પહલગામના હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં સંઘર્ષ થયો. આ સંઘર્ષનો વ્યાપ ઘણો મોટો હતો. પાક.ને અડતી જમ્મુ-કાશ્મીર, હિમાચલ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધીની સરહદ પર તેની અસર વર્તાઈ હતી. આમ આ સંઘર્ષ 1999માં થયેલા કારગિલ યુદ્ધ કરતાં પણ મોટો હતો. ભારતે આ હુમલા પછી ઓપરેશન સિંદૂર હાથ ધર્યુ હતું. કારગિલ યુદ્ધ ફક્ત કારગિલ વિસ્તાર પૂરતુ સીમિત હતું. જ્યારે આ વખતના સંઘર્ષમાં ભારતના ઉત્તરના છ રાજ્યો સુધી તેની અસર લંબાઈ હતી. કદાચ બંને દેશ પૂર્ણ કક્ષાના યુદ્ધની ઘણા નજીક પહોંચી ગયા હતા. લાંબા સમય પછી બંને દેશ વચ્ચે સ્થિતિ આટલી હદ સુધી વણસી હતી. જો બંને દેશોની નેતાગીરીએ સમયસર બ્રેક લગાવી ન હોત તો એક પૂર્ણ કક્ષાનું યુદ્ધ નિશ્ચિત હતું.
દરેક સંઘર્ષ કોઈને કોઈ તો પદાર્થપાઠ શીખવાડે છે, ભારત પાકિસ્તાન સાથેના સંઘર્ષમાંથી મહત્ત્વનો પદાર્થપાઠ શીખ્યું તે એ હતો કે સિવિલ ડિફેન્સની તાતી જરૂરિયાત ભારતમાં છે. ભારતનું લશ્કર તો યુદ્ધ માટે તૈયાર જ હતુ, પરંતુ નાગરિકોને યુદ્ધના સમયમાં શું કરવું તેની કશી જ ખબર ન હતી. તેમા પણ ખાસ કરીને પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા કે કોઈપણ દેશ સાથે સરહદ ધરાવતા રાજ્યોમાં સિવિલ ડિફેન્સની તાલીમ એક મહત્વની જરૂરિયાત જણાઈ આવી હતી.
હાલમાં પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા દેશના બધા રાજ્યોમાં સિવિલ ડિફેન્સની કોઈ જ તાલીમ અપાયેલી નથી. તેના કારણે યુદ્ધના સંજોગોમાં તંત્ર દ્વારા સૂચનાઓ તો આપી દેવામાં આવે છે પરંતુ નાગરિકો આ પ્રકારની પરિસ્થિતિથી ટેવાયેલા ન હોઈ તેઓ તેનું મહત્વ સમજતા નથી અને આ સૂચનાઓને પણ ટ્રાફિકના નિયમની જેમ વધુ એક નિયમ ગણીને તેનું પાલન કરતાં નથી.
પાક. સાથેના સંઘર્ષ વખતે ગુજરાતના સરહદી વિસ્તારોમાં રાતના સમય માટે બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે જોઈ શકાયું કે કેટલાય વિસ્તારો અને સોસાયટીઓમાં જાણે કશું જ થયું ન હોય તેમ આ નિયમનું ધરાર પાલન કરવામાં ન આવ્યું હતું. તેઓ તેમનું દૈનિક જીવન રાબેતા મુજબ જ જીવી રહ્યા હતા. તેમને બ્લેકઆઉટ કેમ કરવામાં આવે છે તેની બાબત અંગે કોઈ જ સમજ ન હતી. આ પ્રકારની સમજનો અભાવ યુદ્ધના સંજોગોમાં ઘણો જોખમી નીવડી શકે છે. આ પ્રકારની સમજ વગરના કાર્યો તેમનો પોતાનો જીવ તો જોખમમાં મૂકી જ શકે છે, પરંતુ બીજાનો જીવ પણ જોખમમાં મૂકે છે.
તેથી સિવિલ ડિફેન્સની તાલીમ આપવામા આવે તો આ પ્રકારની કટોકટીની સ્થિતિમાં નાગરિકોને કમસેકમ કઈ રીતે રહેવું તેની સમજ આવી શકે છે. સરકારે આ માટે નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની પણ મદદ લઈ શકે છે. NCCની તાલીમ યુદ્ધ સમયે ઘણી ઉપયોગી નીવડી શકે છે. આજે ભારતીય પ્રજાની સ્થિતિ એકદમ વિપરીત છે, એકબાજુએ તાલીમબદ્ધ લશ્કર છે તો બીજી બાજુએ તેનાથી પણ વધારે તાલીમવિહીન લોકો છે, જે તાલીમ તો કદાચ ભૂલી જઈએ પણ યુદ્ધના સંજોગોમાં આપવામાં આવતી સૂચનાઓને સમજવાની અને તેની ગંભીરતાને સમજવાની ક્ષમતા ધરાવતા નથી.
કદાચ વર્તમાન પેઢીએ બ્લેકઆઉટ શબ્દ પહેલી વખત સાંભળ્યો હશે, તેઓને લાઇટ જાય ત્યારે જ બ્લેકઆઉટ લાગતું હશે એટલે તેઓ બ્લેકઆઉટને લાઇટ જાય તે સમયની જ સ્થિતિ સમજતા હશે. સરહદ પારથી મિસાઇલ અને મોર્ટારના ગોળા તથા ગોળીબારની સ્થિતિ તેમની સામાન્ય સમજની બહાર હશે. વાસ્તવમાં સરહદી રાજ્યો અને તેની પ્રજાની સ્થિતિ તો બીજા રાજ્ય કરતાં પણ વધારે હોય છે. જ્યારે દુશ્મનોની નજરમાં પણ ટાર્ગેટ પર આ જ રાજ્યો પહેલાં હોય છે.
યુદ્ધ આજે વધુને વધુ હાઇટેક બની રહ્યું છે ત્યારે ફક્ત લશ્કર જ નહીં તેનો સામનો કરવા માટે પ્રજા પણ તાલીમ પામેલી હોય તે જરૂરી છે. સિવિલ ડિફેન્સમાં આને ધ્યાનમાં રાખીને શારીરિક ક્ષમતાની સાથે માનસિક ક્ષમતા કેળવવા પર પણ ભાર આપવો જોઈએ. તેની સાથે પ્રોપગેન્ડાનો સામનો કેવી રીતે કરવો જોઈએ તથા પ્રોપગેન્ડા પર કઈ રીતે પ્રહાર કરવો જોઈએ તેની તાલીમ પણ જરૂરી છે. સત્તાને અરીસો બતાવવાના પ્રયત્નમાં ક્યાંક દુશ્મનનો હાથો ન બની જવાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
સિવિલ ડિફેન્સમાં શારીરિક અને માનસિક ક્ષમતાની સાથે બેઝિક લેવલના સાઇબર હુમલાની તાલીમનો પણ સમાવેશ કરી શકાય. આજે જો 100 કરોડથી પણ વધારે ભારતીયો મોબાઇલનો ઉપયોગ કરતાં હોય તો દરેક ભારતીયે સાઇબર વોરફેર સામે સજ્જ રહેવું જોઈએ તે તેની ફરજ પણ છે. આ વસ્તુ કદાચ મોટાઓને શીખવાડવી અઘરી હોય તો કદાચ શાળાકીય સ્તરથી જ સિવિલ ડિફેન્સનો એક અભ્યાસક્રમ ફરજિયાત ધોરણે દાખલ કરવો જોઈએ. તેમાં ફિઝિકલ ફિટનેસથી લઈને મેન્ટલ ફિટનેસ, ઇલેક્ટ્રોનિક વોરફેર, સાઇબર વોરફેર, પ્રોપગેન્ડા વોર બધાનો સમાવેશ કરવો જોઈએ.
તાજેતરમાં પાક. સાથેના સંઘર્ષમાં જ આપણે સિવિલ ડિફેન્સની જરૂરિયાત સમજાઈ ગઈ. આજે સરહદેથી દેશમાં આવેલા ઘૂસણખોરને પકડવો ફક્ત તંત્રની જ જવાબદારી નથી, આપણે પણ તેમા હિસ્સેદાર થવું જોઈએ. દેશમાં ઘૂસેલો દરેક ઘૂસણખોર ગમે ત્યારે રાષ્ટ્રવિરોધી તત્વનો હિસ્સો બની શકે છે અથવા તો તેમના માટે સ્લીપર સેલની ગરજ પણ સારી શકે છે તે યાદ રાખવું જોઈએ. સિવિલ ડિફેન્સની તાલીમ મેળવેલા નાગરિકો આ દિશામાં ઘણુ કરી શકે છે. દેશને આંતરિક ધોરણે સલામત રાખવાની જવાબદારી ફક્ત સરકાર કે તંત્રની જ નથી, દરેક ભારતીયની છે. તેથી આવા ઘૂસણખોરો અંગે સ્થાનિક તંત્ર તથા સત્તાધીશોને વાકેફ કરવાનું કાર્ય નાગરિકોએ કરવું જોઈએ.
હવે જો આપણું તાલીમ પામેલું લશ્કર પાક.ના આવા છક્કા છોડાવી શકતું હોય તો હવે આ જ લશ્કરને સિવિલ ડિફેન્સની તાલીમ પામેલી પ્રજાનો ટેકો હોય તો લશ્કરના જુસ્સામાં પણ કેટલો વધારો થાય. તેણે કમસેકમ આપણા રક્ષણની ચિંતા કરવી તો મટે. જો પહલગામ ફરવા ગયેલા પ્રવાસીઓ સિવિલ ડિફેન્સની તાલીમ પામેલા હોત તો મરતા પહેલા કમસેકમ અમુક આતંકવાદીઓને તો ખતમ કરી શક્યા હોત, આમ થયું હોત તો આતંકવાદીઓને પણ ખબર પડી જાત કે જે બંદૂકમાંથી તે ગોળીઓ છોડે છે તે બંદૂક જો બીજાના હાથમાં હોય તો તે જ ગોળીઓનો ભોગ તેઓ પણ બની શકે છે. આ પ્રકારનો સામનો હંમેશા હુમલાનું પુનરાવર્તન ટાળે છે.
આ પણ વાંચો: ભાડભૂત બેરેજ: તંત્રની નિષ્કાળજીથી 400 ખેડૂતોની 2300 એકર જેટલી જમીન ડૂબમાં ગઈ
આ પણ વાંચો: સાબરમતીમાં રેતખનન માફિયા બેરોકટોક, દીપસિંહ રાઠોડ મેદાનમાં
આ પણ વાંચો: કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
