અમદાવાદના ચંડોળા તળાવમાં જબરદસ્ત મેગા ડિમોલિશન થયું છે અને આખી ગેરકાયદે વસાહત સાફ કરવામાં આવી રહી છે. વર્ષોથી ગેરકાયદે વસવાટ માટે બદનામ ચંડોળા તળાવ અમદાવાદના માથા પર કલંક સમાન હતુ, હવે આ કલંક દૂર થઈ ગયું છે. આ સ્થળનું બ્યુટીફિકેશન કરીને તેને વિકસાવવામાં આવનાર છે.
આના પગલે હવે વડોદરામાં માંગ ઉઠી છે કે અમદાવાદમાં ચંડોળા તળાવમાં કરી તેવી કાર્યવાહી વડોદરાના આ પ્રકારના ચંડોળા તળાવ છે ત્યાં કરવામાં આવે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ વડોદરા નગરપાલિકાને આ પ્રકારના ચંડોળા તળાવ જેવા દબાણો દૂર કરવા ટકોર કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના ગેરકાયદે દબાણોના તાર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે.
અમદાવાદના ચંડોળ તળાવ મોડેલનું હવે વડોદરામાં પણ પુનરાવર્તન કરવાની માંગ ઉઠી છે. સાંસદ હેમાંગ જોશીએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે વડોદરા અસામાજિક તત્વો માટે જાણે સ્વર્ગ સમાન બની ગયું છે. હવે આ અસામાજિક તત્વોને સ્વર્ગ કે નર્ક ભેગા કરવાનો સમય આવી ગયો છે. તેની સાથે તેમણે વડોદરા નગરપાલિકાને તેમની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે વડોદરા મ્યુનિસિપાલિટીને જણાવ્યું હતું કે ગેરકાયદે દબાણો અંગે નોટિસો બહુ પાઠવી પણ હવે એક્શનનો સમય છે.
સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વડોદરામાં પણ ચંડોળા તળાવ જેવું જ દૂષણ બીજા તળાવનું છે, તેના કારણે અસામાજિક તત્વોનું જોર વધી ગયું છે. વડોદરામાં બનતાં દરેક ગુનાના તાર વડોદરાના આ ચંડોળા તળાવ સાથે જોડાયેલા હોવાનું માલૂમ પડ્યું છે. વડોદરામાં આવા કેટલાય હંગામી દબાણો હતાં તે સમય વીતવાની સાથે કાયમી થઈ ગયા છે. આમા કેટલાય મકાનો ચોક્કસ ધર્મના લોકોના હતા. તેની સાથે કેટલાય મકાનો બાંગ્લાદેશી ઘૂસણખોરોના પણ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. વડોદરામાં થતી ગુનાખોરીના તાર આ સ્થળોએથી જ મળે છે.
તેમણે જણાવ્યું હતું કે વડોદરાને બાંગ્લાદેશ બનતું અટકાવવું હોય તો વડોદરામાં ફેલાયેલા અનેક ચંડોળા તળાવ સામે અમદાવાદ જેવી કાર્યવાહી કરવી જરૂરી છે.
વડોદરાના સાંસદને વડોદરાના સયાજીગંજના વિધાનસભ્ય કેયૂર રોકડિયાએ પણ સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મારા પોતાના વિસ્તારમાં જ બે સ્થળ અત્યંત સંવેદનશીલ છે. આ સ્થળોએ અનેક ઘૂસણખોરો હોવાનું પણ માનવામાં આવે છે. આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપાલિટી હવે આ પ્રકારના મકાનોની યાદી પણ તૈયાર કરી રહી છે. તેમનું કહેવું હતું કે આ પ્રકારના તળાવોમાં બનેલા મકાનો સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ અને તે વહેલા કે મોડા કરવામાં આવશે. તેની સામે ચોક્કસપણે આકરાં પગલાં પણ લેવામાં આવશે. આ મકાનો પર ભવિષ્યમાં બુલડોઝર ફરી વળશે તે નિશ્ચિત છે. તેમા પણ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે. જ્યારે સ્થાનિકો હશે તો તેને માનવીય અભિગમ દર્શાવી સીએમ અને પીએમ આવાસ યોજનામાં મકાન આપવામાં આવશે.
આ અંગે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સૌથી પહેલાં તો વાત જ એ આવે કે આ ગેરકાયદેસરના મકાનો બન્યા કઈ રીતે. સરકારનો જ પરિપત્ર છે કે કોઈપણ જાહેર બાંધકામના 30 મીટરની અંદર બાંધકામ જ ન થઈ શકે. હવે તંત્રના જ ભ્રષ્ટ અધિકારીઓએ તેમના મળતિયાઓ સાથે સાંઠગાંઠ કરીને આ પ્રકારના મકાનો બનાવી દીધા છે. આ ભ્રષ્ટ અધિકારીઓ સરકારના જ પરિપત્રને ઘોળીને પી ગયા છે. હાલમાં હવે આ સ્થળો ચંડોળા તળાવ જેવા હોવાનો દાવો કરવામાં આવે છે તો પછી તેમને ત્યાં બધી સગવડો શું કામ આપવામાં આવી છે. તેમને બાંધકામની મંજૂરી કયા આધારે આપવામાં આવી છે. આટલી મોટી વસાહતો આ તળાવો જેવી જગ્યા પર ઊભી કઈ રીતે થઈ ગઈ. તેથી તંત્ર આ મકાનો પર બુલડોઝર પહેલાં તો તેના પોતાના ભ્રષ્ટાચારની તપાસ કરે તે જરૂરી છે. જો તેઓએ નિયમોનો ભંગ કર્યો જ ન હોત તો આ સ્થિતિ આવી ન હોત. બુલડોઝર એકશન લેવું જ પડ્યું ન હોત.
આ બધો ભ્રષ્ટાચાર કરી નાખ્યા પછી હવે તેમને યાદ આવે છે કે આ ગેરકાયદેસર છે, કેમ આ મકાનો ગરીબોના છે. તેઓનું કોઈ રણીધણી નથી, તેમનો કોઈ અવાજ નથી. તેમના માટે અવાજ ઉઠાવનાર કોઈ નથી એટલે બુલડોઝર ફેરવી દેવાનુ. બુલડોઝર હંમેશા આ ગરીબોના મકાનો પર જશું કામ ફરે છે, કયારેય કોઈ બંગલા પર બુલડોઝર ફરતું જોયું છે, ના કેમકે તે વગદાર લોકો છે, તેમનો રાજકીય પ્રભાવ છે. જ્યારે આ બિચારા ગરીબોનું કશું ઉપજતું નથી એટલે તેમને તેમાન જ મકાનોમાંથી રીતસર ઢોરોની જેમ હાંકી કાઢવામાં આવે છે.
વાસ્તવમાં સરકારે માનવી અભિગમ અપનાવીને તેઓના માટે પહેલાં કાચા મકાનો બનાવવા જોઈએ. તેમને પાકા મકાનો પૂરા પાડવા જોઈએ, તેના પછી તેના પર બુલડોઝર ફેરવવું જોઈએ. આખી પ્રક્રિયામાં ગરીબો પ્રત્યેનો માનવીય અભિગમ કેન્દ્રસ્થાને હોવો જોઈએ. બુલડોઝર ફેરવીને તેમને કંઈ રઝળતા મૂકી દેવા ન જોઈએ. છેવટે તે પણ ગુજરાતના જ વતની છે અને ગરીબ તો ગરીબ પણ ગુજરાતની જ પ્રજા છે. સરકારનું કામ પ્રજાના સશક્તિકરણનું છે, નહીં કે તેમના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાનું. આમ વડોદરામાં પણ હવે અમદાવાદના ચંડોળા તળાવ જેવી વસાહતો દૂર કરવાનો મુદ્દો શાસક અને વિપક્ષ વચ્ચે આગામી દિવસોમાં મોટો રાજકીય રંગ પકડી શકે છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
