ડુંગરે-ડુંગરે કાદુ તારાં ડાયરા, આ કહેવત વર્તમાન સંજોગોમાં કૌભાંડીઓના સંદર્ભમાં સાચી પડે છે. શહેરે-શહેરે કૌભાંડીઓ તારા કૌભાંડ તેમ કહી શકાય. શહેરો બદલાય છે, પરંતુ કૌભાંડ થતાં જ રહે છે, દરેક કૌભાંડને તેનો કૌભાંડી મળી રહે છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવા જ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે.આ જમીન કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. આ જમીન કૌભાંડ કલેક્ટરની દિગ્વિજય જાડેજાની તપાસમાં પકડાયું હતું.
વેરાવળમાં કરોડોની કિંમતની જમીનનો લે-આઉટ પ્લાન પાસ કરાવવા માટે તેના મહિલા સહિત કુલ ચાર જણાએ બોગસ માપણી સીટ રજૂ કરી હતી. તંત્રએ તો તેની નિષ્કાળજી દાખવતા આ પ્લાન પાસ કરી દીધો હતો, પરંતુ જાગૃત નાગરિકની ફરિયાદના પગલે કલેક્ટરે તપાસ હાથ ધરી હતી અને આ કૌભાંડ પકડી પાડ્યું હતું. અહીં પણ તપાસ દીનુ બોઘા સોલંકીના કેસમાં વિવાદાસ્પદ બનેલા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કરી હતી. હવે જે કલેક્ટરે ભૂતપૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીને છોડ્યા ન હોય તો કંઈ થોડો જમીન માપણીમાં છેડછાડ કરનારા ગુનેગારોને છોડે.
આ કૌભાંડનો ઘટસ્ફોટ થતાં હવે દોષિત ઠરેલા ચારેય ગુનેગારો સામે પોલીસ કાર્યવાહી હાથ ધરનાર છે. પોલીસ તપાસનો પણ ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી સમયમાં તેઓની ધરપકડ થઈ શકે છે. બીજી બાજુએ કૌભાંડનો પર્દાફાશ થવાથી વહીવટીતંત્રએ મંજૂર થયેલા લે આઉટ પ્લાનને રદ કરવા કાર્યવાહી હાથ ધરી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.
આ કૌભાંડ અંગે મળતી વિગત મુજબ વેરાવળના પ્રભાસ પાટણના સરવે નંબર 842-બ ની જમીન પર અંકુશ મેળવવાના ઇરાદાથી સરકારી રેકર્ડની માપણી શીટમાં છેડછાડ કરી લેઆઉટ પ્લાન મંજૂર કરાવ્યો હોવા અંગે જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. જિલ્લા વહીવટીતંત્રએ તો બધુ સાંગોપાંગ મંજૂર જ કરી દીધુ હતુ, પરંતુ જાગૃત નાગરિકની ફરિયાદમાં તંત્રને તો કશું ન લાગ્યું પરંતુ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને લાગ્યું કે આ ફરિયાદમાં કંઇક તથ્ય છે. તેના પગલે તેમણે તપાસ આદરી. આ તપાસ આદરતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હવે સરકારી રેકોર્ડ માપણીની શીટમાં છેડછાડ થઈ તેની તંત્રને ખબર પણ ન પડી, આ તો જાગૃત નાગરિકને કંઇક ઊંધું વેતરાયાની શંકા જતા તેણે અરજી કરી. તેના પગલે સરકારની રેકોર્ડ શીટમાં છેડછાડ થઈ હોવાનું જાણે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ચોંકી ઉઠ્યા હતા અને તેમને આ મામલો ગંભીર લાગ્યો હતો. સરકારી રેકોર્ડમાં છેડછાડ ગંભીર ગુનો કહેવાય છે.
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ મામલાની ગંભીરતા સમજીને તેને હાથ પર લીધો હતો અને જવાબદાર અધિકારીને આખા પ્રકરણની તપાસ સોંપી હતી. તેમણે અધિકારીને તપાસ કરીને રિપોર્ટ કરવા સૂચના આપી હતી. આ અધિકારીએ કરેલી તપાસમાં કોડીનારના રહેવાસી ભરત અતુલકુમાર ઠકરાર, હિતેશ ધીરજલાલ ઠકરાર, મનોજ ધીરજલાલ ઠકરાર અને હંસાબેન રવજીભાઈ પોપટ એમ ચાર સામે ફરિયાદ નોંધી હતી. તેઓએ તેમના અંગત ફાયદા માટે સરવે નંબર 842-બ પૈકીની બિનખેતીની જમીનનો લે આઉટ પ્લાન મંજૂર કરાવવા માટે આ સરવે નંબરની પશ્ચિમ દિશામાં આવેલ 10 મીટરના રસ્તાને ડી.આઇ.એલ.આર. કચેરી દ્વારા ઇશ્યુ કરાયેલ સરકારી માપણી શીટમાં છેડછાડ કરીને 18 મીટરનો બતાવીને ખોટો દસ્તાવેજ ઊભો કરાયો હતો. આ ખોટો દસ્તાવેજ ઊભો કરવામાં આવ્યો હોવાનું જાણતા હોવા છતાં તેના લે આઉટ પ્લાનની મંજૂરી મેળવવા સાચા પ્લાન તરીકે ઓનલાઇન અપલોડ કરવામાં આવ્યો હતો.
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં સરકારી રેકર્ડ સાથે છેડછાડ કરવામાં આવી છે. સરકારે મંજૂર કરેલો દસ ફૂટનો રસ્તો સીધો 18 ફૂટનો બતાવવામાં આવ્યો છે. આ બહુ ગંભીર ગુનો કહી શકાય. સરકારી રેકોર્ડ સામે ચેડા કરવા તે જેવી તેવી વાત નથી. આના પરથી ગુનેગારોની માનસિકતાનો ખ્યાલ આવે છે. તેઓ તેમના ફાયદા માટે આખા સરકારી રેકર્ડને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પ્રકારે રેકર્ડમાં છેડછાડ થાય તો તેના હેઠળ ચારેય આરોપીઓની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ કેસમાં બન્યું તેવું બીજા કોઈએ પણ કરાવ્યું છે કે નહીં તે શોધવા માટે પણ આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે મહેસૂલ ચોપડે અને જમીનના ચોપડે ચેક કરો કે આવો બનાવ એક જ છે કે આવા બીજા અનેક બનાવ નોંધાયા છે.
આમ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હાથમાં મામલો જવાના પગલે કૌભાંડીઓ પણ ફફડી ઉઠ્યા છે. તેમને લાગ્યું છે કે હવે તેમનું આવી બનવાનું છે. તંત્રની અંદર મિલીભગત કરીને કૌભાંડ તો કરી નાખ્યું, પણ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કોઈનું સાંભળે તેવા નથી, જો તે ભૂતપૂર્વ સાંસદને પણ ન છોડતા હોય તો પછી આપણી તો શી સ્થિતિ થાય, તેથી હવે ગુનેગારોમાં પણ ફફડાટ છે.
આ કિસ્સામાં આખી વાત એવી છે કે નગરપાલિકાના આઉટગ્રોથ (ઓ.જી.) વિસ્તારમાં નવી ટીપી સ્કીમના અમલીકરણ માટે ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેથી સરકારના સ્તરે આ વિસ્તારમાં ઝોનિંગ નક્કી થયા બાદ લે આઉટ અથવા બાંધકામ મંજૂરી આપવાના નિર્દેશ મુજબ પાલિકા તંત્ર દ્વારા સામાન્ય લોકો માટે નિયમ અમલમાં મૂકવામાં આવ્યા છે. આ બધી પ્રક્રિયા દરમિયાન થોડા સમય પહેલાં જ ચોક્કસ લોકોના લે આઉટ પ્લાન અને બાંધકામ માટે મંજૂરીઓ આપવામાં આવી છે. તેમા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવાનું કહેવામાં આવી રહ્યુ છે. તે જોતાં તો આ કૌભાંડને તો કદાચ પાશેરામાં પહેલી જ પૂણી ગણી શકાય. હવે જો આ કૌભાંડનો ગુનો નોંધાયો છે તો તેમા તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને બીજા વ્યવહારો પણ જોવામાં આવે તો આવા બીજા અનેક કૌભાંડ થઈ શકે છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
