Gandhinagar News/ અમદાવાદ-ગાંધીનગરમાં મંજૂરી વગર રાતોરાત રિક્ષા ભાડું વધ્યું, ભાડું હવે ₹20ને બદલે ₹30 થયું

Ahmedabad Auto Rickshaw Fare Hike: અમદાવાદ અને ગાંધીનગરમાં સીએનજીના ભાવવધારા વચ્ચે રિક્ષા એસોસિએશને સરકારની મંજૂરી વગર રાતોરાત ભાડું વધાર્યું છે. મિનિમમ ભાડું ₹20થી વધીને ₹30 થયું છે.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat
Ahmedabad Auto Rickshaw Fare Hike

Ahmedabad Auto Rickshaw Fare Hike: અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં રોજ રિક્ષામાં મુસાફરી કરતા લાખો નાગરિકોના ખિસ્સા પર આજથી મોટો આર્થિક બોજ વધવા જઈ રહ્યો છે. સરકારની રેટ કમિટીની કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી કે મહોર વગર જ, રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રાતોરાત સ્વૈચ્છિક રીતે રિક્ષાના ભાડામાં ધરખમ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે અને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. નવા જાહેર કરાયેલા દરો મુજબ, હવે રિક્ષાનું મિનિમમ ભાડું ₹20થી વધારીને સીધું ₹30 કરી દેવાયું છે.

જૂના સચિવાલય ખાતે રિક્ષાચાલકોનો હલ્લાબોલ

આ અગાઉ, ગાંધીનગર સ્થિત જૂના સચિવાલય ખાતે આજે સવારથી જ મોટી સંખ્યામાં રિક્ષાચાલકો એકઠા થયા હતા અને પોતાની પડતર માંગણીઓ મુદ્દે જોરદાર હલ્લાબોલ કર્યો હતો. વાહન વ્યવહાર કમિશનરની કચેરી બહાર એકત્રિત થયેલા ચાલકો અને વિવિધ એસોસિએશને સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિક્ષાચાલકોની મુખ્ય માંગણી એ છે કે રિક્ષાનું લઘુત્તમ (મિનિમમ) ભાડું વધારીને ₹50 કરવામાં આવે અને તે પછીના પ્રતિ કિલોમીટરના દરમાં ₹20નો વધારો મંજૂર કરવામાં આવે. આ ગંભીર મુદ્દે એસોસિએશનના હોદ્દેદારો અને વાહન વ્યવહાર કમિશનર વચ્ચે જૂના સચિવાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી.

છેલ્લા 4 વર્ષથી રેટ કમિટીની બેઠક જ ન મળી

રિક્ષાચાલકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, વર્ષ 2022 બાદ સરકાર દ્વારા ભાડાના દરો નક્કી કરતી રેટ કમિટીની કોઈ સત્તાવાર બેઠક જ બોલાવવામાં આવી નથી. છેલ્લા 4 વર્ષથી ભાડાની કોઈ સમીક્ષા ન થતાં રિક્ષાચાલકો જૂના અને નુકસાનકારક દરો પર જ ધંધો કરવા મજબૂર બન્યા હતા. ચૂંટણી પહેલાં નેતાઓ દ્વારા એવી મૌખિક ખાતરી આપવામાં આવી હતી કે પરિણામો જાહેર થયા બાદ તુરંત જ ભાડા વધારા અંગે યોગ્ય નિર્ણય લેવાશે. જો કે, લાંબો સમય વીતી જવા છતાં સરકાર તરફથી કોઈ જાહેરાત ન થતાં આખરે ચાલકોની ધીરજ ખૂટી છે.

Ahmedabad Auto Rickshaw Fare Hike

CNG ગેસમાં ₹7નો તોતિંગ ભાવવધારો બન્યો મુખ્ય કારણ

રિક્ષાચાલકોના આ આક્રમક વલણ પાછળ તાજેતરમાં જ સીએનજી (CNG) ગેસના ભાવમાં પ્રતિ કિલો થયેલો ₹7 સુધીનો મોટો વધારો જવાબદાર છે. મોંઘવારી અને ગેસના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રિક્ષાચાલકોનું કહેવું છે કે જૂના ભાડા મુજબ રિક્ષા ચલાવવાથી તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેઓ ખોટ ખાઈને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. હવે પરિસ્થિતિ સહન શક્તિની બહાર જતા એસોસિએશને આરપારની લડાઈના મૂડમાં આવીને આ નિર્ણય લીધો છે.

હવે મુસાફરોએ Auto Rickshawમાં કેટલું ભાડું ચૂકવવું પડશે?

સરકારના સત્તાવાર આદેશની રાહ જોયા વિના જ અમલી બનેલા નવા રેટ કાર્ડ મુજબ મિનિમમ ભાડું એટલે કે લઘુત્તમ દરમાં વધારો કરીને હવે ₹20ના બદલે સીધા ₹30 ચૂકવવા પડશે. આ ઉપરાંત રનિંગ ભાડાની વાત કરીએ તો, મિનિમમ અંતર પૂરું થયા બાદ પ્રતિ કિલોમીટરના દરમાં ₹5 નો વધારો કરાયો છે, એટલે કે હવે મુસાફરોએ ₹15 ના બદલે પ્રતિ કિલોમીટર ₹20 ચૂકવવા પડશે.

રિક્ષા એસોસિએશને સામાન્ય જનતા અને ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ રિક્ષાચાલકોની મજબૂરી અને મોંઘવારીને સમજીને આ નવું પ્રસ્તાવિત ભાડું ચૂકવવામાં સહકાર આપે. જો કે, બીજી તરફ તંત્ર દ્વારા આ બિનસત્તાવાર વધારા સામે કોઈ કાયદાકીય પગલાં લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.


આ પણ વાંચો :  રાજકોટમાં રેપિડો રિક્ષાચાલકોનો હલ્લાબોલ, ભાડું 15 થી ઘટાડી 12 કરાતા હડતાળની ચીમકી

આ પણ વાંચો :  અમદાવાદમાં રિક્ષા ભાડામાં ઝીંકાયો તોતિંગ વધારો, મિનિમમ ભાડું રૂ. 30 અને કિલોમીટર દીઠ રૂ. 20 કરાયું

આ પણ વાંચો :  CNGના ભાવ 2.50 વધતા ઓટોરિક્ષા એસોસિએશને મિનિમમ ભાડું 30 રૂપિયા કરવાની કરી માંગ