MANTAVYA Vishesh/ કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

કડી-વિસાવદરની ચૂંટણીની તારીખની ચૂંટણીપંચે જાહેરાત કરી દીધી છે. 19મી જૂને થનારી આ ચૂંટણીની સૌથી મહત્વની વાત એ છે કે આ ચૂંટણીજંગ ત્રિપાંખિયો રહેવાનો છે. ફેબ્રુઆરીમાં ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડી હતી અને ભૂપત ભાયાણીના રાજીનામાના પગલે વિસાવદરની બેઠક ખાલી પડી હતી. હવે આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે.

Mantavya Vishesh

કડી-વિસાવદરની ચૂંટણીની તારીખની ચૂંટણીપંચે જાહેરાત કરી દીધી છે. 19મી જૂને થનારી આ ચૂંટણીની સૌથી મહત્વની વાત એ છે કે આ ચૂંટણીજંગ ત્રિપાંખિયો રહેવાનો છે. ફેબ્રુઆરીમાં ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડી હતી અને ભૂપત ભાયાણીના રાજીનામાના પગલે વિસાવદરની બેઠક ખાલી પડી હતી. હવે આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે.

આપે આ બંને બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસ સાથે જોડાણના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ગુજરાતમાં ભૂતકાળના અનુભવો પરથી બોધપાઠ શીખેલી કોંગ્રેસ રાજ્ય સ્તરે તેની સાથે જોડાણ કરવા તૈયાર ન થઈ. કોંગ્રેસની કારોબારીની 18મી એપ્રિલે સર્કિટ હાઉસની બેઠક મળી હતી. તેમા ખાસ્સા વિચારવિમર્શ પછી વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સાથે જોડાણ ન કરવાનો નિર્ણય લેવાયો હતો. આપે હરિયાણામાં કોંગ્રેસને જે રીતે નુકસાન પહોંચાડ્યું તેમાથી કોંગ્રેસ બોધપાઠ શીખી છે.

કોંગ્રેસનું માનવું છે કે આમ આદમી પાર્ટી ગઠબંધન ધર્મનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. તેથી કોંગ્રેસ આમ આદમી પાર્ટી (આપ) સાથે રાષ્ટ્રીય સ્તરે જોડાણ જારી રાખવાની તરફેણમાં છે, પરંતુ પ્રાદેશિક સ્તરના જોડાણની વાત તેણે પ્રાદેશિક નેતાઓના હાથમાં સોંપી દીધી છે. ઇશુદાન ગઢવી કોંગ્રેસને વિનંતી કરીકરીને થાકી ગયા કે વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે કોઈ ઉમેદવાર ન ઊભો રાખે, પરંતુ કોંગ્રેસ ટસની મસ થઈ નથી. તેથી ગોપાલ ઇટાલિયાએ પોતે જ ફૂટવર્ક શરૂ કરી દીધું છે. હવે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો બધો આધાર ગોપાલ ઇટાલિયાના ફૂટવર્ક પર જ છે. તે કેટલી હિંમતથી ફ્રન્ટફૂટ પર આવીને રમે છે અને વિવિધ પ્રકારની પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે છે તેના પર છે.

ગોપાલ ઇટાલિયાએ આ સ્થિતિને પહેલેથી જ ભાખી લઈને ઉમેદવાર તરીકે નીમાયા પછી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તે જાણે છે કે પ્રજાના પ્રશ્નોને ઉઠાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ આપણને સમર્થન નહીં આપે. આ વાતને સારી રીતે જાણીને તેમણે લોકોપ્રયોગી કાર્યક્રમો શરૂ કરી દીધા છે. તેમણે જગતના તાત કહેવાતા ખેડૂતોની સુધ લેવા માંડી છે. ખેડૂતોના પ્રશ્નોનો અભ્યાસ કરવા માંડ્યો છે. તેમની તકલીફો નિવારવા માટે આંદોલન લેવાની ધમકી આપવા માંડી છે.

આ બધામાં શાસક પક્ષ ભાજપને સૌથી વધુ મજા પડી ગઈ છે. કોંગ્રેસ અને આપનું જોડાણ થવાનું નથી તેથી ભાજપને લાગે છે કે આના કારણે તેને સૌથી મોટો ફાયદો થશે.

ભાજપના પ્રધાન ઋષિકેશ પટેલે દાવો કર્યો હતો કે અમે કડી અને વિસાવદર બંને પેટાચૂંટણી સારી રીતે જીતીશું. સારા એવા માર્જિનથી જીતીશું. પક્ષના  વિકાસના કામો અને પીએમ મોદીનું વિકાસનું વિઝન લોકો સુધી પહોંચ્યું છે અને તેથી અમે બંને બેઠકો જીતી જઈશું.

ભાજપને અન્ય આગેવાને જણાવ્યું હતું કે કડીની બેઠક ભાજપ પાસે લગભગ ત્રણ દાયકાથી જ છે તેમ કહી શકાય. આ બતાવે છે કે પક્ષનું અહીં કેવું પ્રભુત્વ છે. ભાજપ પાસે નિષ્ઠાવાન કાર્યકરોની ફોજ છે. કોંગ્રેસે ઉમેદવાર શોધવા જવો પડે તેવી સ્થિતિ છે. જ્યારે અમારી પાસે એક-એક બેઠકના દસ-દસ ઉમેદવાર છે. આ બાબત જ બંને પક્ષ વચ્ચેનું અંતર બતાવે છે. તેથી આ ચૂંટણીમાં પણ અમે અગાઉની જેમ કોંગ્રેસને ક્યાંય દેખાવવા જ નહીં દઈએ.

જ્યારે કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે કોંગ્રેસે કડી અને વિસાવદરની પેટાચૂંટણી માટે  તૈયારીઓ કરી દીધી છે. ગુજરાતની પ્રજા ત્રીજા પક્ષને સ્વીકારતી ન હોવાથી અમે ચૂંટણીલક્ષી જોડાણ કર્યું નથી. અમે આ દિશામાં અમારા બૂથ સ્તર સુધી કામ શરૂ કરી દીધું છે. દરેક બૂથ માટે અમે દસ-દસ કાર્યકરોને લગાડ્યા છે અને આ દસ-દસ કાર્યકરોને સો-સો લોકો સુધી પહોંચીને ભાજપની નિષ્ફળતાઓ અંગે જણાવવા કહેવામાં આવ્યું છે. ભાજપના ભ્રષ્ટાચારની માહિતી પહોંચાડવા કહેવાયું છે. અમને કડીમાં આ પ્રકારની વ્યૂહરચનાને લઈને સફળતા મળશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ કરશે તેમ જણાવાયું છે. જો કે કોંગ્રેસે હજી સુધી ઉમેદવાર નક્કી કર્યા નથી તેના અંગે તેમણે જણાવ્યું હતું કે આ અંગે સંભવિત નામો મોકલી દેવાયા છે, હાઈકમાન્ડ તેના અંગે અંતિમ નિર્ણય લેશે.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વિસાવદરમાં કેટલાય પ્રશ્નો છે, પણ સરકાર તેની સતત ઉપેક્ષા કરી રહી છે. ખેડૂતોનું હિત સરકારના હૈયે વસ્યું નથી. સરકાર ખેડૂતોના પ્રશ્નોને લઈને ગંભીર નથી. ખેડૂતોને કેટલીય તકલીફ છે, પાક વીમો લીધા પછી પણ તેમને નુકસાની થાય તો પણ વીમાના રૂપિયા મળતા નથી. ખેડૂતોને આપવામાં આવતા ખાતરમાં ખાતરના બદલે પથરા અને ઢેફાં આવે છે. આમ ખાતરની રીતસરની ચોરી થાય છે. ખેડૂતોને આપવામાં આવતા છોડ અને બીજની ગુણવત્તા પણ કેટલીય વખત ઉતરતી કક્ષાની જોવા મળી છે. તેમને પોષણક્ષમ ભાવ આપવાની જાહેરાત થાય છે, પણ ખેડૂત તેનું ઉત્પાદન લઈને એપીએમસી જાય છે ત્યારે બીજું કોઈક તેના નામે માલ વેચી ગયું હોય છે જેની તેને ખબર પણ હોતી નથી. આ રીતે ખેડૂતના નામે એપીએમસીમાં કૌભાંડ કરાય છે અને ખેડૂત બિચારો મોં વકાસીને બેસી જાય છે.  ખેડૂતોના આવા અનેક પ્રશ્નો છે, જેનો હજી સુધી જવાબ મળ્યો નથી. આમ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના ખેડૂતો પર ફોકસ કર્યું છે.

જો કે બંને બેઠક પર શાસક પક્ષની મજબૂત પક્કડ હોવાથી આ ગઢના કાંગરા ખેરવવા વિપક્ષ માટે જોઈએ તેટલા સહેલા નથી તેમ માનવામાં આવે છે. શાસક પક્ષની કિલ્લેબંધી સામે આપ અને કોંગ્રેસ બંનેએ અલગ જ વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવું પડે તેમ માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી