Gir Somnath News/ વેરાવળ-પાટણ વિસ્તારમાં 15 મહિનાથી વિકાસ કામો સ્થગિત,500 કરોડના વ્યવહારો અટવાયા, D2 કેટેગરીના વિવાદ સામે જનઆંદોલનની ચેતવણી

સ્થાનિક નાગરિકો, બિલ્ડરો અને વિકાસ સાથે સંકળાયેલા તમામ વર્ગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

Gujarat

Gir Somnath News : વેરાવળ પાટણ વિસ્તારમાં 15 મહિનાથી વિકાસ કાર્યો સ્થગિત થઈ ગયા છે. જેને કારણે 500 કરોડના વ્યવહારો અટવાઈ ગયા છે. બીજીતરફ D2 કેટેગરીના વિવાદ સામે જનઆંદોલનની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.  ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-પાટણ વિસ્તારમાં છેલ્લા 14થી 15 મહિનાથી તમામ પ્રકારની બાંધકામ પરવાનગીઓ, સબ-પ્લોટ, લેઆઉટ મંજૂરીઓ અને ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022 (GRUDA-2022 ACT) હેઠળની ઈમ્પેક્ટ ફી સંબંધિત મકાન રેગ્યુલરાઈઝેશનની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.

આના કારણે સ્થાનિક નાગરિકો, બિલ્ડરો અને વિકાસ સાથે સંકળાયેલા તમામ વર્ગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરી વિકાસ વિભાગના આદેશ મુજબ, માત્ર DP અને TP સંબંધિત ઓફલાઈન કામગીરી ચાલુ રહેશે.સોમનાથ અર્બન ડેવલપમેન્ટ અથોરીટીની રચના થયા બાદ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આસપાસના 12 ગામોનો તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ઝોનિંગ થયા બાદ જ બાંધકામની મંજૂરીઓ આપવામાં આવશે અને કામગીરી શરૂ કરવામાં આવશે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

આ અંગે બિલ્ડર્સ, સિવિલ એન્જીનીયર્સ અને વકીલોની બેઠક મળી હતી જેમાં જનઆંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ મુખ્યમંત્રીને પત્ર લખીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.બિલ્ડર્સ એન્ડ લેન્ડ એસોસિએશનના ઉપપ્રમુખ અશોક ગદાના જણાવ્યા મુજબ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 15 મહિનાથી તમામ બાંધકામ પરવાનગીઓ અને વિકાસ કાર્યો સંપૂર્ણપણે બંધ છે. આ ઉપરાંત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના આઉટ ગ્રોથ એરિયા SUDA અને 12 નવા ગામોની લેઆઉટ તથા સબ-પ્લોટની ફાઈલો ટાઉન પ્લાનિંગ ઓફિસમાં પેન્ડિંગ છે.

તમામ બાંધકામ પરવાનગીઓ બંધ હોવાના કારણે છેલ્લા 15 મહિનાથી વિકાસ કાર્યો સંપૂર્ણપણે અટકી ગયા છે. અંદાજે 500 કરોડના વ્યવહારો અટકી ગયા છે. આ પરિસ્થિતિએ બેંક લોન અટકાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ અરજી કરી શકતા નથી. વિસ્તારમાં કૃત્રિમ મંદી ઉભી થઇ છે.સંગઠનોના જણાવ્યાં અનુસાર વિસ્તારમાં અનેક જમીનો બિનખેતી (NA) થઈ ગયેલી છે, પરંતુ તેના લેઆઉટ પ્લાન પાસ કરાવવાના બાકી છે. જો આ લેઆઉટ જૂના નિયમ મુજબ પાસ કરવામાં નહીં આવે, તો બહુ મોટી સમસ્યાઓ ઊભી થશે. 40% જમીન કોન્ટ્રીબ્યુશનના હિસાબે જમીન વેચનાર (ખેતીની જમીન વેચનાર) અને ખરીદનાર (બિનખેતીની જમીન અને લેઆઉટની અપેક્ષાએ ખરીદનાર) વચ્ચે મોટા વાંધા, ઝઘડાઓ અને કોર્ટ કેસ થવાની પ્રબળ સંભાવના છે, જેનાથી કાયદાકીય અને સામાજિક સમસ્યાઓમાં ખૂબ જ વધારો થશે.

બાર એસોસિએશનના સભ્ય ફૈઝલ હાલાઈએ જણાવ્યું કે બિનખેતી થયેલી જમીનોના પેન્ડિંગ લેઆઉટથી જમીન વેચનાર-ખરીદનાર વચ્ચે વિવાદની શક્યતા છે. આ અત્યંત સંવેદનશીલ મુદ્દો છે.વેરાવળ સિવિલ એન્જીનીયર એસોસિએશનના હોદ્દેદાર સુફિયાન ચૌહાણના જણાવ્યાં અનુસાર આ વિવાદનું મુખ્ય કારણ D7A માંથી D2 કેટેગરીમાં થયેલો ફેરફાર છે. ગુજરાતમાં બાંધકામ નિયમો (Comprehensive Development Control Regulations – CDCR) હેઠળ જમીન અને વિસ્તારોને વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવે છે, જે તે વિસ્તારમાં કેટલું બાંધકામ કરી શકાય (FSI – Floor Space Index) અને કયા પ્રકારના ઉપયોગની પરવાનગી છે તે નક્કી કરે છે. D2 કેટેગરીમાં 40 ટકા જમીન કોન્ટ્રિબ્યુશન ફરજિયાત કરાયું છે.

વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ (બંને બાજુ સમુદ્ર, બે નદીઓ અને ઓછી ઉપયોગી જમીન)ને ધ્યાને લીધા વિના આ 40% જમીન કોન્ટ્રીબ્યુશનનો નિયમ લાદવો અત્યંત અન્યાયી અને અવ્યવહારુ છે. આ નિર્ણય વિસ્તારના વિકાસને વધુ અવરોધશે. આ સ્થિતિ વેરાવળ-પાટણની જનતા માટે અન્યાયકારક બની છે. દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળની સરખામણીમાં વેરાવળના નાગરિકોને સ્પષ્ટ અન્યાય થયો છે. દ્વારકા-ઓખામાં સત્તામંડળ જાહેર થયા પછી પણ બિલ્ડર્સને જૂની પદ્ધતિથી બે વખત કામગીરી ચાલુ રાખવાની સત્તાઓ આપવામાં આવી હતી.

જયારે સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ-Somnath Urban Area Development Authority(SUDA) બન્યા બાદ આ સ્થિતિ નથી અને નિયમો તરત બદલી દેવામાં આવ્યાં છે. સંગઠનોએ માંગ કરી છે કે વેરાવળ પાટણ વિસ્તાર વિકાસ સત્તામંડળ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા અને 12 ગામોના નગર નિયોજકને પૂર્વવત સત્તાઓ સોંપવામાં આવે.બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશન, સિવિલ એન્જીનીયર એસોસિએશન અને બાર એસોસિએશને સંયુક્ત બેઠક યોજી આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક સંગઠનોએ જનઆંદોલનની ચેતવણી આપી છે. આગામી દિવસોમાં સ્થાનિક સંગઠનોનું પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્યમંત્રીને મળીને આ મુદ્દે રજૂઆત કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી

આ પણ વાંચો:ગેરકાયદે અમેરિકા જવાના કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ

આ પણ વાંચો:કબૂતરબાજીની વ્યાપક ફરિયાદોને પગલે ગુજરાતભરમાં પોલીસના દરોડા