Surat News: સુરતમાં નકલી શેમ્પૂના રેકેટનો પર્દાફાશ થયાના માત્ર ચાર દિવસ બાદ પોલીસે લસકાણા ડાયમંડનગરમાં ચાલતા નકલી પાન-મસાલાના રેકેટનો ભાંડો ફોડ્યો છે. જાણીતી બ્રાન્ડ્સ તુલસી અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવીને બજારમાં ઠલવાતા હતા. લસકાણા પોલીસે રાત્રે ધમધમતી આ ફેક્ટરી પર દરોડો પાડી, એક શખ્સની ધરપકડ કરી અને 10 લાખ રૂપિયાનો કાચો માલ જપ્ત કર્યો.
લસકાણા પોલીસે ડાયમંડનગરમાં કળથિયા કોર્પોરેશન-3માં આવેલા એક કારખાનામાં દરોડો પાડ્યો. આ ઓપરેશનમાં નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિ.ના સિનિયર મેનેજર વિનય મલિક પણ સામેલ હતા, જેમને તુલસી અને રજનીગંધા બ્રાન્ડ્સ દ્વારા ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ શોધવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નોઈડાની આ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ બાતમી આપી હતી કે ડાયમંડનગરમાં નકલી પાન-મસાલાની ફેક્ટરી ચાલે છે.

પોલીસે રેડ દરમિયાન 5.4 કિલો લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગ્નેશિયમ કાર્બોનેટ પાઉડર, 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન અને તુલસી ગુટકા તથા રજનીગંધાના સ્ટિકરવાળા પાઉચનો જંગી જથ્થો જપ્ત કર્યો. આ ઉપરાંત, 6 કિલોથી વધુ ફ્લેવર એસેન્સ પણ મળી આવ્યું, જેનો ઉપયોગ બ્રાન્ડેડ પાન-મસાલા જેવી સ્મેલ લાવવા માટે કરવામાં આવતો હતો.
દરોડા દરમિયાન પોલીસે રમેશ હરિ ભેસરફાલ (રહે. રાજહંસ વિંગ, પાલનપોર કેનાલ રોડ, મૂળ રહે. ઘરાણાગામ, ભચાઉ)ની ધરપકડ કરી. પૂછપરછમાં રમેશે જણાવ્યું કે આ કારખાનું જયેશ પડસાળા (રહે. મોટા વરાછા)નું છે, જે માલની સપ્લાયનું કામ સંભાળે છે. પોલીસે જયેશ પડસાળાને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.

કંપનીને જાણ થઈ હતી કે તેમની પ્રોડક્ટ્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર ગેરકાયદેસર વેચાઈ રહી છે. ઓનલાઈન ઓર્ડરની વિગતો અને પેમેન્ટ ગેટવેના આધારે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મહેનત કરીને સુરતના આ કારખાનાનું સરનામું શોધી કાઢ્યું. જયેશ પડસાળાએ પોતાની બ્રાન્ડ ‘નાઇન્થ રોક’ રજિસ્ટર્ડ કરાવી હતી, પરંતુ તેની આડમાં તુલસી અને રજનીગંધાના ડુપ્લિકેટ પાન-મસાલા બનાવીને બજારમાં વેચતો હતો. શંકા ન જાય તે માટે આ કારખાનું રાત્રે જ ચલાવવામાં આવતું હતું.
આ ઘટનાના ચાર દિવસ પહેલાં સુરતના કામરેજ તાલુકાના નવાગામ ખાતે નવકાર ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં નકલી શેમ્પૂનું રેકેટ ઝડપાયું હતું. કામરેજ પોલીસે દરોડો પાડીને હેડ એન્ડ શોલ્ડર બ્રાન્ડના નકલી શેમ્પૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ગોડાઉનમાં હાજર મુકંદ હસમુખભાઈ માવાણી પાસે કોઈ પરવાનો ન હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો:GST વિભાગે ઉમરેઠમાં લોખંડના વેપારીની પેઢીમાં પાડ્યા દરોડા
આ પણ વાંચો:કયાંક તમે નકલી પનીર તો નથી ખાઇ રહ્યાં ને? આ રીતે, સરળતાથી કરો અસલી અને નકલીની પરખ
આ પણ વાંચો:રાજકોટમાં નકલી બિયારણ મામલે કૃષિ મંત્રીનું આકરું વલણ, સખત કાર્યવાહીની ચીમકી
