સમયમાં કેસ ચાલશે તે કેટલો પાંગળો હશે તે તેમની ચાર્જશીટ પર જ કહી આપે છે.

આ આખા કૌભાંડનો સૂત્રધાર કાર્તિક પટેલ છે, પણ આ ચાર્જશીટ મુજબ  કે કાર્તિક પટેલ આ કૌભાંડના બીજા આરોપીઓમાંનો એક આરોપી છે. આ કૌભાંડના બીજા આરોપીઓમાં ડો. પ્રશાંત વજીરાણી, ડો. ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી વગેરે નામો છે અને તેઓની ધરપકડ પણ થઈ ચૂકી છે.

આરોપીઓએ સરકારની PMJAY યોજનાનો ફાયદો ઉઠાવીને જરૂર ન હોય તેવા લોકોના પણ સ્ટેન્ટ નાખીને કરેલા ઓપરેશનોના લીધે અત્યાર સુધીમાં કુલ 54 લોકોનો ભોગ લઈ લીધો હોવાનું માનવામાં આવે છે. જો કે હાલમાં તેમની સામેનો કેસ તો બોરિસણામાં યોજેલા કેમ્પ પછી તેમને ત્યાં ઓપરેશન કરાયુ તે દર્દીઓના મોતનો જ છે.

આશ્ચર્યની વાત એ છે કે આ દળદાર ચાર્જશીટમાં કોઈ જ નવા સાક્ષી નથી. પહેલા હતા તેટલા જ છે. આરોપીઓ સામે આરોપ પુરવાર કરવા સાક્ષી તો જોઈએ ને, હવે આટલા મોટા કૌભાંડમાં જે લોકો તેનો ભોગ બન્યા હોય તે તો સાક્ષી હોયને, પણ અહીં તો તેમાના કેટલાય લોકોને સાક્ષી તરીકે લાવવામાં આવ્યા નથી. આ સંજોગોમાં કાર્તિક પટેલ આણી મંડળી સામે કેસ ચાલતા પહેલાં જ નબળો પાડી દેવામાં આવ્યો હોવાની વાતો થઈ રહી છે.

ખ્યાતિ કાંડમાં કુલ 30 સાક્ષી છે, તેમા સાત સાક્ષીઓના જ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા છે. ખ્યાતિ કાંડનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલનારો છે. ચાર્જશીટમાં નીલ નામની વ્યક્તિને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે, પણ તે કોણ છે તે જણાવાયું નથી. તેના અંગે કોઈ ફોડ જ પાડવામાં આવ્યો નથી.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે રજૂ કરેલી ચાર્જશીટ મુજબ આરોપીઓએ જંગી નફો મેળવવાની લાલચમાં માનવતાને વિસારે પાડી દઈને ગરીબ અને નબળા વર્ગના દર્દીઓ માટે કેમ્પ યોજતા હતા, તેમને ગંભીર બીમારી ન હોવા છતાં પણ ડરાવીને હોસ્પિટલ લાવીને તેમનું ઓપરેશન કરવામાં આવતું હતું. આ રીતે હોસ્પિટલોને દર્દી પૂરા પાડનારા ડોક્ટરોને હોસ્પિટલ કમિશન આપતી હતી. દર્દીનું અનાવશ્યક ઓપરેશન ફક્ત સરકારની PMJAY યોજનામાંથી રૂપિયા પડાવવા માટે કરવામા આવતું હતું. આ રીતે તેઓ સરકારની આ આયુષ્યમાન યોજનામાંથી 17 કરોડથી પણ વધુ રકમ ઉસેટી ચૂક્યા હોવાનુ આરોપનામામાં જણાવાયું હતું. આ ઉપરાંત તેઓ મીટિંગ કરીને ડોક્ટરોને વધુને વધુ દર્દીઓ લાવવાની તેઓ સૂચના આપતા હતા.

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સરકારે કરેલી કાર્યવાહીમાં કુલ 130 જણની પૂછપરછ કરવામાં આવી છે. હોસ્પિટલમાંથી 19 ઇલેક્ટ્રોનિક્સ પુરાવા કબ્જે કરાયા છે. આ ઉપરાંત હોસ્પિટલમાંથી 36 ફાઇલો અને 11 રજિસ્ટર પણ કબ્જે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત PMJAY યોજનામાં ગાંધીનગરમાંથી પણ ખ્યાતિએ કરેલા ઓપરેશન અંગેના દસ્તાવેજો મેળવાયા હતા. આ ઉપરાંત બજાજ આલિયાન્ઝ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પણ દસ્તાવેજો મેળવાયા છે. હોસ્પિટલના ઓડિટ રિપોર્ટની ચકાસણી થઈ છે અને તેના અંગે કંપની રજિસ્ટ્રારમાંથી પણ બધી વિગતો મેળવાઈ છે. તેના પછી ખ્યાતિ હોસ્પિટલમાંથી સારવાર કરનારાઓએ યુએન મહેતામાંથી સારવાર મેળવી હતી. તેના રિપોર્ટ પણ મેળવાયા હતા.

આમ આગામી દિવસોમાં કૌભાંડીઓ, ક્રાઇમ બ્રાન્ચ અને રાજકારણીઓની ત્રિપુટી મળીને ન્યાયિક પ્રક્રિયાના નામે આખા ખ્યાતિ કાંડ પર ઠંડુ પાણી રેડી દેશે તેમ માનવામાં આવે છે. આમ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોતાના સગાને ગુમાવનારા આગામી દિવસોમાં ન્યાય માટે હાથ ઘસતા રહી જાય તો આશ્ચર્ય નહીં થાય. મોટા માથા બચી જશે અને ગાળિયા માટે કોઈ બકરો ચોક્કસ શોધી લેવાશે અને વાત કોર્ટમાં ગઈ છે તો આ કૌભાંડના પીડિતોને હવે મળશે તો એક જ વસ્તુ અને તે છે તારીખ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !