Gandhinagar News : આજરોજ વિધાનસભા ખાતે પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે. ડબલ એન્જીન સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર થઇ ગયો હોય, ખુલ્લેઆમ પ્રજાના પરસેવાના, ટેક્ષના પૈસાની લુંટ ચલાવવામાં આવી રહી છે અને ભ્રષ્ટાચાર કરવાવાળા, લુંટવાવાળા કોઈ બીજા નહી પણ સરકારમાં બેઠેલા નેતાઓ, એમના મળતિયાઓ અને એમના પરિવારના લોકો છે. અત્યાર સુધી વિપક્ષ તરીકે અમે આરોપ મુકતા હતા, ફરિયાદ કરતા હતા કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે.
પણ છેલ્લા થોડાક દિવસોમાં મીડિયામાંથી માહિતી મળે છે તે મુજબ ભરૂચના ભાજપના સાંસદે મીડિયા સમક્ષ કીધું કે ભ્રષ્ટાચાર જે થાય છે એ ગામના તલાટીથી લઈને સરકારના મંત્રી સુધી જો મિલીભગત, આશીર્વાદ ના હોય તો શક્ય નથી, બધાની મીલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે. અમરેલી ભાજપના નેતા દિલીપભાઈ સંઘાણી કહે કે આ પોલીસ અને નેતાઓ હપ્તા ઉઘરાવે છે, પોલીસ દ્વારા એમ કહેવામાં આવે કે હપ્તાઓ છેક કમલમ સુધી પહોંચે છે, ભાજપના પાટણના નેતા કે.સી. પટેલ દ્વારા જાહેર ફંકશનમાં કહેવામાં આવ્યું કે પોલીસ લોકો પાસેથી પૈસા પડાવે છે, ભ્રષ્ટાચાર કરે છે. એટલે કે ભાજપના નેતાઓ જ આજે જાહેરમાં બોલી રહ્યા છે, પોલીસ અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે આ હપ્તાઓ ક્યાંકને ક્યાંક કમલમ સુધી, ભાજપના નેતાઓ સુધી પહોંચે છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે મનરેગાનું કૌભાંડ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. એ પૈકી પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકામાં જે રીતે ૧૦૦ કરોડ કરતા વધારેનો ભ્રષ્ટચાર થયો છે અને તેની તપાસ કરવાની માંગણી કરી હતી એની વધારે હકીકતો, વિગતો મેળવી તો જે પુરાવા મળ્યા છે એ જોતા એટલું ચોક્કસ સરકારને કહેવું છે કે આખા ગુજરાત કે દેશમાં સૌથી ઝડપી રીતે, ઓછા મજુરો સાથે જો કુવા બનાવવા હોય, ચેકડેમ બનાવવા હોય, આર.સી.સી. રોડ બનાવવા હોય, માટી મેટલ રોડ બનાવવા હોય કે બીજા વિકાસના કામો કરાવવા હોય તો જે ટેકનોલોજીનું ગોઠવણ, આયોજન જાંબુઘોડામાં થયું છે એનો અભ્યાસ કરવામાં માટે એક સ્પેશીયલ ટીમ મોકલાવી જોઈએ. કારણ કે જાંબુઘોડા તાલુકાની વાત કરીએ તો ફક્ત ૨૬ ગ્રામ પંચાયતોનો તાલુકો, કુલ વસ્તી ૪૨૦૦૦, વસ્તીના પ્રમાણમાં આખા ગુજરાતમાં નાનામાં નાનો તાલુકો છે.
છેલ્લા ચાર વર્ષમાં મનરેગામાં ૩૦૦ કરોડ રૂપિયાના કામો થયા એ ખાલી મનરેગાના જ કામો છે. નાણાપંચ, તાલુકા-જીલ્લા આયોજન, એમ.પી.-એમ.એલ.એ. ગ્રાન્ટ, ટ્રાયબલ ગ્રાન્ટ અને બીજી ફોરેસ્ટની ગ્રાન્ટ આ બધાનો સરવાળો કરીએ તો ૫૦૦ કરોડ કરતા વધારેના કામ આ તાલુકામાં ચાર વર્ષમાં થયા. અને મનરેગામાં જે ૩૦૦ કરોડના કામો થયા એમાં કાયદાની જોગવાઈ મુજબ ૬૦% લેબર કમ્પોનન્ટ હોય અને ૪૦% મટીરીયલ કમ્પોનન્ટ હોય પણ અહી તો કાયદા જેવું કઈ છે નહી, મજુરોને સ્થાનિક રોજગાર આપવાની યોજના ભાજપના લોકોને ફાયદો કરાવવાની યોજના સાબિત થઇ. અને અહિયાં આ તાલુકામાં ચાર વર્ષનો ખર્ચ મટીરીયલમાં ૨૦૦ કરોડ રૂપિયા થયો, એનો હિસાબ જોઈએ તો ૬૦-૪૦ના રેશિયોને બદલે ૨૨% રકમ લેબરને ચુકવવામાં આવી અને ૭૮% રકમ મટીરીયલ સપ્લાય કરવાવાળી એજન્સીને આપવામાં આવી.
મટીરીયલ સપ્લાય કરવામાંવાળી એજન્સીઓમાં એક એજન્સી જીલ્લા ભાજપના પ્રમુખ દ્વારા ચલાવવામાં આવે છે, બીજી એજન્સી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જીલ્લા ભાજપના પત્નીના નામે છે, ત્રીજી એજન્સી જીલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજાના નામે છે અને ચોથી એજન્સી જીલ્લા ભાજપ પ્રમુખના કહેવાતા ડ્રાઈવરના નામે છે. આમ ચારેય એજન્સીઓએ ખાલી એક તાલુકામાં છે જેની વસ્તી ૪૨૦૦0 છે. એમાં ચાર વર્ષની અંદર ૨૦૦ કરોડ રૂપિયાનું મટીરીયલ સપ્લાય કર્યું. એમાં જે કામો થયા એના પુરાવા છે, એમાં બે-ત્રણ ગામના દાખલા છે. એમાં જાંબુઘોડા તાલુકાની જાંબુઘોડા ગ્રામ પંચાયત, ખાંડીવાવ ગ્રામ પંચાયત, માસબાર ગ્રામ પંચાયત, ખાખરીયા ગ્રામ પંચાયત, કારા ગ્રામ પંચાયત, બીકેજ ગ્રામ પંચાયત, કેટલાયના પુરાવાઓ છે.
જાંબુઘોડા તાલુકાનું એક કેટલશેડનું કામ છે એની એસ્ટીમેટ કુલ રકમ ૧ લાખ ૪ હજાર રૂપિયા છે એમાં લેબર ખાતે ખર્ચ થયો છે ફક્ત એક વ્યક્તિને ૨૫૬ રૂપિયા ચૂકવાયા એક માનવદિનની રોજગારી મુજબ ચૂકવાયા. બીજા સિંચાઈ માટે કુવો બનાવવાના કામમાં ચુકવણી થઇ ૨ લાખ ૯ હજાર રૂપિયા, લેબરને ચુકવવામાં આવ્યા ૫૧૨ રૂપિયા એટલે કે ફક્ત બે મજુરોએ બે દિવસમાં કુવો બનાવી દીધો. એજ રીતે ત્રીજું કામ પણ કુવાનું છે જેમાં એક જ વ્યક્તિએ એક જ દિવસમાં ૧ લાખ ૬૦ હજારનો કુવો બનાવી દીધો જેમાં લેબરને ચૂકવાયા ૨૫૬ રૂપિયા અને મટીરીયલ સપ્લાય કરવાવાળી એજન્સીને ચૂકવાયા ૧૫૮ રૂપિયા. એજ રીતે બીજા ખંડીવાવ ગામમાં સીડી વર્કના કામમાં ૧ લાખ ૯૮ હજાર ચૂકવાયા એમાં લેબરને ચૂકવાયા ૨૫૬ રૂપિયા અને બાકીના ૧,૯૯,૪૧૯ રૂપિયા મટીરીયલના ચુકવવામાં આવ્યા. એજ રીતે મસાબર ગામમાં માટી મેટલ રસ્તાના કામમાં ચુકવણું થયું ૩,૮૦,૦૦૦, એમાં લેબરને ચુકવવામાં આવ્યા ફક્ત ૨૫૬ રૂપિયા. એટલે એક વ્યક્તિ એક દિવસમાં ૩,૮૦,૦૦૦ રૂપિયાનો માટી મેટલ રસ્તો બનાવ્યો.
(મેટલનો ભાવ એક હજાર રૂપિયા પર ટન માર્કેટમાં રેટ છે. એ મુજબ જોઈએ તો ૩૮૦ ટન મેટલ નાખવામાં આવ્યો, એક વ્યક્તિએ ૩૮૦ ટન મેટલ એક વ્યક્તિએ એક દિવસમાં નાખી દીધો) એજ રીતે બીજા માટી મેટલના કામમાં ૨૫૬ રૂપિયા લેબરને આપીને ૩,૭૯,૦૦0 રૂપિયા મટીરીયલના ચુકવવામાં આવ્યા. એવા અનેક કામો છે, બીજા ખાખરીયા ગ્રામ પંચાયતમાં બોર બનાવવામાં બે મજુરોને બે દિવસ માટે ૫૧૨ રૂપિયા ચુકવવામાં આવ્યા અને બાકીના ૨,૦૦,૦૦૦ રૂપિયા મટીરીયલના ચૂકવાયા. એટલે અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે અહીંયા કોઈપણ કામ સ્થળ પર થયા નથી ફક્ત ને ફક્ત ભાજપના નેતાઓની એજન્સીઓ દ્વારા મટીરીયલ સપ્લાય કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આજે સરકારને લેખિત રજૂઆત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, જીલ્લા કોંગ્રેસ સમિતિએ રેલી કરીને આવેદનપત્ર આપ્યું પણ હજુ સુધી સરકારની એકપણ એજન્સી ત્યાં તપાસ કરવા જતી નથી.
અમિત ચાવડાએ જણાવ્યું કે આખા ગુજરાતમાં જે રીતે માહિતીઓ બહાર આવી રહી છે તે જોતા મનરેગાની તપાસ થશે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં થયો છે. ત્યારે સરકાર પાસે માંગણી છે કે છેલ્લા ૧૦ વર્ષની મનરેગા યોજનાના તમામ કામોની તપાસ કરવામાં આવે, ખાસ કરીને પંચમહાલ જીલ્લામાં જાંબુઘોડા તાલુકો, શહેરા તાલુકો, મોરવાહડફ તાલુકો કે જ્યાં દેખીતી રીતે રીપોર્ટ જોતા લાગે કે મટીરીયલ કમ્પોનન્ટમાં વધારે ખર્ચો થયો છે એટલે સ્થળ પર કામો નથી થયા એના પુરાવાઓ પણ છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે મનરેગા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે, રાજ્ય સરકાર તપાસ માટે ખાલી સૂચનાઓ આપે છે પણ કેન્દ્ર સરકારના પૈસા હોય તો સરકાર પાસે માંગણી કરીએ છીએ, વડાપ્રધાનપાસે માંગણી કરીએ છીએ કે સી.બી.આઈ.ની ઇન્ક્વાયરી થવી જોઈએ. અને ગુજરાતમાં કરોડો રૂપિયાનું કૌભાંડ છેલ્લા ૧૦ વર્ષમાં આચરવામાં આવ્યું છે. એક વ્યવસ્થિત રેકેટ ચાલે છે જેમાં પંચાયતથી લઈને સરકાર સુધીના લોકો ઇન્વોલ્વ છે. જયારે ભ્રષ્ટાચારીઓ લુંટ ચલાવી રહ્યા છે એને અટકાવવા માટે CBIની તપાસ કરવામાં આવે. ખાસ કરીને જાંબુઘોડા તાલુકા અને પંચમહાલ જીલ્લાની જે હકીકતો આપી છે તેના આજદિન સુધી તપાસ માટેના ઓર્ડરો નથી થયા, SIT પણ બનાવવામાં નથી આવી.
આથી સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જે પંચમહાલ જીલ્લાની જે પુરાવાઓ સાથે જે ફરિયાદો મળી છે એના માટે SIT બનાવી તપાસ કરવામાં આવે. અમિત ચાવડાએ જણાવ્યું કે ઓપરેશન ગંગાજળવાળી સરકારને પણ કહેવું છે કે પ્રજાના પૈસાની લુંટ ચાલતી હોય અને મુખ્યમંત્રી એના માટે જો એક્ટીવલી તપાસ કરીને સજા કરાવવા મક્કમ ના હોય તો મનસુખભાઈ કહે છે કે તલાટીથી લઈને મંત્રી સુધીના લોકોની આમાં સામેલગીરી છે એ સ્પષ્ટપણે સાબિત થતી હોય તે દેખાય છે. ત્યારે તમામ કામોની તપાસ થાય તે માટે વડાપ્રધાન પાસે માંગણી કરીએ છીએ કે કેન્દ્ર સરકારની યોજનામાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય, કરોડો રૂપિયાનું મનરેગાનું કૌભાંડ હોય તો તેની CBI મારફતે તપાસ કરાવવામાં આવે એવી માંગણી કરીએ છીએ.
