Surat News : સુરતની સિવિલ હોસ્પિટલની રેઢિયાળ વ્યવસ્થાના સમાચાર સામે આવ્યા છે. જેમાં હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં એક દર્દીને સમયસર સારવાર ન મળતી હોવાનો અને ફરજ પરના ડોકટર આરામ ફરમાવતા હોવાના આક્ષેપ સાથેનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં દર્દીના સગા હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. રાત્રિના સમયે દર્દીની સારવાર માટે તબીબ હાજર ન હોવાનું અને જે હાજર છે તે તાત્કાલિક કામ ન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ સમયે હોસ્પિટલ સિક્યોરિટી પણ હાજર જોવા મળી રહી છે અને વીડિયો ઉતારી રહેલા યુવકને શૂટિંગ બંધ કરવાનું કહી રહ્યા છે. વાઈરલ વીડિયો બાદ હોસ્પિટલ તંત્રએ સ્ટાફના નિવેદન લઈ વધુ કાર્યવાહી શરૂ કરી છે.મળતી માહિતી પ્રમાણે, રાત્રે 3 વાગ્યા આસપાસ એક યુવકને પેટમાં દુખાવો થતો હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેને ખૂબ જ દુખાવો થતો હોવાથી કણસી રહ્યો હતો, જેથી તેને ઇમર્જન્સી વિભાગમાં ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઇમર્જન્સી વિભાગમાં આ યુવકને દાખલ કરવામાં આવ્યો હતો, જોકે થોડો સમય થઈ ગયો હોવા છતાં પણ તેની સારવાર કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે યુવક સાથે આવેલા પરિવારજનમાંથી એક યુવક દ્વારા આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.વીડિયોમાં નજરે પડે છે કે યુવક દુખાવાને કારણે કણસી રહ્યો છે અને તડફડિયાં મારી રહ્યો છે. રાતના બે વાગ્યા હોવા છતાં પણ ડોક્ટરો હાજર ન હતા. ત્રણ જેટલા ડોક્ટરો હાજર હતા. જે પૈકી બે જેટલા ડોક્ટરો સૂતેલા હતા અને એક મહિલા ડોક્ટર મોબાઇલમાં ગેમ રમી રહ્યા હોવાનો વીડિયોમાં આક્ષેપ કરાયો છે. અન્ય બે નર્સિંગ સ્ટાફ પણ હતો.
યુવક દર્દના કારણે બેડ પર જ કણસી રહ્યો હતો. જોકે આ ત્રણમાંથી એક પણ ડોક્ટર ઊભા થયા ન હતા. યુવકે વીડિયો બનાવવાનુ શરૂ કરતાં એક ડોક્ટર ઊભો થઈને માત્ર તપાસ કરીને ફરી પરત આવીને બેસી ગયો હતો.દર્દીના સંબંધી યુવક દ્વારા વીડિયો બનાવવામાં આવી રહ્યો હોવાની જાણ તાત્કાલિક સિક્યોરિટીને કરી દેવામાં આવી હતી, જોકે દર્દીની સારવાર કરવા માટે કોઈપણ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા ન હતા. આ દરમિયાન સિક્યોરિટી પહોંચી જતાં તેણે આ યુવક પાસેથી મોબાઇલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને તારે જેને આપવું હોય તેને આપી દે અને જેટલો વીડિયો બનાવવો હોય એટલો બનાવી લે એવું કહ્યું હતું.
આ યુવક દ્વારા છ મિનિટ જેટલો આ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને એ દરમિયાન તેની કોઈપણ પ્રકારની સારવાર શરૂ કરવામાં આવી ન હતી.વીડિયો બનાવી રહેલા યુવક પર વીડિયો બંધ કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન સિક્યોરિટીના હેડ પણ ત્યાં પહોંચી ગયા હતા અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવક એક જ વાત કરી રહ્યો હતો કે ત્યાં સુધી આ દર્દીની સારવાર શરૂ નહીં થાય ત્યાં સુધી વીડિયો બંધ કરવામાં નહીં આવે.
પછી તમે મને પોલીસને સોંપી દેશો તોપણ ચાલશે, પણ આ દર્દીની પહેલા સારવાર શરૂ કરો. આ સાથે જ પોલીસમાં જઈને વીડિયો ડિલિટ કરવાની પણ વાત કરી હતી.સુરત સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે આ વાઇરલ વીડિયો બાબતે ટ્રોમા સેન્ટરમાં હાજર ડોક્ટરો નર્સિંગ સ્ટાફ, સીએમેઓ સહિતનાં નિવેદનો લેવાયા. આ વીડિયોમાં દર્દી દ્વારા પેટમાં દુખતું હોવાનું અને બેક પેઈન થઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેથી આ બાબતે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સુરત સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે, આ વાઈરલ વીડિયો બાબતે ટ્રોમા સેન્ટરમાં હાજર ડોક્ટરો નર્સિંગ સ્ટાફ, સીએમેઓ સહિતના નિવેદનો લેવામાં આવ્યા હતા. દર્દી પેટના દુખાવાનું હતું અને વીડિયોમાં બેક પેઈન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામના નિવેદન અને CCTVની તપાસ બાદ જાણવા મળ્યું છે કે, આ દર્દી ચાલતા-ચાલતા ઈમરજન્સી વિભાગમાં આવ્યો હતો અને 10 મિનિટ બાદ તેની તમામ સારવાર શરૂ થઈ ગઈ હતી.
જ્યારે આ દર્દી આવ્યા ત્યારે ઇમરજન્સી વિભાગમાં જે-તે ફરિયાદના ડોક્ટર હાજર ન હતા, તે અન્ય ઈમરજન્સી દર્દીની સારવાર કરી રહ્યા હતા તેમછતાં પણ તમામ ડોક્ટરોને આ બાબતે સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ સિક્યુરિટી સ્ટાફને પણ કડક સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:ચંડોળામાં ફેઝ 1માં દોઢ લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાઈ, 190 બાંગ્લાદેશીઓ ઝડપાયા
આ પણ વાંચો:કચ્છના ધોરડોમાં અંદાજે દસ જેટલા રિસોર્ટ પર ફેરવાયું બુલડોઝર
