Gujarat Weather: ગુજરાતમાં સમગ્ર રાજ્યમાં વરસાદે પોતાનો પ્રભાવ ફેલાવ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે, જે અનુસાર 1 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થશે. આજે (27 જુલાઈ) અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત, નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થશે, કારણ કે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 2.62 લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે, જેના કારણે ઓમકારેશ્વર ડેમ સતર્ક સ્થિતિમાં છે.
રવિવારે મોડી રાતથી અમદાવાદ, પાટણ, મહીસાગર અને પંચમહાલમાં હળવો વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાએ વરસાદે જોર પકડ્યું, જ્યારે ક્યાંક ઝરમર ઝરમર વરસાદ થયો. અમદાવાદમાં મોડી રાતે વરસાદે જોરદાર બેટિંગ કરી, જેના કારણે શહેરના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા.મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ સતર્ક સ્થિતિમાં છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગમે ત્યારે 2.62 લાખ ક્યુસેક પાણી છોડાઈ શકે છે, જે 32 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમ સુધી પહોંચશે.

હાલ નર્મદા ડેમનું જળસ્તર 124.31 મીટર છે, જ્યારે તેનું મહત્તમ જળસ્તર 138.68 મીટર છે. 2.62 લાખ ક્યુસેક પાણીની આવકથી જળસ્તરમાં 1.5થી 2 મીટરનો વધારો થશે, પરંતુ ડેમને કોઈ જોખમ નથી. હાલ પાણીની આવક 76,200 ક્યુસેક છે, અને છેલ્લા 24 કલાકમાં જળસ્તરમાં 33 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે.
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવા માટે હજુ એક મહિનો લાગશે. નર્મદા નિગમના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે અને પાવર જનરેશન વધારીને ડેમને 60% ભરેલો રાખવામાં આવે છે, જેથી પૂરની સ્થિતિમાં કાંઠાના ગામોની સુરક્ષા થઈ શકે.
હવામાન વિભાગે આજે (27 જુલાઈ) અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર થયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડ ઉપર ડિપ્રેશન સર્જાયું છે, અને દક્ષિણ ગુજરાત ઉપર મોનસુન ટ્રફ છે. ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ચાર હવામાન સિસ્ટમ સક્રિય છે. માછીમારોને પાંચ દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે, કારણ કે પવનની ઝડપ 45થી 55 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર, મધ્ય, પૂર્વ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 29 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓગસ્ટ મહિનો વરસાદથી ભરપૂર રહેશે. એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે આખો ઓગસ્ટ સારો વરસાદ જોવા મળશે. ખાસ કરીને 6થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત
