ગુજરાતમાં દારૂબંધી છે ખરી, પણ ભાંગીતૂટી દારૂબંધી છે, આ શબ્દો છે ભાજપના જાણીતા આગેવાન અને અમરેલીનું મોટું રાજકીય માથું ડો. ભરત કાનાબારના. આમ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી પછી શાસક પક્ષના વધુ એક આગેવાને ગુજરાતમાં મળતા દારૂને લઈને સોશિયલ મીડિયામાં લેટર બોમ્બ ફોડ્યો છે. તેમણે પાછા તેમા પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી, પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્માને પણ ટાંક્યા છે. આના કારણે સૌરાષ્ટ્રમાં તો રાજકીય ખળભળાટ તો મચ્યો જ છે, પરંતુ તેની સાથે આખા ગુજરાતમાં પણ આ ખળભળાટ મચે તેમ જણાઈ રહ્યુ છે.
ગુજરાતમાં મળતા દારૂ માટે
તેમના જ પહેલા સુરતના આખાબોલા વિધાનસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે જિજ્ઞેશ મેવાણીનો બોલવાનો અંદાજ ખોટો છે, પરંતુ ગુજરાતમાં દારૂબંધીને લઈને તેમણે જે વાત કહી છે તે વાત સાચી છે. ગુજરાતમાં દારૂબંધી જાણે કેટલાય લોકો માટે કમાણીનું સાધન મળી ગઈ છે. તેમાંથી લોકો ધૂમ રૂપિયા રળી રહ્યા છે. ગરીબોનું આરોગ્ય કથળાવીને આ લોકો પોતાને ત્યાં મહેલો બનાવી રહ્યા હોવાનો સનસનાટીપૂર્ણ દાવો તેમણે કર્યો હતો.
પક્ષના વરિષ્ઠ આગેવાન ડો. ભરત કાનારાબારે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે ગુજરાતમાં કોઈ પૂછે કે દારૂ ક્યાં મળે છે તો સામેવાળો વળતો સવાલ કરે છે કે ગુજરાતમાં દારૂ ક્યાં નથી મળતો. આ ગુજરાતની હકીકત છે. રાજ્યના કયા વિસ્તારો બાકી છે જ્યાં દારૂબંધી હોવા છતાં દારૂ મળતો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે દારૂબંધીના અમલમાં દર વખતે પકડવામાં તો ગરીબોને જ આવે છે. ગરીબ દારૂ પીવે તો પોલીસથી માંડીને બધા તેને લક્ષ્યાંક બનાવે છે, પરંતુ પૈસાદારો અને અમીરો દારૂની મહેફિલો માંડે છે ત્યાં પોલીસ પકડે તો છે, પરંતુ પછી આગળ શું થાય છે તે બધા જ જાણે છે. તેઓ પોતાની વગના કારણે છૂટી જાય છે. તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ થતી નથી. આજે સ્થિતિ એવી આવી છે કે આ લોકો દારૂના નશામાં હવે રસ્તા પર જતાં વાહનચાલકો અને રસ્તા પર ચાલતા જતાં લોકોને ઉડાવી દે છે.
આટલી દારૂબંધી હોવા છતાં જો લોકો દારૂ પીને રસ્તા પર ચાલતા જનારા લોકોને ઉડાવી દેતા હોય તો વિચારો કે જો દારૂબંધી ન હોત તો બીજું બધું તો ઠીક રસ્તા પર વાહન ચલાવનારા અને રસ્તા પર ચાલતા જનારાની સ્થિતિ શું હોત.
જો કે ભરત કાનાબારે કુમાર કાનાણીથી વિપરીત જિજ્ઞેશ મેવાણી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મેવાણી જે રાજકીય પક્ષમાંથી દારૂબંધી પર પ્રહારો કરી રહ્યા છે તેમના જ શાસનમાં દારૂબંધી હોવા છતાં દારૂનો આ ધંધો પૂરબહારમાં ખીલ્યો છે. મેવાણીને જે લડાઈ લડી રહ્યા છે તેમાં કશું ખોટું નથી. તેનાથી સમાજને ફાયદો થવાનો છે, પરંતુ આ બધા પાછળ મેવાણી કંઈ લોકોને ન્યાય અપાવવા માંગતા હોય તેવું નથી. તેમની આખી લડાઈ રાજકીય છે. મારે અહીં તેમને યાદ અપાવવું ઘટે કે તેઓ આજે જે ભાંગીતૂટી દારૂબંધીની ટીકા કરી રહ્યા છે તે ગુજરાત અને બિહારમાં જ છે. બંનેમાં ભાજપની સરકાર છે.
તેની સામે કોંગ્રેસ શાસિત ત્રણેય રાજ્યો કર્ણાટક, તેલંગણા અને હિમાચલ પ્રદેશમાં દારૂબંધી નથી. તેમને ખરેખર પ્રજાની ચિંતા હોય તો તેમના હાઈ કમાન્ડને કહે કે આ ત્રણેય રાજ્યોમાં દારૂબંધીનો કડકાઈથી અમલ કરાવે. અહીં રાજકીય ભવાડા કરવાથી કોઈ મેળ પડવાનો નથી. ચલો અમે તેમના હરીફ રાજકીય પક્ષ હોવાથી મેવાણીનું ન માનીએ, પરંતુ મેવાણી તો પોતે કોંગ્રેસના જ છે. જો તેમનામાં ખરેખર કોંગ્રેસી કાર્યકર કે આગેવાન તરીકેનો દમ હોય તો તેમના જ પક્ષ દ્વારા શાસિત ત્રણેય રાજ્યોમાં દારૂબંધી અમલમાં મૂકીને બતાવે. અમને કોઈ વાંધો નથી.
મારુ મેવાણીને કહેવું એટલું જ છે કે તેમણે દારૂબંધી સામે ઉપાડેલી લડાઈ બહુ જ સારી બાબત છે, પરંતુ આ માટે અહીં જે કરી રહ્યા છે તે કોંગ્રેસની સરકારોમાં પણ કરે. તેમણે તો આ માટે ફક્ત હાઈકમાન્ડને વાત જ કરવાની છે. તેના માટે તો તેમને આંદોલન પણ કરવા નહીં પડે. તેઓ અહીં જે મહેનત કરી રહ્યા છે તેનાથી ઘણી ઓછી મહેનતમાં અને ખાલી વાતચીતથી પણ તે ધારે તો ત્યાં દારૂબંધી કરાવી શકે. પણ એકબાજુએ દારૂબંધી સામે આંદોલન કરવા અને બીજા રાજ્યોમાં પોતાની જ સરકારોમાં છૂટથી દારૂ મળે છે ત્યાં ચુપ્પી સાધી લેવી તેવી બે મોઢાની વાત ક્યાંથી ચાલશે.
ગુજરાતમાં દારૂ રાજકીય નહીં સામાજિક સમસ્યા છે. લોકોમાં દારૂને લઈને છોછ ઓછો થયો છે. પહેલા કોઈ દારૂ પીતો હતો તો તે બિચારો ડરતાં-ડરતાં પીતો હતો, જ્યારે હવે તો દારૂની મહેફિલો મંડાય છે. ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટીઓ થાય છે. લગ્ન પ્રસંગોમાં પણ દારૂ માટે જાણે અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. આ બતાવે છે કે ગુજરાતમાં હવે દારૂને લઈને સામાજિક છોછ ઓછો થઈ ગયો છે. કોઈ દારૂ પીતો હોય તો પહેલાં તેને જે હીણપતથી જોવામાં આવતો હતો તે રીતે જોવાતો નથી. હા, ગરીબે જો દારૂ પીધો હોય તો તેની સ્થિતિ ખરાબ થાય છે. કુટુંબથી લઈને તંત્ર તેની પાછળ પડી જાય છે અને તેના પર માછલા ધોવાય છે. જો તમારે દારૂ પીવો ન હોય તો વાંધો નથી, પરંતુ દારૂ પીવો હોય તો સહેલાઈથી મળી જાય છે.
કેટલાય લોકો દારૂ પીવાવાળાઓને દારૂ પૂરો પાડવા માટે જબરદસ્ત મહેનત કરી રહ્યા છે. તેઓ તેના માટે રાતદિવસ એક કરી રહ્યા છે. આના કારણે દારૂના હપ્તા છેક તળિયાથી લઈને ટોચના આઇપીએસ સુધી પહોંચે છે તે હકીકત છે, તેમા હવે કશુ છૂપાવવા જેવું રહ્યું જ નથી. તેઓની જીવનશૈલીમાં આ દેખાઈ આવે છે, પરંતુ આ હપ્તામાં ગરીબનો દારૂના લીધે રઝળેલો પરિવાર પણ સામેલ છે તેઓ તે ન ભૂલે. ગરીબના નિસાસા તેમની આ કાળી કમાણીને બર નહીં આવવા દે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો

