MANTAVYA Vishesh/ આઇટી અધિકારી કરનાનીને લાંચ માંગવી ભારે પડી, સીબીઆઈના દરોડા

ગુજરાત લાંચીયા અધિકારીઓ માટે દૂઝણી ગાય છે. રાજ્યમાં સરકારી હોદ્દા પર બીજા રાજ્યમાંથી આવેલા કેટલાય અધિકારીઓએ ગુજરાતમાં લાંચ લઈ-લઈને કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે અને આ રૂપિયા રીતસર બજારમાં બેથી ત્રણ ટકાએ ફેરવ્યા છે.

Mantavya Vishesh

ગુજરાત લાંચીયા અધિકારીઓ માટે દૂઝણી ગાય છે. રાજ્યમાં સરકારી હોદ્દા પર બીજા રાજ્યમાંથી આવેલા કેટલાય અધિકારીઓએ ગુજરાતમાં લાંચ લઈ-લઈને કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે અને આ રૂપિયા રીતસર બજારમાં બેથી ત્રણ ટકાએ ફેરવ્યા છે. રૂપિયો રૂપિયાને ખેંચે તે ન્યાયે આ અધિકારીઓ કરોડપતિ થઈ ગયા છે. પણ કહેવાય છે કે ક્યારેક તો પાપનો ઘડો ભરાય જ છે. આ ન્યાયે રૂ. 30 લાખની લાંચના કેસમાં અમદાવાદના ઇન્કમ ટેક્સ અધિકારી સંતોષ કરનાનીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.

કરનાનીએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યુ હતું તેવા ઇન્ફિનિયમ ટોયોટાના અજીત મહેતાના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાના રોકાણની અને છૂપાવેલી આવકની વિગત મેળવી લીધી છે. આ વાત પાછી ફક્ત કરનાની સુધી જ સીમિત નથી, આવા ઘણા સરકારી અધિકારીઓ છે જેમના કરોડો રૂપિયા બજારમાં ફરી રહ્યા હોવાનું બીજું કોઈ નહીં આવકવેરા વિભાગ માને છે. આ અધિકારીઓએ રાજ્યમાં તેમના હોદ્દા પરના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની રકમ એકત્રિત કરી છે. આ રકમ ભ્રષ્ટાચાની હોઈ તેને ખાતામાં તો બતાવી શકાય તેમ ન હોવાથી તે રકમ વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અથવા તો બજારમાં મહિને બેથી ત્રણ ટકાના વ્યાજે ફેરવવામાં આવે છે.

આ અધિકારીઓએ ભ્રષ્ટાચારના લાખો-કરોડો રૂપિયાની મદદથી જુદી-જુદી એજન્સીઓ લીધી છે,  વિવિધ ફ્રેન્ચાઇઝીઓ લીધી છે. ઓફિસો ખરીદી છે. હોટેલો કે ફાસ્ટ ફૂડની ફ્રેન્ચાઇઝીઓ ખરીદી છે. કેટલાકે તો પોતાની હોટેલ અને ફાસ્ટ ફૂડ કાઉન્ટર શરૂ કર્યા છે. હવે મહેતા પાસે સંતોષ કરનાની ઉપરાંત કોના-કોના રૂપિયા છે તેની પણ તપાસ ચાલી રહી છે.

આ ઉપરાંત હવે રાજ્યમાં ભ્રષ્ટાચાર રોકડ જ સ્વરૂપમાં તો ચાલે છે, પરંતુ તેની નીતનવી તરકીબો પણ શોધી કાઢી છે. અધિકારીઓ હવે સીધી ભ્રષ્ટાચારના રૂપિયા લેવાના બદલે લાંચ આપનારને કહી દે છે કે પત્ની કે સંતાનના નામે કોઈ એજન્સી અપાવી દે, કોઈ બિલ્ડરની સ્કીમ હોય તો તેમા દુકાન પણ આ જ રીતે લઈ લેવાય છે. બસ ઉસેટતા જ જાવ, કચરાવાળો જે રીતે રસ્તા પરથી કચરો ઉસેટે છે, તેમ આ અધિકારીઓ ગુજરાતમાં લાંચ માંગીને રૂપિયા ઉસેટે છે.

પણ આ વખતે ઇન્કમ ટેક્સ અધિકારી સંતોષને આટલા સમયથી લાંચ માંગવા છતાં સંતોષ થયો ન હતો. જાણીતા બિલ્ડર પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ લેવા જતાં હવે કાયમ માટે બ્લેકલિસ્ટ થવાનો સમય આવે તેવી સંભાવના છે.

એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ તો કરનાની સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી દીધી છે, પણ વગદાર કરનારની પોતાની વગનો ઉપયોગ કરીને બચવામાં સફળ રહ્યા હતા. પણ કરનાનીએ અહીં મોટા બિલ્ડર સાથે માથાકૂટ કરી હોવાથી મામલી વધી ગયો હતો, એસીબીએ મામલો ન પતતા છેવટે આ મામલો સીબીઆઈ પાસે પહોંચ્યો છે.

સીબીઆઈએ કરનાનીના ઘર અને ઓફિસ સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ ઉપરાંત તેના સગાસંબંધી અને મિત્રો તથા ભાગીદારોને ત્યાં તથા તેણે જેને રૂપિયા ફેરવવા આપ્યા હોવાનું માનવામાં આવે છે તેને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈએ આ દરોડામાંથી મળેલી વિવિધ માહિતીઓના પગલે દરોડાની આગામી સીરીઝની તૈયારી આદરી છે.

આગામી દિવસોમાં ઇન્ફિનિયન ટોયોટાની જેમ અનેક એજન્સીઓને ત્યાં સીબીઆઈના દરોડા પડે તો આશ્ચર્ય ન થવું જોઈએ. હવે વિચાર કરો કે જો લાંચ જ 30 લાખ રૂપિયાની હોય તો પછી પ્રોજેક્ટ કેટલો મોટો હશે જેને પાસ કરાવવા માટે અધિકારીએ લાંચ જ માંગી હશે. આ તો મોટા બિલ્ડરની વાત હતી એટલે લાંચીયા અધિકારીનો પર્દાફાશ થયો, પણ તંત્રમાં તો આવા કેટલાય લાંચીયા અધિકારી હશે જે રીતસર લાંચના રૂપિયામાં જ નહાતા હશે.

આ પ્રકારના લાંચીયા અધિકારીઓના લીધે તો ટીઆરપી મોલ જેવા કાંડ થાય છે, જે પ્રોજેક્ટ જોઈને નહીં પણ રૂપિયા જોઈને મંજૂરીઓ પાસ કરે છે. ગુજરાતની સમૃદ્ધ ધરતીને આ લાંચીયા અધિકારીઓ રીતસર તેમની લાંચ વડે બરબાદ કરી રહ્યા છે. સરકારમાં હવે કયા અધિકારી લાંચ લેતા નથી તે કહેવું મુશ્કેલ થઈ પડ્યું છે. લાંચને જાણે શિરસ્તા તરીકે સ્વીકારી લેવામાં આવી છે.

સરકારમાં સરકારી વિભાગના જેટલા ટેબલ તેટલી લાંચ લેવાય છે. દરેક ફાઇલ પર વજન મૂકવુ પડે છે. ઓનલાઇન વ્યવહારના સમયમાં પણ લાંચનો શિરસ્તો ગયો નથી, પણ લાંચે પણ આધુનિક એવું બિટકોઇનનું સ્વરૂપ પકડ્યું છે. હા, કેટલાક તો બિટકોઇનમાં લાંચ લે છે. આવકવેરા વિભાગની ટીમને સરકારી અધિકારીઓના રૂપિયા ફેરવનારાઓની યાદી કરવાનું કામ સોંપાયું છે, પણ શું આ લાંચીયા અધિકારીઓએ તેમની પાસે સંપત્તિ કઈ રીતે ભેગી કરી તે બદલ તેમની સામે આવકની તુલનાએ અપ્રમાણસર મિલકતનો કોઈ કેસ થતો નથી. આ બાબત જ ભાવિ તપાસ કઈ દિશામાં જશે તે બતાવી આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી