Rapido Auto Strike Rajkot: ગાળી નાખે તેવી ઉનાળાની ગરમીમાં, ટ્રાફિક અને ધૂળ વચ્ચે આખો દિવસ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટ પાળતા ગરીબ અને મધ્યમવર્ગીય રિક્ષાચાલકો માટે અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે. ડિજિટલ યુગમાં સુવિધાના નામે આવેલી એપ-બેઝ્ડ કંપનીઓ કઈ રીતે ગરીબનો કોળિયો છીનવી શકે છે, તેનું તાજું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું છે. ‘રેપિડો’ (Rapido) કંપનીએ ઓટો ચાલકોને અપાતા પ્રતિ કિલોમીટરના ભાડામાં અચાનક ઘટાડો કરી દેતા, રાજકોટના 300 થી વધુ રિક્ષાચાલકોની ધીરજ ખૂટી ગઈ છે અને તેઓ ન્યાય માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
Rajkot: 15 રૂપિયામાંથી 12 રૂપિયા કેમ કરી નાખ્યા?
આકરી મોંઘવારીમાં જ્યારે પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવ આસમાને છે, ત્યારે રેપિડો કંપનીએ 20 એપ્રિલથી પોતાના રિક્ષાચાલકોને અપાતા ભાડામાં સીધો 3 રૂપિયાનો કાપ મૂકી દીધો છે. અગાઉ ચાલકોને પ્રતિ કિલોમીટર 15 થી 15.60 રૂપિયા મળતા હતા, જે ઘટાડીને હવે માત્ર 12 રૂપિયા કરી દેવાયા છે.
પરિવારનું ગુજરાન ચલાવતા આ ચાલકો માટે પ્રતિ કિલોમીટરે 3 રૂપિયાનો કાપ દિવસના અંતે તેમની રોજિંદી આવક પર મોટો ફટકો મારે છે. આ શોષણ સામે અવાજ ઉઠાવવા આજે 300 જેટલા રિક્ષાચાલકો રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે એકઠા થયા હતા અને કંપનીની ઓફિસ સુધી રેલી કાઢીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

“ન્યાય નહિ મળે તો કામકાજ બંધ કરી દઈશું”
રિક્ષાચાલકોની પીડા શબ્દોમાં વર્ણવતા કેતન વોરા અને રાહુલ પટેલ જેવા ચાલકો જણાવે છે કે, “અમે ગુજરાત રિક્ષા એસોસિએશનના નિયમ મુજબ સરકારી ભાવ (પ્રતિ કિમી ₹18) ની તો માંગણી કરતા જ નથી, અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે અમને અગાઉ જે ₹15 મળતા હતા તે જ ફરીથી શરૂ કરી આપો.” પરસેવાની કમાણીમાં થયેલા આ ઘટાડાથી ત્રસ્ત ચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ નહિ સંતોષાય તો રાજકોટમાં રેપિડોનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
ગ્રાહકો લૂંટાય છે, પણ ચાલકોને શું મળે છે?
આ સમગ્ર વિવાદની પાછળ એક અત્યંત ચોંકાવનારી અને કડવી વાસ્તવિકતા છુપાયેલી છે. જ્યારે મીડિયા રિપોર્ટ્સ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે એપ પર બહુમાળી ભવનથી લીમડા ચોક સુધીના માત્ર 1 કિલોમીટરના અંતર માટે ગ્રાહકને 45 રૂપિયા ભાડું દર્શાવવામાં આવ્યું હતું!
જરા વિચારો… ગ્રાહક પાસેથી 1 કિલોમીટરના 45 રૂપિયા વસૂલવામાં આવે છે, જ્યારે તે જ 1 કિલોમીટર કાપવા માટે તડકામાં શેકાતા રિક્ષાચાલકના હાથમાં માત્ર 12 રૂપિયા મૂકવામાં આવે છે. બાકીની માતબર રકમ કોર્પોરેટ કંપનીના ખિસ્સામાં જાય છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે સુવિધાના નામે આખરે ગ્રાહક અને શ્રમજીવી વર્ગ બંનેનું આર્થિક શોષણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: રાજકોટના ગોંડલ રોડ પર ઈકો અને સ્કોર્પિયો વચ્ચે ભયાનક અકસ્માત, 2ના મોત
આ પણ વાંચો: રાજકોટના આજી ડેમમાં કરુણ દુર્ઘટના: ચાર મિત્રો ડૂબ્યા, ત્રણના મોત, એક લાપતા
આ પણ વાંચો: રાજકોટમાં કાળઝાળ ગરમીનો કહેર, હીટસ્ટ્રોકથી છેલ્લા 48 કલાકમાં 2 મોત
