વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે…. ગાંધીજીનું આ ભજન તો ખૂબ જ લોકપ્રિય થયું, પરંતુ આ ગીત પાછળના ભાવને સાવ ભૂલી જવામાં આવ્યો છે. ફક્ત આ ગીતને યાદ રાખવામાં આવ્યું છે. ભારતની આઝાદીના 75 વર્ષ થયા હોવા છતાં પણ અનુસૂચિત જાતિ પ્રત્યે આજે પણ માનવીય મૂલ્યોની આસ્થા રીતસરની વલખા મારે છે.
આજે પણ માનવીય મૂલ્યોની આસ્થા જાતિ અને જ્ઞાતિ સામે રીતસર પાણી ભરે છે. સ્વતંત્ર ભારતમાં બધાને સમાનતા હોવા છતાં પણ આજે હજી જાતિ અને જ્ઞાતિગત વ્યવસ્થા દૂર થઈ નથી. આ માટે તો જાતિદીઠ વસ્તી ગણતરીની માંગ આજે કરવી પડે છે. આજે પણ કોઈ વ્યક્તિને તેનું ક્વોલિફિકેશન પૂછાતું નથી, પરંતુ તેનું નામ અને તેની જાતિ પૂછવામાં આવે છે. તેમા પણ જો વ્યક્તિ અનુસૂચિત જાતિનો હોય તો તેને હીણપતભરી નજરે જોવામાં આવે છે. તેના તરફ જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે.
અમરેલીના એક અનુસૂચિત જાતિના યુવાનની હત્યા કરી દેવામાં આવી, આ યુવાને કોઈ મોટો ગુનો કર્યો ન હતો કે ન તો તેનો ક્રિમીનલ રેકોર્ડ હતો. છતાં પણ તેની ફક્ત એટલા માટે હત્યા કરી દેવાઈ તેણે દુકાનદારના પુત્રને બેટા કહ્યુ હતુ. આ અનુસૂચિત જાતિનો યુવાન નિલેશ રાઠોડ મિત્રો ચાર મિત્રો સાથે ચા પીવા બેઠો હતો અને ચાની સાથે વેફર લેવી હતી તેથી નિલેશ વેફર લેવા દુકાન પર ગયો, દુકાનમાં નાનું બાળક બેઠું હતું. તેથી યુવાન નિલેશે સહજ ભાવથી તે બાળકને બેટા કહીને બોલાવ્યો અને વેફર લીધી. તેને કલ્પના પણ ન હતી કે તે શું બોલી ગયો છે. તેણે બોલેલા શબ્દો દુકાનદારે સાંભળ્યા, તેણે તરત જ તેની જાતિના માણસોને ફોન કર્યો. બધા શસ્ત્રસજ્જ થઈ આવ્યા અને તે ચાર યુવાનો પર તૂટી પડ્યા. તેમા નિલેશ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. પછી હોસ્પિટલમાં તેનું મોત થયું.
હવે વિચાર કરો કે તેણે એક નાના બાળકને બેટા કહી દીધો તેમા તેણે કહ્યો મોટો ગુનો કરી નાખ્યો. હવે નાના બાળકને બેટા ના કહે તો શું કહે. આમા તેણે કયા કાયદાનો ભંગ કર્યો. તેણે કઈ સામાજિક ન્યાયપ્રથાનો ભંગ કર્યો. તેનો ગુનો ફક્ત આટલો જ હતો કે અનુસૂચિત જાતિનો છે. શું આઝાદીના આટલા વર્ષો પછી અનુસૂચિત જાતિના હોવું આટલો મોટો ગુનો છે. કોઈ અનુસૂચિત જાતિનો વ્યક્તિ એકદમ નાની વયના બાળકને બેટા કહીને સંબોધી પણ ન શકે. શું અનુસૂચિત જાતિના વ્યક્તિને ખરેખર સ્વતંત્રતા મળી છે ખરી. ભારત સ્વતંત્ર થયું, પરંતુ આ ઘટના પરથી લાગે છે કે અનુસૂચિત જાતિના લોકો સ્વતંત્ર થયા કે નહીં તે મોટો સવાલ છે.
અનુસૂચિત જાતિના લોકો પર હિંસક હુમલા ફક્ત આ એક જ ઘટના નથી, આ નિયમિત રીતે બનતી ઘટના છે. તેમને જાણે શાકભાજી વેતરતા હોય તેમ વેતરી નાખવામાં આવે છે. કોઈના પેટનું પાણી પણ હલતું નથી. પોલીસ તપાસમાં પણ ઢીલું છોડી દે છે. અનુસૂચિત જાતિના કોઈની પણ હત્યા થઈ હોય તો તેને મારનારા ગુનેગારોને જામીન પણ ઝડપથી મળી જાય છે, પછી બસ તેમનો કેસ ચાલ્યા કરે છે પણ તે જામીન પર બહાર આરામથી તેમની બધી પ્રવૃત્તિ કરે છે.
નિલેશ રાઠોડની હત્યાના મામલે અમરેલીના અનુસૂચિત જાતિના આગેવાનો મેદાનમાં ઉતર્યા અને કલેક્ટર કચેરીએ ધરણા અને આત્મવિલોપનનો કાર્યક્રમ કર્યો. અનુસૂચિત જાતિના આક્રોશના પગલે સરકાર પણ છેવટે જાગી અને પગલાં લેવા માંડી. ગુનેગારોને ઝબ્બે કર્યા. સરકારે તરત જ તેના કુટુંબને સાડા આઠ લાખ રૂપિયાનું વળતર આપ્યું. પરંતુ કોંગ્રેસના વિધાનસભ્ય અને અનુસૂચિત જાતિના આગેવાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે આટલાથી નહી ચાલે. માર્યા ગયેલા યુવાનના કુટુંબની એક વ્યક્તિને સરકારી નોકરી આપવી જ પડશે તેમ કહી આંદોલન ચલાવ્યું.
તેના પગલે અનુસૂચિત જાતિના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી નિલેશને ન્યાય મળશે નહીં ત્યાં સુધી અમે તેના અગ્નિસંસ્કાર કરવામાં નહીં આવે. આમ યુવાનના મૃત્યુને લઈને રાજકારણે વેગવંતુ બનતા તથા સામાજિક સૌહાર્દ પર પણ અસર પડવા લાગી હતી.
આ આખા ઘટનાક્રમના પગલે છેવટે અમરેલીના સાંસદ ભરત સુતરિયા મેદાનમાં ઉતર્યા હતા. તેમણે અનુસૂચિત જાતિના આગેવાનો અને ભોગ બનનારા નિલેશના કુટુંબીજનોને ખાતરી આપી હતી કે સરકાર તો જે આપવાની છે તે આપશે જ. તેની સાથે નિલેશની બંને બહેનોની જવાબદારી હું લઉં છું. તેને ભણાવવાથી માંડી અને તેના લગ્ન કરવા સુધીની જવાબદારી બધી જ મારી છે. આના પગલે અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્રોશ શાંત પડ્યો હતો અને તેઓએ નિલેશ રાઠોડનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને પછી તેના અગ્નિસંસ્કાર થયા…
આ પણ વાંચો:Travel કરવું છે પણ પૈસા નથી! આ રીતે કરો ‘ટ્રાવેલ બચત’ અને ટેન્શન વગર ફરો
આ પણ વાંચો:કર્મચારીઓ કેમ ઓછા પગારે પણ નોકરી કરવા તૈયાર થઈ જાય છે? 1139 કર્મી પર થયો સર્વે
આ પણ વાંચો:સોનું લાવવું થશે મોંઘુ! પ્લેટિનમ માટે નવો કોડ જાહેર
