ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા છે….હવે આ કેસના અનેક ચોંકાવનારા તાણાવાણા બહાર આવી રહ્યા છે….સરકારે કેસની તપાસ માટે પાંચ પોલીસ અધિકારીઓની સિટની રચના કરી હતી….જો કે આ સિટની રચનાને લઈને વિપક્ષે અનેક આશંકાઓ વ્યક્ત કરતાં સરકારે તરત જ નવી સિટની રચના કરી છે અને તે આગામી પખવાડિયામાં તેનો રિપોર્ટ આપશે….
હવે આ કેસના તાણાવાણા મધ્યપ્રદેશમાં હરદા ખાતે ફેબ્રુઆરી 2024માં થયેલા ફેક્ટરી બ્લાસ્ટ સાથે જોડવામાં આવી રહ્યા છે….ગયા વર્ષે મધ્યપ્રદેશમાં હરદામાં ફેક્ટરીમાં લાગેલી આગમાં 13 શ્રમિકોના મોત થયા હતા અને 200થી પણ વધારે લોકોને ઇજા થઈ હતી…. તેના પગલે આ ફેક્ટરીને તાળા મારી દેવામાં આવ્યા હતા….તેના કારણે મધ્યપ્રદેશના હરદામાં બંધ કરાયેલી આ ફટાકડાની ફેક્ટરીનું સંચાલન ડીસા ખાતેની GIDCમાં ખસેડવામાં આવ્યું હોવાની અટકળો સેવવામાં આવી રહી છે….

આ ઉપરાંત આશ્ચર્યની વાત તો એ છે કે ડીસા ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા 21 કામદારો બે દિવસ જ મધ્યપ્રદેશથી આવ્યા હતા…. આના લીધે હવે સળગતો સવાલ એ છે કે શું હરદા ફેક્ટરીના માલિક રાજેશ અગ્રવાલે ડીસાના આ ફેક્ટરીના માલિક ખૂબચંદ મોહનાની અને દીપકની સાથે ભાગીદારી કરી હતી, શું નવી રચાયેલી સિટ આ પ્રકારની અદ્રશ્ય ભાગીદારી પર પ્રકાશ ફેંકી શકશે…. ખૂબચંદ મોહનાની અને દીપક લગભગ બે દાયકાથી સત્તાધીશોની આંખમાં ધૂળ ઝોંકીને તેમનો કારોબાર ચલાવી રહ્યા હતા અને ફક્ત ચલાવી જ રહ્યા ન હતા પરંતુ તેમા ઉત્તરોતર વધારો કરી રહ્યા હતા…. સ્વાભાવિક છે કે એક ગુનેગારને બીજો ગુનેગાર જ મદદ કરેને….
આશ્ચર્યની વાત તો એ છે કે ખૂબચંદ મોહનાની અને તેનો પુત્ર દીપક આટલા સમયથી કારોબાર કરતાં હતા તો પણ તેમને લાઇસન્સ કેવી રીતે મળ્યું, ક્યારે રીન્યુ થયું તેના અંગે સત્તાવાળાઓ રીતસરના અંધારામાં છે….

આ આખા ઘટનાક્રમ પર પ્રકાશ પાડતા કોંગ્રેસે જણાવ્યું હતું કે હરદાની ફટાકડાની ફેક્ટરીના માલિક રાજેશ અગ્રવાલના જામીન 14 એપ્રિલના રોજ પૂરા થાય છે…. તેના પહેલા તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા… આ મુલાકાત દરમિયાન જ તેમની ફટાકડાની ગેરકાયદેસરની ફેક્ટરીનું સેટઅપ ડીસામાં GIDC ખાતે આવેલા આ ગોડાઉનમાં ફક્ત ફટાકડા વેચવાનું લાઇસન્સ ધરાવતા ખૂબચંદને ત્યાં થાય તેવું સેટિંગ કર્યુ હોવાની અટકળો સેવાઈ રહી છે….
સરકારે રચેલી સિટે હરદાના ફટાકડાના કારખાનાના માલિક રાજેશ અગ્રવાલે ગુજરાતમાં કોની-કોની મુલાકાત લીધી અને કયા-કયા સેટિંગ પાડ્યા તેની ચકાસણી કરવી જોઈએ…. આમાથી તેને ઘણી મહત્વની કડી મળી શકે તેમ છે….

કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે રાજેશ અગ્રવાલ છેલ્લા સાડા પાંચ મહિનાથી જામીન પર છે…. ડીસાના લોકોનું તો સ્પષ્ટપણે માનવું છે કે મધ્યપ્રદેશમાં થયેલા અકસ્માત પછી તેણે ડીસામાં તેનું ફેક્ટરી યુનિટ ભાગીદારીમાં શરૂ કર્યુ હતું…. તેમનું કહેવું હતું કે આ ઘટનાક્રમને લઈને અનેક સવાલો છે….
આ ઉપરાંત લાલજી દેસાઈનું કહેવું છે કે તેમની પાસે માહિતી છે કે રાજેશ અગ્રવાલ ગુજરાતના એક ટોચના રાજકારણીના પુત્ર સાથે સંબંધ ધરાવે છે….તેના લીધે તેને આ ફેક્ટરી શરૂ કરવામાં ખાસ્સી મદદ મળી હોવાનું મનાય છે….હવે વિચારો કે જે યુનિટ પાસે લાઇસન્સ જ ન હોય તો તેને ત્યાં વિસ્ફોટક પદાર્થ કઈ રીતે પહોંચી જાય…. જ્યારે કોઈના કનેકશન હોય ત્યારે જ શક્ય બને છે…. આ બતાવે છે કે મધ્યપ્રદેશના હરદા યુનિટ અને ડીસાના યુનિટ વચ્ચેના જોડાણની તપાસ થવી જોઈએ, છેવટે બંને યુનિટે થઈને કુલ 34 લોકોના જીવ લીધા છે….

હવે આ બધી તપાસની જવાબદારી સિટના શિરે છે…. કોંગ્રેસનું કહેવું છે કે અમે અમારી પાસે આ અંગે અત્યાર સુધી જેટલી માહિતી છે તે જાહેર કરી દીધી છે….હવે સિટે પારદર્શક ધોરણે તપાસ કરીને આ અંગેનો રિપોર્ટ આપવાનો છે…. તેના રિપોર્ટ પરથી જ ખબર પડી જશે કે મૃત્યુ પામેલા શ્રમિકોને ન્યાય મળ્યો છે કે છેવટે આ ઘટના પર પણ ઢાંકપિછોડો કરવામાં આવ્યો છે….
ડીસા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મળેલા છેલ્લા રિપોર્ટ મુજબ આરોપી ખૂબચંદ મોહનાની અને તેના પુત્ર દીપકને કોર્ટે આઠ દિવસના રિમાન્ડ આપ્યા છે…પોલીસે તેમની સમક્ષ આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું… આ ઘટનાને લઈને આખા ડીસામાં આક્રોશ અને ખેદની લાગણી છે….આ ઘટનાને લઈને ત્યાં દોડી આવેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે દોષિતોને નહીં છોડાય અને તેમણે પોલીસને તાકીદ કરી હતી કે આરોપીએ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે… તેના પગલે બંને આરોપીઓને પકડવા માટે પોલીસે ત્વરિત કામગીરી કરતાં તેમની ધરપકડ કરી હતી…. તેમના પ્રયત્નોના કારણે જ સરકાર આ કેસમાં સિટ રચવા સંમત થઈ હોવાનું કહેવાય છે….
આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?
આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
