Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ હજી માંડ-માંડ શાંત થયા છે ત્યાં બીજો વિવાદ સર્જાયો છે. અમદાવાદમાં કુબેરનગર વોર્ડના હાલના નગરસેવક કલ્પનાબેન સુરજભાઈ નવલેકર સામે બનાવટી એલસી (લિવિંગ સર્ટિફિકેટ) રજૂ કરવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે તેમના ચૂટણી ઉમેદવારી ફોર્મમાં કૃષ્ણનગર વિદ્યાવિહાર સ્કૂલનું ખોટું અને બનાવટી સ્કૂલ લિવિગ પ્રમાણપત્ર રજૂ કર્યુ હતુ.
જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે આદેશ આપ્યા પછી શાળા સંચાલકે દાખલ કરેલી ફરિયાદના આધારે રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે હોબાળો મચાવ્યો છે. મણિનગર વિસ્તારના રહેવાસી અને ઉદ્યોગપતિ 68 વર્ષીય અશોકકુમાર કાંતિલાલ પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેઓ છેલ્લા 20 વર્ષથી ભાવના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઇ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી છે.
તેમની ફરિયાદ મુજબ, કલ્પનાબેન નવલેકરે તેમની શાળામાં ક્યારેય અભ્યાસ કર્યો ન હોવા છતાં, શાળાના નામે ખોટુ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હતું અને 2026ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે તેમના નામાંકન દરમિયાન તેનો દુરુપયોગ કર્યો હતો. કલ્પનાબેને તેમની શાળાના નામે ખોટા પુરાવા ઉભા કરીને ગુનો કર્યો હોવાથી તેમણે કાયદેસરની કાર્યવાહી કરી છે.
મોટેરાના રહેવાસી ચિરાગ પ્રવિણચંદ્ર શાહે 24 એપ્રિલે જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી સુપરત કરી ત્યારે આ કૌભાંડનો ખુલાસો થયો. આ અરજીના આધારે, શિક્ષણ નિરીક્ષક આર.એમ. માકડિયા અને સહાયક શિક્ષણ નિરીક્ષક હિમાંશુ સી. વ્યાસે પ્રાથમિક તપાસ હાથ ધરી અને શાળાના રેકોર્ડની ચકાસણી કરી. તપાસમાં જાણવા મળ્યું કે કલ્પનાબેને રજૂ કરેલા એલસીમાં જી.આર. નંબર 1248 અને એલ.સી. અંક નંબર 3194 દર્શાવવામાં આવ્યો છે, જ્યારે મૂળ શાળા રજિસ્ટરમાં જી.આર. નંબર 1248 પર ચાવડા હસમુખભાઈ મધુકાંત અને એલ.સી. પર સોની અંકિતકુમાર ગિરીશભાઈનું નામ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત 3,194 નંબરના એલસીને લઈ ઉલ્લેખિત તારીખે શાળાના રજિસ્ટરમાં કલ્પનાબેનના નામની કોઈ નોંધ મળી ન હતી. આ સ્પષ્ટ તપાસ અહેવાલના આધારે, જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ, તમામ આઠ દસ્તાવેજી પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
